મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં બંગલામાં રસોડામાં ભોયુરું બનાવી તેમાં દારુ સંતાડી વેચતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વાલજીભાઈ અને માધુભાઈને બાતમી મળી હતી કે સોલા સિવિલ હોસ્પિટલ સામે આવેલા હરિવિલા બંગ્લોઝમાં આવેલા C 38 નંબરના બંગલામાં રહેતા વિનોદભાઈ વોરા (પટેલ) વિદેશી દારૂનું વેચાણ કરે છે. હાલમાં ગાડીમાં જથ્થો મૂકી રાખ્યો છે. જેના આધારે PI જે.પી જાડેજા ટીમ સાથે બુટલેગરના ઘરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરના કમ્પાઉન્ડમાં પડેલી ગાડીમાં તપાસ કરતા પાછળની ડેકીમાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા રસોડામાં ફ્રીઝ ખસેડી જોતા નીચે ભોંયરું મળી આવ્યું હતું.  ભોંયરામાં આવવા જવા માટે લોખંડની સીડી પણ મૂકી હતી.

પોલીસે ભોંયરામાં ઉતરી તપાસ કરતા નીચેથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં પણ અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો ગણતા 275 જેટલી બોટલો કિંમત રૂ. 9.02 લાખની મળી આવી હતી.  તે રાજસ્થાનથી આ તમામ દારૂનો જથ્થો પાર્સલમાં બસમાં મંગાવતો હતો અને તેના ગ્રાહકોને વેચતો હતો. પોલીસે આરોપી વિનોદ વોરાની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.