મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ શહેરમાં ચાલતા દારૂના અડ્ડાને શોધવા માટે પોલીસે નવો કીમ્યો સોધી કાઢ્યો છે. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના સીમાડે ચાલતી દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી રૂપિયા 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેર પોલીસે ભાલીયાપુરા, બીલ, કોયલી, તલસટ, વડસર તેમજ છાણી ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડતા આ ગામોના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોટા ભાગના બુટલેગરો ગામમાંથી ફરાર થઇગયા હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરામાંથી ઝડપાયેલા દેશી દારૂના અડ્ડા વિશે ક્રાઇમ બ્રાચના ડીસીપી જયદીપસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરના છેવાડે આવેલાભાલીયાપુરા, બીલ, તલસટ, વડસર, રણોલી, કોયલી તેમજ છાણી ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના  આધારે ક્રાઇમ બ્રાચના પી.આઇ. આર.એ. જાડેજા અને પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલની દેખરેખ હેઠળ પાંચ ટીમ બનાવવામાં આવી હતી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરોડા પાડતા પૂર્વે ડ્રોન કેમેરા દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું. તે બાદ ક્રાઇમ બ્રાચઅને પીસીબીના અધિકારીઓ અને તેમના સ્ટાફની બનાવવામાં આવેલી પાંચ ટીમ દ્વારા સામુહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાંઆવી હતી.

પોલીસે સ્થળ ઉપરથી 113 લિટર દેશી દારુ, 7690 લિટર દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો વોશ મળી કુલ્લે રૂપિયા 20,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તે સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડનીકાર્યવાહી હાથ ધરવામાં આવી છે.