મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સબજેલમાં અનેક વખત મોબાઈલ મળવાની તથા પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાની ઘટનાઓ બની છે ત્યારે ધ્રાંગધ્રા સબજેલમાં ફરી એક વખત ૭ મોબાઈલ, ૨ ચાર્જર અને ઇંગ્લિશ દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ છે ધ્રાંગધ્રા સબજેલમાં તપાસ દરમિયાન ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા, ધ્રાંગધ્રા સીટી પી.આઈ કે.એ.વાળા, એસ. ઓ.જી શાખાના પી.એસ.આઈ એમ.બી.સોલંકી, એલ.સી.બી શાખાના પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફે ધ્રાંગધ્રા સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં બેરેક-૧માં તપાસ કરતા મહેશ ઉર્ફે હેડન રાઠોડ પાસેથી ઈંગ્લીશ દારૂની ૫૦૦ એમ.એલ ની બોટલ મળી આવી બેરેક-૨ માં તપાસ કરતાં દિવ્યરાજસિહ ઉર્ફે લક્કીરાજ રાઠોડ પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ, એક ચાર્જર અને ૫૦૦ એમ.એલ ઇંગ્લિશ દારૂ પકડાયો હતો ત્યારે એજ બેરક માંથી વિનોદભાઈ મગનભાઈ સોલંકી પાસેથી એક સફેદ કલરનો સેમસંગ કંપની નો સાદો મોબાઈલ મળી આવ્યો હતો બેરક-૪માં ઝડતી કરતા જયદીપ દેવશીભાઇ પંપાણિયા પાસેથી એક કાળા કલરનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ તથા ચાર્જર મળી આવ્યું હતું.

તેમજ બેરક-૭માં તપાસ કરતા શાહરૂખ માલાણી પાસેથી એક વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ તથા એક સાદો ફોન મળી આવ્યો હતો. ત્યારે હાલ તો તમામ આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ધ્રાંગધ્રા સબજેલમાં કેવી રીતે પહોંચે છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.