મેરાન્યૂઝ નેટવર્ક, નડિયાદ: ગુજરાત પોલીસ રાજ્યમાં દારુબંધીનો કડક અમલ કરાવવા સતત વોચ રાખી રહી છે ત્યારે નડિયાદના હાઇપ્રોફાઇલ ગણાતા જલાશ્રય રિસોર્ટમાંથી નડિયાદ LCBની ટીમે મોડી રાત્રે દરોડા પાડી રૂમોની તલાસી લેતા રૂમ નંબર 310માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળતા પોલીસે રિસોર્ટ મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

નડિયાદના ડભાણ રોડ સ્થિત જિલ્લા કલેક્ટરની ઓફિસ સામે આવેલા રિસોર્ટમાં નડિયાદ LCBએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે 9 વાગ્યા બાદ LCBની ટીમે રિસોર્ટમાં ત્રીજા માળે જઈ રૂમ નં. 301થી 310ની તપાસ કરતા 310 નંબરની રૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ત્યાં હાજર જવાબદારની પૂછપરછ કરતા નરેન્દ્રસિંહ કરણસિંહ રાઠોડ (મૂ.રહે. ઉદેપુર, રાજસ્થાન, હાલ રહે. રૂમ નં. 308, જલાશ્રય રિસોર્ટ, નડિયાદ) અને પોતે રિસોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે રૂમ નં. 310માંથી ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની 11 નંગ બોટલની કિંમત 2590 ગણી કુલ 3590રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસે રિસોર્ટના મેનેજર સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે આ દારૂ કોના માટે મંગાવવામાં આવ્યો હતો તે અંગે હજું સુધી કોઇ ખુલાસો થયો નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ જલાશ્રય રિસોર્ટના માલિક ધીરુભાઈ ગગાભાઈ શર્મા પાસે નવેમ્બર-2020માં એ.સી.બી. તપાસ દરમિયાન 8 કરોડ 4લાખ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ મળી આવી હતી. જેથી તેમની સામે આણંદ એ.સી.બીમાં આવક કરતા વધુ સંપતિનો ગુનો નોંધાયો હતો. ધીરુભાઈ આણંદમાં જમીન વિકાસ નિગમ લી.ના ફિલ્ડ આસીસ્ટન્ટ કર્મચારી હતા. પોતાની ફરજ દરમિયાન અપ્રમાણસર સંપત્તિ એકત્ર થઈ હોય તપાસ કરતા આ રિસોર્ટ પણ ભ્રષ્ટાચારની આવકમાંથી બન્યો હોવાની ચર્ચા ચાલી હતી. જો કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.