પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતની દારૂબંધી ઉપર થયેલી ટીપ્પણી પછી મામલો ગરમાયો છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તે ટીપ્પણીને ગુજરાતીનું અપમાન ગણાવ્યુ છે. ગુજરાતના ડીજીપી શીવાનંદ ઝાએ એક સપ્તાહની ઝુંબેશ કરી દારૂબંધીનો અમલ કરાવવાની જાહેરાંત કરી છે, સોશીયલ મિડીયા ઉપર પણ લોકો દારૂ અંગે પોતાનો મત વ્યકત કરી રહ્યા છે. ખરેખર આ મામલે ગુજરાતના નેતા પોલીસ અને પ્રજા શાહમૃગની નીતિ અખત્યાર કરી રહી છે. બીમાર હોવાની કબુલાત દર્દી કરે તો ડૉકટર તેની સારવાર કરી શકે પણ જો દર્દી કહે હું બીમાર જ નથી તો ડૉકટર શુ કરે તેવી સ્થિતિ આપણી છે ગુજરાતમાં દારૂબંધી તો 1960થી છે પણ કેવા પ્રકારની દારૂબંધી છે તે તમામને ખબર છે આમ છતાં દારૂ વેચનાર-વેચાવનાર અને દારૂ પીનાર ત્રણે કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે.

અશોક ગહેલોતે કહ્યુ કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેમાં અતિશયોકતિ જરૂર છે, પણ ગુજરાતમાં દર દસમાંથી પાંચ વ્યકિત દારૂ પીવે છે તેવો અંદાજ બાંધીએ તો કદાચ ખોટો નહી પડે, આપણે ત્યાં બીજા રાજયોની જેમ દારૂની સામાજીક  સ્વીકાર્યતા મળી નથી તેના કારણે દારૂ પીનાર કદાચ ઘરમાં દારૂ પીતો નથી, આ ઉપરાંત દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારના મનમાં કાયદાનો છુપો ડર પણ છે, જેના પરિણામ સ્વરૂપ બીજા રાજયોની સરખામણીમાં ગુજરાતની મહિલાઓ વધુ સલામત છે તે કહેવામા્ં પણ સંકોચ હોવો જોઈએ નહીં, ગુજરાતમાં ભલે કહેવાતી દારૂબંધી હોય તો પણ દારૂ પીનાર જાહેરમાં અને ખાનગીમાં મહિલાઓની છેડતી કરતા ડરે છે તે ઉત્તમ પાસુ છે. આમ દારૂબંધીનો ફાયદો હોવા છતાં ગુજરાતમાં બીજા રાજયોની સરખામણીમાં વધુ દારૂ વેચાય અને પીવાય છે તે બાબત નકારવાનો અર્થ થાય છે આપણે પોતાની સાથે જુઠ્ઠુ બોલીએ છીએ,

ગુજરાતમાં દારૂનું ટન ઓવર બહુ મોટુ છે, જેનો હિસ્સો સીધી કે આડકતરી રીતે નેતાઓ અને પોલીસને મળે છે તે પણ એટલી જ વાસ્વીકતા છે જેના કારણે ચોક્કસ પોલીસ સ્ટેશન અને ચોક્કસ જિલ્લામાં પોસ્ટીંગ લેવાના બહુ ઉંચો ભાવ ચાલે છે, જો પોલીસને પોતાના પગારમાં કામ કરવાનું આવે તો ડાંગમાં નોકરી કરે કે પોરબંદરમાં શુ ફેર પડવાનો છે કોઈ પોલીસ ઈન્સપેકટર કરાઈ એકેડમીમાં નોકરી કરે કે ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી- સ્ટેટ મોનીટરીંગ સેલમાં  શુ પડવાનો છે, ચોક્કસ પોસ્ટીગમાં બહુ જ મોટો ફાયદો થતો હોવાને કારણે પોલીસ પોસ્ટીંગ માટે  બધુ જ કરવા તૈયાર હોય છે. તમામ પોલીસ અધિકારીઓ દારૂના હપ્તા લે છે તેવુ જનરલ સ્ટેટમેન્ટ કરી શકાય નહીં છતાં પોલીસ દળનો મોટો મદાર દારૂના ધંધા ઉપર રહેલો છે, પોલીસને દારૂમાંથી મળતા બધા જ પૈસા પોતાના ઘરે અથવા નેતા સુધી પહોંચે છે તેવુ પણ નથી પણ આપણી પોલીસને ક્રાઈમ શોધવા ્અને રોકવા માટે જરૂરી સંશાધનો આપવમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાને કારણે અનેક વખત પોલીસ દારૂના પૈસામાંથી મોટો હિસ્સો ક્રાઈમ ડીટેકશનમાં પણ વાપરે છે.

બીજા રાજયોની સરખામણીમાં ગુજરાત પોલીસનો ક્રમ કદાચ મુંબઈની પોલીસ પછી બીજા નંબરે આવતો હશે, આપણી પાસે ઉત્તમ જવાનો અને અધિકારીઓ છે પોલીસનું પ્રોફેશનાલીઝમ પણ છે, પરંતુ તેમનો ડ્રાઈવગ ફોર્સ દારૂમાંથી મળતા પૈસા છે. જેના કારણે ખાલી નાના પોલીસ અધિકારીઓ જ નહીં સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ ચોક્કસ પોસ્ટીંગ માટે મોટી રકમ આપે છે, પોલીસની ભાષામાં જેને સેવા કહેવામાં આવે છે તેવી સેવાઓ પોલીસ ઈન્સપેકટરોને ખુબ આવે છે જેમાં કોઈ પક્ષની સભા હોય તો તેના માટે મંડપની વ્યવસ્થા કરવી, સાહેબની પત્ની ખરીદી કરવા આવે તો તેના બીલની ચુકવણી કરવી, સિનિયરની રેલવે અને પ્લેનની ટીકીટ કરી આપવા, સાહેબના પરિવાર માટે ફિલ્મની ટીકીટ લાવવી વગેરે સેવાની યાદી યાદી લાંબી છે પોલીસ આ બધા જ ખર્ચાઓ દારૂના પૈસામાંથી કાઢે છે,

જો પોલીસ ઈન્સપેકટરને પોતાના પગારમાંથી આ સેવાઓ કરવાની હોય તો કદાચ દર મહિને લાખ-દોઢ લાખની લોન લેવી પડે તેવી સ્થિતિ છે, આમ આ વિષયસ્ય સર્કલ છે જેનું ચક્ર દારૂના ધંધાની આસપાસ ફરે છે, જો ડીજીપી-પોલીસ કમિશનર અને એસપી તેવો દાવો કરે કે તેમના વિસ્તારમાં દારૂ વેચાતો નથી તો પોતાની છાતી ઉપર હાથ મુકી કહે તેમને ચોક્કસ જગ્યા ઉપર ચોક્કસ ઈન્સપેકટર-સબઈન્સપેકટરને મુકવાનો આદેશ અથવા ભલામણ કેમ થાય છે, આપણે સ્વીકારવુ જ પડશે કે ગુજરાતની દારૂબંધી કાગળ ઉપર રહી છે જેનો અર્થ એવો પણ નથી કે દારૂબંધી હટાવી લેવી જોઈએ પણ દારૂબંધીના મુદ્દે આપણા ઈરાદા તમામ સ્તરે નેક નથી તેના કારણે દારૂબંધીનો અમલ આપણે કરાવી શકતા નથી દારૂના મુદ્દે આપણે ચોર કહે ચોરી કર અને કોટવાલને કહે જાગતો રહે તેવુ કરીએ છીએ તે વાસ્તવીકતા આપણે સ્વીકારવી જોઈએ, અશોક ગહેલોત જેવા મુખ્યમંત્રી ગુજરાતની દારૂબંધી ઉપર નિવેદન કરે એટલે આપણે દરોડા પાડવા લાગીએ તેવુ નાટક કરવાની પણ જરૂર નથી.

હવે વાત ગુજરાતના અપમાનની કરીએ, રાજસ્થાનમાં દારૂબંધી થવી જોઈએ તેવી માગણી  ઉઠી ત્યારે અશોક ગહેલોતે ગુજરાતની કહેવાતી દારૂબંધી ઉપર ટીપ્પણી કરી જેના કારણે વિજય રૂપાણી નારાજ થયા અને તેમણે ગુજરાતનું અપમાન ગણાવ્યુ પણ ખરેખર આપણને ગુજરાતી તરીકે અપમાન લાગતુ હોય તો તેવા ઘણા મુદ્દા છે જે મુદ્દે માત્ર સરકારે જ નહીં પ્રજાએ પણ અપમાન ગણવુ જોઈએ,  જે ગુજરાતમાં ગાંધીએ અશ્પુશ્યતા નિવારણ માટે કામ કર્યુ હોય તે જ ગુજરાતમાં દલિત યુવકનો વરઘોડો નિકળી શકે નહીં, કોઈ યુવતી પ્રેમ લગ્ન કરે તો પ્રેમ કરનારની જાહેરમાં હત્યા થઈ જાય, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પીવાનું પાણી મળે છે, ખેડુતો દેવાના ભારમાં આત્મહત્યા કરે, એન્જીનિયર થયા પછી  યુવકોને નોકરી મળતી નથી, હજી પણ સફાઈ કામદાર ગટરમાં ઉતરી સફાઈ કરે અને કુતરાની મોતે મરે છે, હજી પણ  ગોરે દરમિયાન ચોક્કસ જ્ઞાતિની દિકરીઓને મંદિરમાં પ્રવેશ મળતો નથી હજી પણ આપણા ગુજરાતમાં હિન્દુ મુસ્લીમોના હુલ્લડો થાય છે આમ આપણને ગુજરાતી તરીકે અપમાન લાગે તેવા અનેક મુદ્દા છે જે દિશામાં આપણે વિચારતા નથી પણ એક અશોક ગહેલોત કઈક બોલે તેમાં આપણને માઠુ લાગે તે વાજબી નથી.