રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે ‘આવતા સમયમાં અમારી સરકાર બનશે તો ગુજરાતમાંથી દારુબંધી હટાવી દેવામાં આવશે; લોકોને સારી ગુણવત્તાવાળો દારુ પીવા મળશે !’ સવાલ એ છે કે દારુબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? વ્યક્તિએ શું ખાવું, પીવું તેના ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકી શકે?

રેશનાલિસ્ટ રમણ પાઠક કહે છે : ‘કોઈ માણસ પોતાના નિજાનંદ, મસ્તી ખાતર શાંતિથી ઘરમાં બેસીને દારુ પીએ તો સરકાર કઈ નૈતિક ભૂમિકા પર રોકી શકે? ઋગ્વેદમાં સોમરસની ભરપૂર પ્રશંસા છે. એ શા માટે? સુખ અને આનંદ વચ્ચેનો ભેદ સમજવો પડે. માણસ કેવળ સુખથી નથી જીવી શકતો; એને આનંદ પણ જોઈએ. કદાચ આનંદ વધુ અનિવાર્ય છે. ગુજરાતના પ્રધાનો, અમલદારો સર્કિટ હાઉસ કે વેપારીઓ એરકંડિશન્ડ ખંડમાં બેસી ઊંચી જાતનો શરાબ પીતા હોય; ત્યારે બહાર પોલીસ લાચાર ગરીબોને દારુ પીવા બદલ ઝૂડતી હોય અને જેલમાં પૂરતી હોય એ અન્યાય તે કેમ સહ્યો જાય? દારુબંધીથી કૌટુંબિક જીવન સુધર્યા છે; તે પોકળ દલીલ છે. શાંત, સ્વસ્થ, આનંદમય ગૃહસ્થીના મૂળમાં ઊંચા સંસ્કાર, સારું શિક્ષણ, સ્ત્રીનું સ્થાન અને સૌથી વધુ તો આર્થિક સલામતી અનિવાર્ય પરિબળો છે; ત્યાં એકલી બિચારી દારુબંઘી શું કરી શકે?’


 

 

 

 

 

દારુબંધીની તરફેણ કરનારા કહે છે: [1] દારુબંધી હોવી જોઈએ; દારુના કારણે વંચિતોનું શોષણ થાય છે. [2] દારુ મુખ્યત્વે પુરુષ પીવે છે; મહિલાઓ પીતી નથી; પરંતુ દારુનો ભોગ મુખ્યત્વે મહિલાઓ બને છે. [3] દારુબંધીના કારણે ગુજરાત દર વર્ષે 1200 કરોડથી વધુ રેવન્યૂ ગુમાવે છે, આ રકમ વિકાસ માટે વાપરી શકાય; તેવી દલીલ કરવામાં આવે છે, પરંતુ વિકાસ કોના માટે તે વિચારવું જોઈએ. કાકા કાલેલકર કહે છે : ‘સંસ્કાર સિંચન માટે કોઈ ગામમાં મંદિર ઊભું કરવામાં આવે; પછી મંદિરનો ખર્ચો કાઢવા મંદિરના કંપાઉન્ડની ઓરડીઓ સેક્સ વર્કરને ભાડે આપવામાં આવે તેનો શું અર્થ?’ [4] દારુબંધીના કારણે લઠ્ઠાકાંડ થાય છે; આ દલીલ ખોટી છે, કેમકે જે રાજ્યોમાં દારુબંધી નથી ત્યાં પણ લઠ્ઠાકાંડ થયેલાં છે. [5] દારુબંધી હોય તો સરળતાથી દારુ ન મળે; તેનો વ્યાપ વધે નહીં. શાળા-કોલેજની નજીક દારુની દુકાન ન ખૂલે. [6] દારુબંધીના કારણે પોલીસનો ડર રહે; પીવે તો પણ છાનામાના પીવો પડે. તેથી સુરક્ષા જળવાય. [7] સામાજિક ડરના કારણે પીવાની તલબ લાગી હોય તોપણ જતી કરવી પડે; આમ નિયંત્રણ રહે. [8] દારુ પીધા વગરનો માણસ પોતાના પરિવાર સાથે વધુ સમય આપીને કુટુંબને હૂંફ આપે છે. [9] ગલી ગલી ગૌરસ ફિરે; મદિરા બૈઠી બિકાય; એવું કબીરે કહ્યું છે; તેમાં માનવમનનું વિજ્ઞાન છે. દારુ પીવો હશે તે પરમિટ લઈ લેશે, ચોરીછૂપીથી પીશે તેથી નિયંત્રણ રહેશે. દારુબંધી બરાબર છે.

એ કબૂલ કરવું પડે કે દારુબંઘીની નીતિનો સઘળો બોજ ગરીબો ઉપર આવે છે; તેમને જ પોલીસની બધી હેરાનગતિ સહન કરવી પડે છે. સૌરાષ્ટ્રમાં જે રીતે છાસ પીવાય છે તે રીતે આદિવાસી વિસ્તારમાં તાડી પીવાય છે. તાડીને પ્રોહિબિશન એક્ટ હેઠળ પ્રતિબંધિત કરી દીધી એટલે તાડી પીનારા દારુડિયા થઈ ગયા ! દારુબંધી એટલે ટીપુંય દારુ ન મળવો જોઈએ; એવો અર્થ નથી; દારુબંધીનો અર્થ છે નિયંત્રણ. જાહેરમાં દારુ ન પીવાય; જાહેરમાં બખેડો ન થાય તે પોલીસે જોવાનું હોય છે. દારુબંધીની નીતિનો વિરોધ થવાનું મુખ્ય કારણ છે; આ નીતિનો અમલ કરાવનાર પોલીસ ! પોલીસ ખુદ દારુ પીવે અને ઘરમાં, ફાર્મ હાઉસમાં શાંતિથી દારુ પીનારાને પોલીસ પકડીને તોડ કરે ! આ દારુ ગુજરાતમાં, શહેરમાં, જિલ્લામાં પોલીસના સૌજન્યથી જ આવેલો હોય છે ! થોડાં વર્ષો પહેલાં અમદાવાદ શહેરમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે રોજે એક મોટા ટ્રકમાં હજારો પેટી દારુ ઊતરતો હતો અને પેટી દીઠ 700 રુપિયા પોલીસ કમિશ્નરને મળતા હતા ! આને ‘કટિંગ’ કહે છે; મહિને કરોડો રૂપિયાની આવક ! નાની પોલીસ એરપોર્ટ બહાર નીકળતી કારને ઇરાદાપૂર્વક ચેક કરે; વિદેશથી આવતા ભારતીયો પાસેથી પૈસા પડાવે અને બોટલ પણ...

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)