કમલેશ જુમાણી (મેરાન્યૂઝ નેટવર્ક.ઉના) : સામાન્યત: એવી માન્યતા પ્રવર્તે છે કે, સિંહ પાણીમાં તરી શકતા નથી. પરંતુ આ વાતનો છેદ ઉડાડતી દુર્લભ ઘટના ગીર જંગલના તુલસીશ્યામ-જશાધાર પાસે આવેલ રાવલ નદીના નવા નીરમાં દ્રશ્યમાન થઈ હતી. જ્યાં એક-બે નહીં પણ એક સાથે ત્રણ-ત્રણ વનરાણીઓ નદીના સામા કાંઠે સાબર કે ચિતલનો શિકાર કરવા ખળ-ખળ વહેતા નીરમાં તરીને પેલે પાર પહોંચી ગઈ હતી. ભાગ્યેજ નજરે નિહાળવા મળતી “સિંહના સરિતા સ્નાનની” અદભૂત ક્ષણોને કેમેરામાં કેદ કરવાની અમૂલ્ય તક વનવિભાગના બીટ ગાર્ડ સારલાને સાંપડી હતી. આ અંગેની માહિતી વનવિભાગના પૂર્વ પ્રભાગના અધિકારી ડૉ. અંશુમન શર્માએ પ્રદાન કરીને અલભ્ય વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.