બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): પાટણ લોકસભા બેઠકના પૂર્વ સંસદસભ્ય લીલાધરભાઈ વાઘેલાનું 16મી સપ્ટેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેમની વિદાયને રાજકીય ક્ષેત્રની ક્ષતિ સાથે પત્રકારત્વ ક્ષેત્રની ક્ષતિ-ખોટ પણ ગણવી જોઇશે. કેમ કે કારકિર્દીના પ્રારંભે 1970ની આસપાસ લીલાધરભાઈ વાઘેલા બનાસકાંઠા જિલ્લાના ખબરપત્રી હતા. એ જમાનાના પત્રકારત્વની તાસીર પ્રમાણે જિલ્લામાં કામ કરતા ખબરપત્રી જિલ્લા – તાલુકાના નાના-મોટા દરેક ગામની મુલાકાત લઈ ખત-ખબર મેળવતા, સમાચાર લખતા અને એક કે તેથી વધુ દૈનિકોને સમાચાર મોકલતા હતા. લીલાધર વાઘેલાની બાબતમાં એમ કહી શકાય કે આ ગામેગામનો પ્રવાસ કરવો એ તેમના જાહેરજીવનની શરૂઆત હતી.

એમ તો 17 ફેબ્રુઆરી 1935ના રોજ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે જન્મેલા તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી બી.એ, બી.એડનો અભ્યાસ કરીને માધ્યમિક શાળામાં શિક્ષક થયા હતા. એ સમયે શિક્ષકો શોખથી અથવા તો વધારાની આવકના એક સ્ત્રોત તરીકે ખબરપત્રીની કામગીરી શરૂ કરતા અથવા તો સ્વીકારતા હતા. લીલાધરભાઈએ 1972માં ‘બનાસ સંદેશ’ નામના સાપ્તાહિકની શરૂઆત કરી તેના તંત્રી થયા. આ સાપ્તાહિક લાગલગાટ પીસ્તાલીસ ઉપરાંત વર્ષો સુધી પ્રકાશિત થતું રહ્યું હતું. તેના પ્રારંભિક અંકો ગ્રામીણ પત્રકારત્વનો અભ્યાસ કરવા ઇચ્છતા કોઈ પણ માટે મહત્ત્વની મુડી બની રહે તેવા છે. શિક્ષણ અને પત્રકારત્વની કામગીરી સાથે તેઓ કૉંગ્રેસ સેવાદળમાં જોડાયા – મંત્રી થયા. હા, આજે આપણે જેમનો ‘ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્યની વિદાય’ એમ સમાચાર ઉલ્લેખ વાંચીએ છીએ એ લીલાધરભાઈ વાઘેલાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કૉંગ્રેસથી કરી હતી. બનાસકાંઠા જિલ્લા યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ થયા. જ્ઞાતિએ ઠાકોર સમાજના હોઈ તેના કન્વીનર હતા.


 

 

 

 

 

1974 પછી ગુજરાતના વિધાનસભા મતવિસ્તારોમાં મોટા ફેરફારો અમલી બન્યા. ચૌદ વિધાનસભા બેઠકોનો વધારો થતા બેઠક સંખ્યા 168માંથી 182 થઈ. એમાંની એક દીઓદર વિધાનસભા બેઠકનું સ્થાન-નામ તો એ જ રહ્યું પરંતુ તેમાં ઠાકોર જ્ઞાતિના બહુ મોટા રહેણાક વિસ્તારનો – ગામોનો સમાવેશ થયો. જ્ઞાતિ ગણિત બદલાતા કૉંગ્રેસ પક્ષ માટે તેના ઉમેદવાર બદલવાનું લગભગ ફરજિઆત થઈ પડ્યું હતું. દીઓદરના કૉંગ્રેસ પક્ષના જ ધારાસભ્ય ગુલાબસિંહજી વાઘેલા સ્થાનિક દરબારગઢ રાજ પરિવારના પ્રતિનિધિ હતા. રાજાશાહી રહી નહોતી અને તેઓ તેમની બેઠક પણ જાળવી નહીં શકે એવુંઅનુમાન કરતા કૉંગ્રેસ પક્ષના જિલ્લા આગેવાનોએ ચૂંટણી સ્પર્ધા માટે જે યુવાનની ઉમેદવારી આગળ કરી તેમનું નામ – લીલાધર ખોડાજી વાઘેલા. આ પુરા નામથી જ તેઓ રાજકીય વર્તુળોમાં જાણીતા થયા હતા અને ક્યારેક પુરા નામનું સંબોધન પણ પામતા હતા.

જ્ઞાતિ ગણિતની રૂએ લીલાધર વાઘેલા પહેલી વાર પાંચમી વિધાનસભામાં 1975માં દીઓદર બેઠકથી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા. 1980માં છઠ્ઠી વિધાનસભા ચૂંટણી સમયે બેઠક બદલી ડીસાથી ઉમેદવારી કરી તો જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ વીસાભાઈ દેસાઈ સામે પરાજિત થયા. 1985માં સાતમી વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ પક્ષે લીલાધર વાઘેલાને ટિકિટ ન આપી તો એમણે અપક્ષ ઉમેદવારી કરીને ડીસા બેઠક જીતી. એટલું જ નહીં તેમણે બેઠક પર આ વખતે કૉંગ્રેસના ઉમેદવાર બની ગયેલા મોહનભાઈ વીસાભાઈ દેસાઈને જ પરાજિત કર્યા. પરાજયના આ સમયગાળામાં 1984માં તેઓ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ થયા હતા. એ પછી કૉંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં દાખલ થયા. પરિણામે 1990ની આઠમી વિધાનસભામાં ડીસા બેઠકથી જનતા દળમાંથી ત્રીજી વાર ચૂંટાઈ આવ્યા. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં નવેમ્બર 1990માં પહેલી વાર પંચાયતો વિભાગના મંત્રી થયા. કૅબિનેટ મંત્રી હતા અને તાલુકા – જિલ્લા સ્તરેથી આગળ આવ્યા હતા એટલે અધિકારીઓનું માન એવી રીતે જાળવતા કે તેમને ઉભા થઇને આવકાર આપતા અને મિટીંગ પુરી થયે ચેમ્બરના બારણા સુધી વળાવવા જતા. પછી અધિકારીઓએ સમજ આપી કે તમે આમ કરો છો એ પ્રોટોકોલ વિરૂધ્ધનું છે. ચીમનભાઈ પટેલના અવસાન પછી મુખ્યમંત્રી બનેલા છબીલદાસ મહેતાના મંત્રીમંડળમાં તેમનો હોદ્દો અને વિભાગ યથાવત રહ્યા હતા.

જનતા દળનું કૉંગ્રેસમાં વિલીનીકરણ થયા પછી 1995ની નવમી વિધાનસભા ચૂંટણી ડીસા બેઠકથી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લેખે હારી ગયા. એ પછી રાજકીય સક્રિયતાના આધારે તેમજ સમી બેઠકના ભાજપના ધારાસભ્ય દિલીપ ઠાકોરના પ્રયત્નોથી લીલાધરભાઈ વાઘેલા ભારતીય જનતા પક્ષમાં દાખલ થયા. 1998ની દસમી વિધાનસભામાં દીઓદર વિધાનસભા બેઠકથી ભાજપમાંથી ચોથી મુદત માટે વિજેતા થયા. અત્યાર સુધી બે વાર કૅબિનેટ મંત્રી રહેલા તેઓ કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં પ્રારંભે સ્થાન નહોતા પામ્યા. 1999માં મંત્રીમંડળમાં ગ્રાહકો – ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન પામ્યા. એક રીતે તેમણે હોદ્દાની એક પાયરી નીચે સ્વીકારી એમ કહેવાય. નરેન્દ્ર મોદીના 2001ના પ્રથમ મંત્રીમંડળમાં જેલ અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા. મંત્રી પદે રહેતા 2002માં અગિયારમી વિધાનસભા ચૂંટણી દિઓદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર લેખે અપક્ષ ઉમેદવાર સામે પરાજિત થયા.


 

 

 

 

 

બારમી વિધાનસભામાં 2007માં ફરી એક વાર બેઠક બદલીને ડીસાથી ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. આ સમયે નરેન્દ્ર મોદીએ તેમને પ્રારંભે નહીં પરંતુ 2011માં શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા. 2012ની તેરમી વિધાનસભામાં ડીસા બેઠકથી ભાજપમાંથી જ છઠ્ઠી મુદત માટે વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. નરેન્દ્ર મોદીના પહેલા મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હતા એમ આ છેલ્લા મંત્રીમંડળમાં પણ પશુપાલન – સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન પામ્યા. ધારાસભ્ય પદ તેમજ મંત્રીમંડળની આ તેમની છેલ્લી મુદત બની રહી. કેમ કે 2014માં વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના બે સાથીઓની લોકસભા ચૂંટણી ઉમેદવારી માટે પસંદગી કરી. વન-પર્યાવરણ અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર દાહોદ લોકસભાથી અને લીલાધરભાઈ વાઘેલા પાટણ લોકસભા બેઠકથી ઉમેદવારી કરી વિજેતા થયા, સંસદમાં પહોંચ્યા.

આમ શિક્ષક – પત્રકારત્વથી કારકિર્દીની શરૂઆત કરનાર લીલાધર ખોડાજી વાઘેલા 2014માં સોળમી લોકસભા મારફતે સંસદમાં પહોંચ્યા. તેમની અપેક્ષા મુજબ વડાપ્રધાને તેમને કેન્દ્રિય પ્રધાનમંડળનો હિસ્સો નહોતા બનાવ્યા. તેમણે ખાલી કરેલી ડીસા વિધાનસભા બેઠકની 2014માં યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા. મોટા પુત્ર દિલીપ વાઘેલાને ભાજપ ટિકિટ ફાળવે એવી તેમની માગણી ન સ્વીકારાતા પિતા – પુત્ર ચૂંટણીપ્રચાર સમયે નિષ્ક્રિય થઈ ગયા હતા. એ પછી નરેન્દ્ર મોદીએ તેમને મહત્ત્વની કોઈ જવાબદારી સંભાળવાથી દૂર રાખ્યા હતા. ગુજરાતના સંભવતઃ તેઓ એક માત્ર મંત્રી છે જેમણે કૅબિનેટ કક્ષા પછી રાજ્યકક્ષાનું મંત્રી પદ સ્વીકાર્યું હોય. કૉંગ્રેસથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર લીલાધર વાઘેલાને ભાજપમાં લાવવામાં નિમિત્ત બનનાર દિલીપભાઈ ઠાકોર સમય જતાં સગપણમાં તેમના વેવાઈ થયા. હાલ રાજ્ય સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી છે. બન્ને વેવાઈએ અલગ – અલગ સમયે એક જ વિભાગનું મંત્રી પદ સંભાળ્યું હોય એવો ગુજરાતનો આ એકમાત્ર દાખલો છે.

સંસદસભ્ય હતા એ સમયે પણ મતવિસ્તારના સંપર્કમાં રહેતા લીલાધર વાઘેલા ગાંધીનગરમાં રહેતા હતા. ઠાકોર જ્ઞાતિ – સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવતા હોવાના કારણે પીસ્તાલીસ વર્ષ જેવો લાંબો સમય ચાલેલી રાજકીય કારકિર્દી ઘડી શક્યા હતા એમ પણ કહેવું પડે. સંસદસભ્ય પદની મુદત પૂર્ણ થાય એ અગાઉ સપ્ટેમ્બર 2018માં ગાંધીનગરમાં ઘરની નજીક ગાયને રોટલી ખવડાવવા ગયા ત્યારે ગાયે તેમને અડફેટમાં લઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. સારવારના અંતે સાજા થયા પછી સત્તરમી લોકસભા ચૂંટણી માટે 2019માં તેઓએ બેઠક બદલવાની અથવા સૌથી મોટા પુત્ર દિલીપ વાઘેલા માટે લોકસભા ટિકિટની માગણી કરી હતી. ભાજપે એ બન્ને માગણી સ્વીકારી ન હતી. આ પછી તેમનો પૌત્ર અજય દિલીપભાઈ વાઘેલા દાદાની હયાતીમાં જ કૉંગ્રેસમાં દાખલ થઈ ગયો હતો.

શિક્ષક હોવા સાથે જાહેરજીવનની ઓળખ મેળવનાર અને ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રમાં ચાર દાયકા જેવું લાંબા સમયનું પ્રદાન કરનાર લીલાધરભાઈ વાઘેલાને અલવિદા.