મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડના ખાન ત્રીપુટી પૈકીના એક સલમાન ખાનને જીવથી મારી નાખવાની એક યુવકે ધમકી આપી છે. યુવકે સોશ્યલ મીડિયા પર આ અંગે લખ્યું હતું જે પોસ્ટ વાયરલ થતાં પોલીસ કાર્યવાહી સુધી વાત પહોંચી છે. ઉલ્લેખનીય છે કે આ યુવક કાળિયારના શિકાર કરવાને મામલે સલમાન પર ભડકેલો છે. જોકે યુવકના લખાણ પરથી તે કોર્ટની કાર્યવાહીથી પણ નારાજ હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસે જ્યારે આ શખ્સને કાર ચોરીના કેસમાં પકડ્યો ત્યારે આ બાબતનો ખુલાસો થયો હતો કે આ એ જ આરોપી છે જેણે સલમાનને ધમકી આપી હતી.

ધમકી આપનારનું નામ જૈકી બિશ્નોઈ છે, તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી હતી કે, તેને તેના ગુના માટે કોર્ટ શું સજા આપશે, હું તેનો જીવ લઈશ..તેને હું સજા આપીશ. જૈકીએ જ્યારે આ પોસ્ટ મૂકી તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ પોસ્ટ તેણે કાળિયારના શિકાર સંદર્ભે કરી હતી.

પોલીસે થોડા દિવસો પહેલા બે શંકાસ્પદ શખ્સોને ચેકિંગ દરમિયાન રોક્યા હતા. એક લક્ઝૂરિયસ કારમાં આ બંને સવાર હતા. પોલીસે વધુ પુછપરછ કરી તો ખબર પડી કે આ કાર ચોરીની છે અને પોલીસને પુછપરછમાં એ પણ જાણવા મળ્યું કે સલમાન ખાનને સોશ્યલ મીડિયા પર ધમકી આપનાર પણ આ બંને પૈકીનો એક જૈકી જ છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પબ્લિસિટી માટે આ પોસ્ટ મૂકી હતી.