પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હું કોલેજમાં અભ્યાસ કરવા ગયો ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વીસની બસમાં ફરતો હતો, પિતાની સાયકલમાં અડધા પેડલ મારી સાયકલ શીખ્યો, દસમાં ધોરણમાં આવ્યો ત્યારે સ્કૂલ યુનિફોર્મની પેન્ટ મળી ત્યારે પેન્ટ પહેરવા મળી તેનો અનેરો આનંદ હતો. અનેક વખત શહેરની નામી રેસ્ટોરન્ટ પાસેથી પસાર થયો ત્યારે રેસ્ટોરન્ટની બહાર રોકાયો અને મને ક્યારે આ રેસ્ટોરન્ટમાં જમવા મળશે તેવી ઈચ્છા થઈ અને ઈચ્છાને મારી ત્યાંથી આગળ ચાલી નિકળ્યો, ઘરે મહેમાન આવે ત્યારે મહેમાન આવ્યાનો આનંદ થતો કારણમાં શ્રીખંડ અથવા શીરો બનાવશે તેની પાક્કી ખાતરી રહેતી હતી. વર્ષમાં એકાદ ફિલ્મ જોવા મળી જાય તો મજ્જો પડી જતી. દર મહિના પપ્પાની સાથે હું પણ પહેલી તારીખની રાહ જોતો કારણ તે દિવસ જાણે ઉત્સવ હોય તેવું લાગતું જો કે દરેક દસમી તારીખ પછી ઘરમાં આખર તારીખ શરૂ થઈ જતી તેનું દુઃખ ન્હોતું કારણ તેની આદત પડી ગઈ હતી. આમ નાની બાબત આનંદ આપતી હતી, પણ આવેલા દુઃખનો અફસોસ ન્હોતો તે જીવનનો ભાગ છે તેવી સાદી અને સરળ સમજ જન્મ જાત મળી હતી.

મારી પેઢીના પાલકો બધાની કદાચ આવી જ સ્થિતિ હતી, જેના પરિણામે મન અજાણતા જ એવું કહેવા લાગ્યું કે હું જે તકલીફોમાંથી પસાર થયો તેવી પરેશાની મારા બાળકોને પડવા દઈશ નહીં, જેના કારણે આપણે યંત્રવત રીતે આપણા બાળકોને ખુશ રાખવા માટે સાચા ખોટા પ્રયત્ન કરતા રહ્યા છીએ. બીજી તરફ આપણું મન એવી પણ ફરિયાદ કરે છે આપણા બાળકોને તકલીફોની ટેવ જ નથી, એક તરફ પાલક તરીકે બાળક તકલીફોથી અળગુ થઈ રહ્યું હોવાની ફરિયાદ પણ છે અને બાળકને ઠેસ પણ વાગે તો તેની પીડા પણ આપણને જ થાય છે. આમ પાલક તરીકે આપણે એક વિચિત્ર મનોદશામાંથી પસાર થઈ રહ્યા છીએ તેની આપણને ખબર જ પડતી નથી, ખરેખર આપણને આપણા બાળકને શુું આપવા માંગીએ છીએ તેને આપણને ખબર જ પડતી નથી જેના કારણે આપણે તેને મોબાઈલ ફોન, ટુ વ્હીલર, દર મહિને કપડાં, ગીફટ અને બર્ગર-પીઝા આપી તે ખુશ થઈ રહ્યો છે તેવું માની લીધું છે.

આપણે અસ્પષ્ટ છીએ આપણે ભાડાની સાયકલ ફેરવતા, શહેરી બસમાં ફરતા હતા અનેક વખત આપણે આપણી ઈચ્છાઓ મારતા હતા, ત્યારે ખરેખર આપણને તકલીફ પડી ન્હોતી, પણ વર્ષો પછી આપણી પાસે જ્યારે બધુ જ આવી ગયું ત્યારે અચાનક આપણને ભાન થયુ કે આપણે બહુ તકલીફ સહન કરી પણ ખરેખર તેવું ન્હોતુ, ભાડાની સાયકલ, શહેરી બસ, રસ્તા ઉપરને ચોળાફળી ખાવી તેનો આનંદ હતો, તે કયારેય તકલીફ ન્હોતી, પણ આપણે અસ્પષ્ટ હોવાને કારણે આપણે પોતાને કહેવા લાગ્યા હું મારા બાળકની જીંદગીને સુખથી ભરી દઈશ, બાળકને સુખ આપવાની ઈચ્છા અને તેના માટે થતાં પ્રયત્ન સારી બાબત છે પણ ખરેખર આપણે આપણા બાળકને સુખ આપી રહ્યા છીએ કે સુખના નામે તેની મુશ્કેલી વધારી રહ્યા છે તેની આપણને ખબર જ પડતી નથી. આપણી જીંદગી પણ કયારેય સીધી લીટીમાં ચાલી ન્હોતી અને આપણા બાળકોની જીંદગી પણ સીધી લીટીમાં ચાલવાની નથી, છતાં આપણે સતત તેને એવું સુરક્ષા કવચ પુરૂ પાડીએ છીએ જે તેની જીંદગીના ગ્રાફને નીચે પડવા દેતો જ નથી.

આપણી ઈચ્છા છે કે આપણા સંતાનો મોટા થાય, ખુબ મોટા માણસ થાય પણ આપણી સુખ આપવાની ઘેલછામાં તેને આપણે મોટો થવા જ ેદેતા નથી, તેની નાાની નાની બાબતમાં આપણે હસ્તક્ષેપ હોય છે, આરટીઓનું લાઈસન્સ લેવું હોય તો સાથે જઈએ છીએ, જો વગ અને પૈસો છે તો તેનો ઉપયોગ કરી તેને આરટીઓની લાઈનમાં પડનારી તકલીફ અને સરકારી અધિકારીની તોછડાઈથી બચાવી લઈએ છીએ, તે 16 વર્ષનું થાય તેની સાથે તેને સ્કૂલમાં જવા માટે તકલીફ પડે નહીં તેના માટે ઘરના દરવાજે ટુ વ્હીલર ઊભુ કરી દઈએ છીએ, બાળક જ્યારે માગણી કરે ત્યારે હમણાં પૈસા નથી, પગાર અથવા  બોનસ આવશે ત્યારે લાવીશ તેવું કહેવાનું બંધ કરી દીધુ છે. આ વસ્તુની આપણને જરૂર નથી તેવું કહેવાનું છોડી દીધુ છે, રમતા રમતા મિત્રો સાથે ઝઘડો કરે અથવા સ્કૂલમાં શિક્ષક ફટકારે તો તરત આપણે તેની વ્હારે દોડી જઈએ છીએ, બાળકને બહારગામ જવાનું હોય તો તેના અગાઉથી રિઝર્વેશનની વ્યવસ્થા કરી દઈએ છીએ આપણા બાળકને અનરિર્ઝવ કોચ કોને કહેવાય તેની ખબર પડવા દીધી નથી.

આપણે તેની એક એક બાબતનું એટલુ ધ્યાન રાખ્યુ અને તેના નિર્ણયમાં એટલા બધા ઈન્વોલ થઈ ગયા કે હવે તે તેની દરેક સમસ્યા વખતે આપણી તરફ મીટ માંડે છે, તેને શાક લેવા મોકલો તો તેને કારેલા અને ટીડોળા, વાલોર અને ગવાર વચ્ચેનો ભેદ ખબર પડતો નથી. હેલ્મેટ વગર પોલીસ પકડે તો તરત તે તમને ફોન જોડી પોલીસ સાથે વાત કરાવે છે. કોલેજમાં આવ્યા પણ કયા વિષય રાખવા તે નિર્ણય  પણ જાતે લેવાને બદલે તે તમને પુછવા લાગ્યા છે, આમ તે પોતાની જીંદગીમાં દરેક પળે તમને પોતાની પાસે હોવાની પાસે રહેવાની અપેક્ષા રાખે છે. આપણને ડર હતો કે તે નિર્ણય લેશે તો ખોટો હશે તો? જેના કારણે તેના તમામ નિર્ણય આપણે કરતા થઈ ગયા અને આપણે જીંદગીમાં હારી પણ શકાય અને આપણો નિર્ણય ખોટો પણ પડી શકે તેવો અવકાશ અને ભુલ કરવાની તક આપણે તેને આપી જ નહીં, જેના કારણે નાની નાની સમસ્યામાં તે ડીપ્રેશ થવા લાગ્યો અને કયારેક તે આત્મહત્યા સુધી પણ પહોંચી ગયો, આપણે ઈચ્છા રાખી કે તે મોટો થાય પણ તેનો મોટો થવામાં આપણે જ અવરોધ બનવા લાગ્યા જેની આપણને ખબર જ પડી નહીં.