પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણા દેશમાં દર વર્ષે જેટલા સૈનિકો યુદ્ધમાં મરે છે તેના કરતાં 1 હજાર ઘણા વધુ વ્યક્તિઓ આત્મહત્યા કરી જીવનનનો અંત આણે છે. પછી તે સુશાંતસિંહ હોય, ગુજરાત-મહારાષ્ટ્ર-બંગાળનો ખેડૂત હોય, અમદાવાદ મુંબઈના ફાઈનાન્સર હોય, બેંગલોરનો કોઈ આઈટી પ્રોફેશનલ હોય કે પછી જીંદગીને પામવાનો પ્રયત્ન કરનાર કોઈ યુવાન હોય... તમામ મૃત્યુની સરખામણીમાં આત્મહત્યાની પીડા મરનાર તેમજ તેના સ્વજનોને વધુ હોય છે.

આપણે બધા જ જાણીએ છીએ દુનિયાનો કોઈપણ પ્રશ્ન આપણા જીવન કરતાં મોટો નથી. આત્મહત્યા ન કરવી જોઈએ એવો બોધપાઠ આપતી ફિલ્મમાં કામ કર્યા પછી પણ ખુદ સુશાંતે પોતાના જીવનનો અંત આણ્યો. માણસ આત્મહત્યા કેમ કરે અથ્વા ત્યાં સુધી કેમ પહોંચે છે તેના માટે મને એવું લાગે છે કે આપણું ઘર અને સ્કૂલનું શિક્ષણ જવાબદાર છે. આપણને ઘરથી જ કાયમ જીતવાનું શિક્ષણ આપવામાં આવે છે. જીવનમાં હારી પણ શકાય અથ્વા નિષ્ફળતા પણ મળે તેવું આપણને કોઈ શિખવાડતું નથી.

જીતનાર બળવાન, બુદ્ધીવાન અને તાકાતવર હોય છે તેવું આપણને પરોક્ષ રીતે શિખવાડવામાં આવે છે અને જે હારે છે તે મુર્ખ, બુડબક અને નિષ્ફળ માણસ છે તેવું આપણને સહજતાથી સમજાવી દેવામાં આવ્યું છે, પણ જીંદગી એટલી સહજ હોતી નથી. દરેકના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવે છે. જીંદગી સતત અસહજ રીતે પસાર થાય છે. જ્યારે માણસ હારે, થાકે અને નિષ્ફળ જાય ત્યારે પોતાની હાર વ્યક્ત કરવા તેની પાસે સૌથી પહેલા તેનું પરિવાર હોવું જોઈએ.

હારવું તે નિષ્ફળતા અને કાયરતા છે તેવું આપણને મળેલું શિક્ષણ આપણને ક્યારે આપણા પરિવાર અને મિત્રો પાસે એકરાર કરવા દેતું નથી કે હું હારી ગયો છું, હું થાકી ગયો છું. અથવા મારી ભૂલ થઈ છે. જેના કારણે તેને લાગે છે કે હારી ગયો છું તેવું કહેવા કરતાં મરી જવું વધુ સરળ રહેશે. મરનારનો દોષ જેટલો છે તેના કરતાં વિષેશ દોષ આપણો છે કે આપણે આપણા મિત્ર કે સ્વજન માટે એટલો અવકાશ ઊભો કર્યો નહીં કે તે હારી ગયો છે, ડરી ગયો છે અને થાકી ગયો છે તેવું કહેવાની હિંમત આપણને કરે.

આત્મહત્યા કરનાર અચાનક આત્મહત્યા કરતો નથી. તેના મનમાં સતત ધમાસાણ ચાલતું રહે છે, તેના મગજમાં સતત એકના એક વિચારો હાવી થાય છે. તે જીંદગીની છેલ્લી ક્ષણ સુધી પોતાની લડાઈ એકલા હાથે લડવાનો પ્રયત્ન કરે છે અને તેને લાગે છે કે હવે તેના સસ્ત્રમાં દારુગોળો અને તેના હૃદયમાં હિંમતની જગ્યાએ ડર શામેલ થઈ ગયો છે. ત્યારે જીવન નામના શબ્દ પર પૂર્ણવિરામ મુકે છે. આપણે આપણી શિક્ષણ પદ્ધતી બદલવી પડશે. આપણે હારવાનું, થાકવાનું, રડવાનું અને ડરવાનું પણ શિખવાડવું પડશે કારણ કે આ બહુ જ સહજ છે. ઝુંપડીમાં રહેનારા માણસને રાષ્ટ્રપતિ ભવનમાં રહેનારા રાષ્ટ્રપતિ પણ ક્યારેકને ક્યારેક આવી માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે તેથી હારવું, ડરવું અને રડવું તેને કાયરતા છે તેવું ક્યારેય કહેવું નહીં. માણસ જ્યારે પોતાના લોકોને જ હારી ગયો છું કહી શક્તો નથી ત્યારે જીંદગીની બાજી હારી જાય છે.

(સહાભારઃ ગુજરાત મિત્ર)

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]