મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેરને વહીવટી તંત્ર, લોકો અને જિલ્લા પંચાયતને ભલે ચિંતા ન હોય પણ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચિંતામાં મુકાઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના વધતા કહેરને લઇને આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.ચિરાગ ઉપાધ્યાએ ચિંતા વ્યક્ત કરી છે. મોડાસા શહેરમાં કોરોનાના કેસ હવે સેન્ચ્યુરી સુધી પહોંચ્યા છે, તો જિલ્લામાં ડબલ સેન્ચ્યુરી પર પહોંચી ગયા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક પણ ૧૪ થી વધીને ૧૮  પર પહોંચ્યો છે, પણ આરોગ્ય વિભાગના પેટનું પાણી નથી હલતું અને વહીવટી તંત્ર હજુ ઊંઘમાંથી જાગતું ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં સતત કોરોનાના વધતા કહેરને લઇને વહીવટી તંત્ર શું કરે છે, તે પણ હજુ સુધી બહાર આવતું નથી, તો મીડિયા બ્રિફ કરવાનું પણ ટાળવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં સુધી લોકો સુધી સાચી માહિતી અને જાણકારી નહીં પહોંચે ત્યાં સુધી લોકોને કોરોનાની ગંભીરતા કેવી રીતે સમજાશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.

કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. ચિરાગ ઉપાધ્યાએ જણાવ્યું છે કે, જિલ્લામાં કોરોનાના વધતા કેસને લઇને વહીવટી તંત્ર દ્વારા નિષ્ણાંત તબીબો, ચૂંટાયેલા પ્રતિનિધીઓ, વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો સાથે બેઠક કરવી જોઈએ અને કોરોનાના કહેરને લઇને કોઇ ચોક્કસ એક્શન પ્લાન ઘડવો જોઈએ. અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસ બસો થયા છે, અને સૌથી વધારે સ્થિતિ ખરાબ હોય તો તે મોડાસા શહેરને છે. મોડાસા શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પણ વહીવટી તંત્ર કયા એક્શન પ્લાન પર કામ કરી રહ્યું છે, તે કોઇને સમજાતું નથી. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને બંધ બારણે એક્શન પ્લાન ઘડવામાં સારૂ લાગતું હોય તેવું પણ લાગી રહ્યું છે.

સાહેબ દોડે છે પણ જે સપૉર્ટ ગ્રાઉન્ડ લેવલના અધિકારીનો મળવો જોઇએ તે મળતો ન હોય તો જ આવું શક્ય બની શકે. બાકી તો અરવલ્લી જિલ્લામાં કૉરોનાને લઇને જે કામગીરી કરવામા આવી રહી છે તે કદાચ અસરદાર બની શકી હોત. સાહેબને આંકડાકીય માહિતી પહોંચાડી દેતા ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓ જરા ઊંડો વિચાર કરીને અરવલ્લી જિલ્લાની જનતાની ચિંતા કરો, કારણ કે, જાન હૈ તો જહાન હૈ.

મોડાસા શહેરમાં કોરોનાના કેસ વધાવાનું કારણ આ પણ હોઇ શકે..!!

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, જેના કેટલાક કારણો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે. મોડાસા શહેરની વિવિધ બેંક બહાર ગ્રાહકોની લાંબી કતારો, શાકભાજીની લારીઓ પર વિક્રેતાઓમાં માસ્કનો અભાવ, દુકાનોની બહાર ગ્રાહકોની ભીડ, નાસ્તાની ધમધમતી લારીઓ પર ભીડ, જનસેવા કેન્દ્રની બહાર અરજદારોમાં સોશિયલ ડિસ્ટેન્સનો અભાવ વગેરે વગેરે... કોરોનાના વાયરસના શરૂઆતી કહેર સમયે સોશિયલ ડિસ્ટેન્સનો જોર-શોરથી અમલવારી માટે ભાર મુકવામાં આવતો હતો તે કુંડાળા હવે જોવા નથી મળી રહ્યા.