પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): કોરાનાને કારણે દેશમાં લોકડાઉનની જે સ્થિતિ છે, સ્વભાવીક રીતે દેશના તમામ નાગરિકોને તેની હેસીયત પ્રમાણે તકલીફ પડી રહી છે. નાના માણસને નાની તકલીફ છે અને મોટાને મોટી તકલીફ છે કોઈ માણસ તમને એવો નહીં મળે કે જે કહેશે કે મને કોઈ તકલીફ નથી, નાના માણસને આજની વ્યવસ્થા થઈ જાય તો આવતીકાલની ચીંતા છે અને જેમના અન્નના ભંડારો ભરેલા છે,તેમને પહેલા જેવો કારોબાર કયારે ધમધમતો થશે તેની ચીંતા છે, તમે જુઓ તો ગરીબ અને શ્રીમંત બંન્ને ચીંતામાં છે પણ તેમની ચીંતામાં 360 ડીગ્રીનો તફાવત છે, એકને ભોજનની ચીંતા છે અને બીજાને પોતાનો નફો ઘટી રહ્યાની ચીંતા છે.બંન્ને પોતાની જગ્યાઓ સાચા છે ગરીબને જેટલી અન્નની ચીંતા છે એટલી શ્રીમંતની નફો ઘટી રહ્યાની ચીંતા પણ તેની જગ્યાએ વાજબી છે.

આપણે ત્યાં તમામ માણસને શ્રીમંત થવુ છે,પણ જયાં સુધી તે શ્રીમંત થતો નથી ત્યાં સુધી તે શ્રીમંતને ધીક્કારતો હોય છે, લોકડાઉન પાર્ટ-2ની જાહેરાંત કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગો અને ખાનગી કંપનીને કહ્યુ તમારે ત્યાં કામ કરતા ગરીબોને સાચવી લેજો,સાચવી લેેજો શબ્દ ખુબ કહી જાય છે, આપણી સામાજીક અને આર્થિક વ્યવસ્થા છે તે પ્રમાણે રોજનું કમાઈ ખાતો માણસ બે-ત્રણ દિવસ કામ વગર નભી જાય છે. વધુમાં વધુ તે એક સપ્તાહ કાઢી શકે, મધ્યમ વર્ગનો એકાદ માણસ મહિનો વગર કામે જીવી જશે,જયારે પગારદાર માણસ દોઢ-બે મહિના કામ વગર જીવી જશે,ગરીબોને સરકારી અને સ્વૈછીક સંસ્થાઓની મદદ મળી અને તેમનો સમય પસાર થઈ રહ્યો છે, મધ્યમવર્ગ પોતાની બચત વાપરી રહ્યો છે આપણે હાલમાં બીજી લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યા છે, હજી આવનાર દિવસોમાં શુ થશે, લોકડાઉન ખુલશે કે નહીં તેની આપણને ખબર નથી,

પણ લોકડાઉન સામે જેમની નારાજગી છે,તેમાં સૌથી મોટી નારાજગી શ્રીમંતોની છે જેમની પોતાના ઉદ્યોગો છે, મોટો વેપાર છે,તેઓ સતત પોતાના વેપારની ચીંતા કરી રહ્યા છે,તેઓ પોતાને થઈ રહેલા આર્થિક નુકશાન અને બેન્કોના હપ્તાનું કારણ આપી,લોકડાઉન ખોલી દેવાની માગણી કરી રહ્યા છે., કોરાના સામે લોકડાઉન કારગર નથી,અને અમેરીકામાં કયાં લોકડાઉન છે તેવી દલીલ તેમના દ્વારા કરવામાં આવી રહી છે, આ વર્ગની સૌથી મોટી નારાજગી હોય તો નરેન્દ્ર મોદીએ પોતાના કર્મચારીઓને સાચવી લેવાની વાત કરી છે તેની સાથે તેઓ જરા પણ સંમત્ત નથી, આ વર્ગ માને છે કે તેમના ચકરડા બંધ થઈ ગયા છે તો તેઓ કઈ રીતે ધંધો કર્યા વગર પોતાના કર્મચારીને પગાર આપી શકે ?

જેમની પાસે વેપાર-ધંધો છે,તેમનો ધંધો લઘભગ બે મહિનો થવા આવ્યો તે બંધ છે દિવા જેવી સાફ વાત છે, ઉદાહરણ રૂપે કોઈ વેપારી 100 રૂપિયા કમાતો હતો તેમાંથી 50 રૂપિયા પગારમાં જતા હતા, હવે વેપારીએ 100 રૂપિયા કમાવવાના તો બાજુ ઉપર પણ એક પણ રૂપિયાનો ધંધો જ કર્યો નથી ત્યારે કર્મચારીને પગાર કેવી રીતે આપે લઘભગ બધાની આ પ્રકારની જ દલીલ છે, આ દલીલ જર પણ ખોટી નથી, વેપારી-ઉધ્યોગપતિ પોતાની જગ્યાએ સાચા છે, પણ અહિયા આપણે બે બાબતનો વિચાર કરવો જઈએ, પહેલી બાબત વેપારી અને ઉધ્યોગપતિએ આજે જે કઈ સ્થિતિમાં છે અથવા તેમની જે સમૃધ્ધી છે તેમાં પોતાના કર્મચારીનું યોગદાન ભુલી શકાય નહીં, આજે ધંધો નથી તે વાત સાચી છે,પણ કાયમ આવી જ સ્થિતિ રહેવાની નથી, ધંધો ફરી શરૂ થવાનો છે અને વેપારી-કંપનીઓ ફરી કમાતી થવાની છે.

સવાલ એવો છે કે ધંધો નથી તો પગાર કેવી રીતે આપવો ? આવી દલીલ કરનાર મારા મિત્રોને વિનંતી છે કે તમારી છાતી ઉપર હાથ મુકીને પોતાને પુછો કે ધંધો ભલે નથી, પણ પોતાના કર્મચારીને બે મહિના કામ વગર સાચવી લઈ એટલી આર્થિક વ્યવસ્થા આપણા વેપાર-કંપની પાસે ખરેખર નથી, મને ખાતરી છે કે દેશના 95 ટકા વેપઓ-કંપનીઓ પાસે ધંધા વગર પોતાના કર્મચારીને બે મહિના સાચવી શકાય એટલી વ્યવસ્થા છે, બીજી બાબત મને કુદરતમાં અગાધ શ્રધ્ધા છે હું માનુ છુ કે ઈશ્વરે આપણને અનેક વખત આપણી લાયકાત વગર ઘણુ બધુ આપ્યુ છે,ઈશ્વરે આપણી સાથે અનેક વખત ઉદારતાપુર્વક વ્યવહાર કર્યો છે જયારે ઈશ્વર આપણી સાથે ઉદાર રહ્યો છે ત્યારે તેવી ઉદારતા આપણે આપણા લોકો ઉપર રાખીએ તેવી અપેક્ષા તો ઈશ્વર આપણી પાસે રાખી શકે છે, આ કપરો સમય પસાર થઈ જશે પણ આપણા પોતાના લોકોની નજરમાં આપણે માણસ તરીકે નિષ્ફળ જઈશુ તો બધુ કમાયેલુ વ્યર્થ જશે.