મેરાન્યૂઝ નેટવર્ક.ઇડર: સમગ્ર ગુજરાતમાં દીપડાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અરવલ્લીની ગીરીમાળાઓમાં મોટા પ્રમાણમાં દીપડાઓ  વસવાટ કરતા હોવાથી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના અરવલ્લીની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર માનવ વસાહતમાં ઘુસી જઈ પશુઓનું મારણ કરી હોવાની ઘટનાઓ નોંધાઈ ચુકી છે ત્યારે ઈડરના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં આંટો મારતો દીપડો સીસીટીવીમાં કેદ થતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.

ઈડરના ગઢ ઉપર પર દીપડા વિહરતા હોવાની સાથે થોડા સમય અગાઉ ગઢની તળેટીમાંથી દીપડાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો ઈડરની ગઢ તળેટી પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો. તેણે કૂતરાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે.દીપડાએ દેખા દેતા લોકોએ ઘરમાં પુરાઈ રહેવાનું મુનાસીબ માન્યું હતું  ગઢ પાસે બે દિવસ પહેલા દીપડાએ પશુનું મારણ કર્યું હતું. દીપડો ઘૂસ્યાની જાણ થતાં લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો.સોસાયટીના રહીશોમાં  વનવિભાગ તંત્ર દીપડાને પાંજરે પુરે તેવી માંગ પ્રબળ બની છે.