પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  મારા પત્રકારત્વના 30 વર્ષમાં મારો મોટા ભાગનો સમય ક્રાઈમ રિપોર્ટિંગમાં પસાર થયો છે. મને વ્યક્તિગત રીતે પણ પોલીસના સારા-માઠા અનુભવો થયા છે. પણ માત્ર કેટલાંક અનુભવોને આધારે કોઈ એક નિર્ણય ઉપર આવી જવુ મને યોગ્ય લાગ્યુ નથી. દરેક ઘટનાઓને અલગ રીતે તેની સ્થિતિ પ્રમાણે મુલવવી જરૂરી હોય છે. થોડા દિવસ પહેલા ભાવનગરના તળાજામાં એક ગોળીબારની ઘટના ઘટી, ગોળીબાર કરનાર ભાવનગરનો કુખ્યાત શૈલેષ ધાંધલીયા હતો. ઘટના પછી તે ફરાર થયો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો. અમદાવાદ પોલીસ દ્વારા ધાંધલીયાને ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

શૈલેષ ધાંધલીયા ઉપર ગંભીર પ્રકારના 29 ગુના નોંધાયેલા છે. તેના માટે કોઈનું અપહરણ કરવુ, હત્યા કરવી અને મિલ્કત પચાવી પાડવી સાવ સામાન્ય ઘટના છે. જો તેના કામમાં પોલીસ આડી આવે તો તે પોલીસ પર પણ ગોળીબાર કરતા અચકાતો નથી. શૈલેષનો ખોફ એટલો છે કે તે કંઈ પણ કરે પણ તેની સામે પોલીસમાં કોઈ ફરિયાદ પણ કરતુ નથી. સ્થાનિકોએ માની લીધુ છે કે પોલીસમાં ફરિયાદ કરવા છતાં શૈલેષને કંઈ થતુ નથી પણ ફરિયાદ કર્યા પછી શૈલેષ તેમને બક્ષવાનો નથી તેવો તેમનો પાક્કો ભરોસો છે. આમ પ્રજાને પોલીસની કાબેલીયત કરતા એક ગુંડાની ગુંડાગીરી ઉપર વધુ ભરોસો છે.

શૈલેષને ભાવનગર લાવ્યા પછી ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર દિપક મિશ્રા શૈલેષ અને તેના સાગરીતને દોરડે બાંધી તળાજાના બજારમાં નિકળ્યા. બજારની વચ્ચે તેમણે ગુંડાઓને લાકડી વડે ફટકાર્યા અને લોકોને કહ્યુ આ ગુંડાઓથી ડરશો. તળાજાની પ્રજાના ચહેરા ઉપર એક પ્રકારનો આનંદ હતો, તેમને રંજાડનાર ગુંડાને તેઓ તો મારી શકતા ન્હોતા અને સામનો કરી શકતા ન્હોતા,  પણ પોલીસ તેમને ફટકારી રહી હતી, ત્યાં  ઉભા રહેલા લોકો તાળીઓ પાડતા હતા અને ચીચીયારીઓ મારી રહ્યા હતા. આખી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, ઘણા લોકોએ જોઈ. આ વીડોયો રાજ્યના ગૃહ વિભાગ પાસે પહોંચ્યો. તેમણે ઈન્સપેક્ટર દિપક મીશ્રા સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો કારણ કે કાયદો કહે છે કે ગુનેગારને મારી શકાય નહીં.

2001થી 2006 દરમિયાન અમદાવાદ પોલીસના બનાવટી એન્કાઉન્ટરનો સીલસીલો ચાલ્યો. એકાદ કિસ્સાને બાદ કરતા મરનાર તમામ મુસ્લિમ હતા. અમદાવાદ પોલીસનો દાવો હતો કે તમામ આતંકી હતા અને નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હતા. આ એન્કાઉન્ટર બનાવટી છે તેવો સૌથી પહેલો પ્રશ્ન મેં ઉભો કર્યો હતો, જેના કારણે પોલીસ અધિકારીઓ અને અમિત શાહ સહિતના નેતાઓ મારાથી આજે પણ નારાજ છે કારણ મેં એન્કાઉન્ટર અંગે ખુબ લખ્યુ હતું. અમદાવાદ પોલીસ દ્વારા મારવામાં આવેલી એક પણ વ્યક્તિ આતંકી ન્હોતી, તેઓ ગુંડા હતા, જેમાં ઈશરત, સાદીક અને કૌશરને તો ગુંડાગીરી સાથે પણ નિસ્બત ન્હોતી, છતાં તેમને આતંકી કહી પતાવી દેવામાં આવ્યા. આ મામલે 32 કરતા વધુ પોલીસ અધિકારીઓ જેલમાં ગયા હતા, હાલમાં પણ તેમના કેસ ચાલુ છે.

નારાજ પોલીસ અને નારાજ સરકારે મારી ઉપર પણ રાજદ્રોહ જેવા  ગુના દાખલ કરી મને પરેશાન કરવાની પણ કોઈ કસર છોડી ન્હોતી છતાં હેરાન થવુ મારી નોકરીનો ભાગ છે પણ આ ઘટનામાં મારો મત સ્પષ્ટ હતો કે પહેલા તો કોઈ ગુંડાને પોલીસ આતંકીનું લેબલ મારી શકે નહીં. હું બનાવટી એન્કાઉન્ટરનો વિરોધી રહ્યો હોવા છતાં અમદાવાદના અબ્દુલ લતીફનું પણ બનાવટી જ એન્કાઉન્ટર હતું, છતાં મારા સહિત તમામ લોકો આ મુદ્દે શાંત રહ્યા હતા. કારણ ત્યારે એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિકારીઓના ઈરાદાઓ અંગે કોઈને શંકા ન્હોતી. લતીફનો ત્રાસ વધી રહ્યો હતો અને તેના ડરે કોર્ટમાં તેની સામે કોઈ જુબાની આપતા ન્હોતા, તે તમામ કેસમાં નિર્દોષ છુટી રહ્યો હતો. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યુ.

2001-2006 વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં પોલીસ અધિકારીઓને અંગત સ્વાર્થ હતો. તેમને નરેન્દ્ર મોદીની હિન્દુ છબીને મોટી કરવી હતી. જેના પેટે તેમને પગાર ઉપરાંત મળતા લાભો લેવા હતા. લતીફના એન્કાઉન્ટરમાં પોલીસને અંગત સ્વાર્થ ન્હોતો. 1996માં પોરબંદરની જુદીજુદી ગેંગનો સફાયો કરવા મુકવામાં આવેલા એસપી સતીષ વર્માએ પણ અનેક એન્કાઉન્ટરો કર્યા હતા, જેનું પરિણામ આપણે આજે પણ જોઈ શકીએ છીએ. કાયદો તો ગુંડાને પણ ગોળી મારવાની પરવાનગી આપતો નથી પણ જ્યારે લતીફ મર્યો ત્યારે આખા અમદાવાદે હાશકારો અનુભવ્યો હતો. સોહરાબુદ્દીન કેસમાં પકડાયેલા અને પછી કોર્ટે જેમને ડિસચાર્જ કર્યા તેવા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ કુખ્યાત સુબ્રહ્મણ્યમ ઘેટીયાને ઠાર કર્યો ત્યારે પુર્વ અમદાવાદે પણ હાશકારો અનુભવ્યો હતો. આમ દરેક ઘટનાને એક ત્રાજવે તોલી શકાય નહીં.

હવે મુળ સવાલ શૈલેષ ધાંધલીયાને જાહેરમાં માર્યો તે મારવો જોઈએ કે નહીં, કાયદો તો ના પાડે છે પણ આજે કમનસીબી એવી છે કે ગુનેગારને કાયદોનો ડર રહ્યો નથી. તેઓ કોર્ટમાં આગળ પાછળ કરી ફરી બહાર નિકળી જાય છે, તે એક કેસમાંથી જયારે બહાર નિકળે છે ત્યારે ગુનેગારોની દુનિયામાં તેનું કદ વધુ મોટુ થઈ જાય છે. વાસ્તવિકતા એવી છે કે ગુનેગારને હવે માત્ર પોલીસના મારનો જ ડર રહ્યો છે. ભાવનગરના પોલીસ ઈન્સપેક્ટર દિપક મિશ્રાએ જે જાહેરમાં કર્યુ તે દેશ આખાની પોલીસ બંધ બારણે કરે છે. મારો અનુભવ કહે છે કે જે ગુનેગારને પોલીસ મારતી નથી, તે જ કદાવર થાય છે. દરેક વખત આપણો દ્રષ્ટીકોણ બદલાતો રહે છે, જયારે આપણે ભોગ બનનાર હોઈએ ત્યારે આપણને પોલીસની કામગીરી સારી અને યોગ્ય લાગે છે, પણ જયારે આપણને જે ઘટના સાથે સંબંધ નથી તે ઘટનામાં આપણને પોલીસ દોષીત લાગે છે.

ઈન્સપેક્ટર દિપક મિશ્રા સામે ખાતાકીય તપાસ પણ થશે અને કદાચ ખાતાકીય સજા પણ થશે. કાયદાની પરિભાષામાં તેમણે ગુનો કર્યો છે પણ શૈલેષ ધાંધલીયાને જાહેરમાં ફટકારી મિશ્રાએ યોગ્ય કર્યુ કે ખોટુ કર્યુ તે ભાવનગરના તળાજાની પ્રજાને પુછવુ પડે.. બસ વિનંતી એટલી જ કે પોલીસના મનમાં કાયમ ગુનેગાર માટે આવો જ ગુસ્સો રહે, પછી ગુનેગાર શ્રીમંત, નેતા હોય કે પછી કોઈ ઉચ્ચ અધિકારી. ધાંધલીયાને પોલીસે જાહેરમાં માર માર્યાનો વીડિયો પણ અહીં પ્રસ્તુત છે.