મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ એક જમાનામાં ગેંગસ્ટર અબ્દુલ લતીફની નજીક રહેલા યુસુફ લપલપે લતીફની નજીક રહેવાનો સ્વાદ ચાખી લીધો છે, એક જમાનો હતો જયારે લતીફના માણસ તરીકેની ઓળખને કારણે બજારમાં વટ પડતો હતો, પણ જેમને આ વટનો ચસ્કો લાગ્યો તેમની જીંદગીના અનેક કિંમતી વર્ષો જેલમાં પસાર થયા. તેના કારણે અનેક ગેંગસ્ટર્સએ જેલમાંથી બહાર આવી કયારેય જેલમાં જવુ પડે નહીં તેવો ધંધો પસંદ કર્યો, પણ યુસુફ લપલપને જાણે આ બે નંબરના ધંધામાં ફાવી ગયું હોય તેવું લાગે છે. ગેંગસ્ટર્સ અને બે નંબરના ધંધામાં રહેલા મોટા  ભાગે કમાય છે તેનો મોટો હિસ્સો પોલીસને ખુશ કરવામાં વપરાઈ જતો હોય છે, તાજેતરમાં યુસુફ સાથે પણ કંઈક આવું જ બન્યું છે તેના કારણે તે નારાજ થયો છે અને પોલીસને કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપી હોવાની જાણકારી મળી છે.

અમદાવાદના કારંજ વિસ્તારમાં ચુડીઓળમાં ગત સપ્તાહે પહેલા ડીસીપી ઝોન-2ના સ્કવોર્ડ અને ત્યાર બાદ પોલીસ કમિશનરના તાબાની ગુના નિવારણ શાખાએ જુગારની રેડ પાડી હતી. જયાં દરોડો પડયો તે ચુડીઓળમાં યુસુફ લપલપની માલિકીનું હીબા રેસીડન્સીમાં એક મકાન છે. ડીસીપી ઝોન-2ની રેડમાં દર્શાવવામાં આવ્યું કે કેટલાંક માણસો જાહેરમાં જુગાર રમતા હતા તેમને ડીસીપી સ્કવોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, આ રેડ તા 24 જુનના રોજ થઈ હતી, આ ફરિયાદમાં યુસુફ લપલપનો કોઈ ઉલ્લેખ નથી.

આ રેડના બે દિવસ બાદ એટલે તા 27મી જુનના રોજ ગુના નિવારણ શાખા ચુડીઓળમાં આવેલી હિબા રેસીડન્સીમાં દરોડો પાડે છે અને અને જુગાર રમતા લોકોને પકડે છે. જો કે આ રેડમાં યુસુફને વોન્ટેડ બતાડવામાં આવે છે. આ રેડ પડી જે પહેલી ફરિયાદમાં યુસુફના નામનો ઉલ્લેખ ન્હોતો, તે ફરિયાદમાં યુસુફનું નામ ખોલવાની તજવીજ શરૂ થઈ હોવાની જાણકારી યુસુફને મળતા તે સંબંધીત અધિકારીને ધમકી આપે છે કે જો મારૂ નામ પહેલી ફરિયાદમાં જાહેર થયું તો હું કોર્ટમાં તમારો ભાંડો ફોડીશ.

આ અંગે મળેલી જાણકારી પ્રમાણે જયારે ડીસીપી ઝોન-2 દ્વારા રેડ થઈ તે યુસુફના ઘરમાં જ થઈ હતી અને યુસુફ ત્યાં હાજર પણ હતો. આ જુગારખાનાથી કારંજ પોલીસ વાકેફ હતી, પણ  ઝોન-2ની રેડ બાદ મધ્યસ્થીને કારણે વચલો રસ્તો શોધવામાં આવ્યો અને રેડ જાહેર રસ્તા ઉપર બતાડી યુસુફને કેસમાંથી બહાર રાખવામાં આવ્યો. આ પેટે ઉચ્ચ અધિકારીએ આપેલી સૂચના પ્રમાણે સમાધાનકારી રસ્તો કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ બીજી રેડ જે ગુના નિવારણ શાખાએ કરી તેમાં યુસુફનો ઉલ્લેખ આવતા, સમાધાન કરનાર પોલીસ અધિકારીને ડર લાગ્યો કે હવે છાંટા ઉડશે તેથી તેમણે સંબંધીત અધિકારીને સૂચના આપી કે તપાસમાં યુસુફના નામનો ઉલ્લેખ કરી દેવો.

આમ જો એક પછી એક કેસમાં યુસુફનું નામ ખુલે તો તેની મુશ્કેલી વધે આથી પહેલા કેસમાં પોતાનું નામ જાહેર નહીં કરવા પેટે નક્કી કરેલુ વચન પાળ્યા પછી પણ નામ ખુલશે તેવી આશંકા જતા યુસુફે નામ ખોલવાનો પ્રયત્ન કરનાર અધિકારીને કોર્ટમાં મળીશું તેવી સૂચક ધમકી પણ આપી છે, હવે જોવાનું રહ્યું કે કોણ પહેલી હિંમત કરે છે પોલીસ કે યુસુફ...