મેરાન્યૂઝ નેટનર્ક, અમદાવાદ:  અમદાવાદ અને રાજ્યભરમાં ત્રણ મહિના અગાઉ કોરોનાની બીજી લહેર આવી હતી અને આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ કેસ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો હતો. પણ હવે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરમાં ચાંદખેડાના કલાધામ ફ્લેટને કન્ટેન્ટમેન્ટમાંથી દૂર કરવામાં આવતા હવે અમદાવાદ શહેરમાં એક પણ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 8 જૂનની સાંજથી 9 જૂનની સાંજ સુધીમાં 93 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 268 અને જિલ્લામાં 7 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 3 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 36 હજાર 836 થયો છે. જ્યારે 2 લાખ 30 હજાર 896 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 373 થયો છે.

જ્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 351ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 965 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 94 હજાર 703 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 13 હજાર 683 એક્ટિવ કેસ છે, જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 13 હજાર 337 દર્દીની હાલત સ્થિર છે.