મેરાન્યૂઝ નેટવર્ક, ખંભાળિયા: આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કરપ્સન ભલે કરે, પ્રજાને ભલે તતડાવે પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને ક્રીમ પોસ્ટીંગ મળતું રહે છે. પરંતુ જામખંભાળિયાના મામલતદાર ચિંતન વૈષ્ણવ માટે ઈમાનદારી અને પ્રજાહિત પહેલા હોવાથી તેને પુરસ્કાર રૂપે મળ્યા છે સાત વર્ષની નોકરીમાં ૧૦ બદલી અને કારણ વગર પ્રમોશનથી વંચિત.

જામખંભાળિયામાં બે દિવસ પહેલા સાંસદ પૂનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાયન્સ રીન્યુ ન કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પૂનમ માડમની સુચના મુજબ રજા પર મોકલી આપવામાં આવ્યા છે. ચિંતન વૈષ્ણવ ૨૦૧૧માં મામલતદાર તરીકે નિમણુક પામ્યા બાદમાં તેમની બદલી હળવદ ખાતે થઈ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદે હોટેલ ખડકી દેનારા અને તત્કાલીન ભાજપના ધારાસભ્ય જયતિ કવાડીયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરી નાખવામાં આવી. મહેસાણામાં ચિંતન વૈષ્ણવે ટેક્સ ન ભરનારી, બાળ મજુરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને સીલ મારી દીધું પણ આ રેસ્ટોરન્ટના એક મોટા મંત્રીના સગા અથવા તો નજીકના વ્યક્તિની હોવાથી વૈષ્ણવની બદલી પ્રથમ બનાસકાંઠા અને ત્યાંથી ડાંગના સુબીર તાલુકામાં થઈ. ત્યારબાદ તેમને માળિયા (મીયાણા) મુકવામાં આવ્યા. જ્યાં પણ એક સાબુના પ્લાન્ટને મજૂરોની સેફ્ટી અને કેમિકલના પ્રદુષણના મુદ્દે સીલ કરી દેવતા તત્કાલીન ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા તેમની બદલી ફરીથી ડાંગ કરી દેવામાં આવી. જો કે ત્યારબાદ સીલ કરાયેલા સાબુના કારખાનામાં સેફ્ટીના અભાવે બે મજુરોના પણ મોત નીપજ્યા હતા. આમ સાત વર્ષમાં કુલ ૧૦ ટ્રાન્સફર કરી દેવામાં આવી આટલું પુરતું ન હોય તેમ તેમની બેચના ૮ મામલતદાર સિવાય બધાને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પ્રમોશન બે વર્ષ પહેલા મળી ગયું છે. બાકીના ૮ માં કોઈ પણ એસીબી થયેલ છે, કોઈ પર ચાર્જસીટ અથવા તો કોઈ પર ઇન્કવાયરી ચાલે છે. જ્યારે ચિંતન વૈષ્ણવ પર આમાંનું કશું જ ન હોવા છતાં હજુ સુધી તેમને પ્રમોશનથી વંચિત રખાયા છે.

શું હતો ખંભાળિયાનો મામલો ?

ચિંતન વૈષ્ણવ ગત તા.16-10-2017 ના રોજ જામખંભાળિયા મામલતદાર તરીકે હાજર થયા હતા એ સમયે દિવાળી બે ત્રણ દિવસ દુર હોવાથી તેમણે માનવતાના ધોરણે ફટાકડાના વેપારીઓના લાયસન્સ રીન્યુ કરી આપ્યા હતા. પરંતુ માર્ચ મહિનામાં આ વેપારીઓએ ફરીથી લાયસન્સ રીન્યુ માટે મુકતા તેમણે સ્થળ તપાસ કરી હતી. જેમાં કોઈ વેપારી ફટાકડા સાથે સાડી તો કોઈ સ્ટેશનરીનો ધંધો કરતા હતા. તેમજ ૧૫ મીટરની અંદર બે ફટાકડાના વેપારીને લાયસન્સ ન આપી શકાય. પરંતુ આ તો ૧૦ મીટરમાં જ બે થી વધુ વેપારીઓ ફટાકડાનો વ્યવસાય કરતા હતા. અમુક વેપારી દર્શાવેલ શોપ લાયસન્સની જગ્યાએ અન્ય જગ્યા પર ફટાકડાનો જથ્થો રાખતા હતા. તેમજ એક મોટર સાયકલ પણ મુશ્કેલીથી પસાર થઈ શકે તેવા વિસ્તારમાં ફટાકડાનો વેપાર કરતા હતા. જેને લઈને આગ લાગે તો ફાયર બ્રિગેડ પણ કશું કરી ન શકે તે સ્થિતિનું નિર્માણ થાય. આ માટે મામલતદારે નગરપાલિકાના ચીફ ઓફિસરનો અભિપ્રાય માંગ્યો હતો પણ હકીકત જાણતા ચીફ ઓફિસરે પણ કોઈ અભિપ્રાય ન આપ્યો. 

મામલતદારે વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે શહેરની ભાગોળે આવેલા પરેડ ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર ઉભું કરવાનું પણ સુચન કર્યું. પરંતુ અમુક વેપારીઓએ એ વાત ન માની સાંસદ પૂનમ માડમને રજૂઆત કરી જેમાં આગાઉના જમીન કૌભાંડો કરનારા પણ સાથે જોડાયા હતા અને સાંસદે મામલતદારને સર્કિટ હાઉસે આવવાનો હુકમ કરતા મામલતદારે ત્યાં મળવાની ના પાડતા સાંસદ પૂનમ માડમને ગુસ્સો આવ્યો હતો અને તેમણે કલેક્ટર મારફત મામલતદારને આદેશ કરાવી સર્કિટ હાઉસ બોલાવ્યા હતા. જ્યાં પણ મામલતદારે લાયસન્સ રીન્યુ ન કરવા માટેના કારણો બતાવતા સાંસદનો પારો સાતમાં આસમાને ચડી ગયો હતો અને મામલતદાર વિરુદ્ધ પગલા લેવા કલેક્ટરને કહી દીધું હતું. જેના કારણે હાલ મામલતદારને ફરજીયાત રજા પર ઉતારી દેવાયા છે.