મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વિરમગામ-સાણંદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત થયો છે. જે અકસ્માતમાં લખતરના તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ રાણાનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત અન્ય 5ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પાસે વિરમગામ અને સાણંદ વચ્ચેના હાઈવે પર જખવાડા ગામ આવેલું છે ત્યાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. ધડાકા સાથે અથડાયેલી બંને કારના આગળના ભાગનો કુચડો વળી ગયો હતો. અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જેની ઓળખ લખતર તાલુકા ભાજપ પ્રુમખ તરીકે થઈ હતી. તેમનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. અન્ય કારમાં 2 બાળકો સહિત 5 લોકોને ઈજાઓ થઈ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ અજીતસિંહ રાણા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.