પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે તે દિવસ લાલકૃષ્ણ અડવાણીના નામની આગળ હવે ભુતપુર્વ સંસદ સભ્ય લખાઈ જશે. મે 2019માં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના ઉમેદવારની જાહેરાંત થઈ જેમાં ગાંધીનગર લોકસભા બેઠક જેની ઉપર છેલ્લાં કેટલાંય વર્ષોથી લાલકુષ્ણ અડવાણી ચૂંટાઈ આવતા હતા તે બેઠક ઉપર હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડવાના છે. પરંતુ ભાજપનો જન્મ પણ થયો ન્હોતો, અને રાષ્ટ્રીય સ્વંય સેવકની રાજકીય પાંખ તરીકે જનસંધ ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે લાલકુષ્ણ અડવાણી 1976માં ગુજરાતના રાજયસભાની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા, આમ અડવાણીનો નાતો ગુજરાત સાથે બહુ જુનો છે.

ઈન્દીરા ગાંધીએ 1975-1976માં દેશમાં કટોકટી લાદી ત્યાર બાદ વિરોધ પક્ષના મોટા ભાગના નેતાઓની વિવિધ રાજ્યમાં ધરપકડ કરી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જેમાં અડવાણીની ધરપકડ બેંગ્લોરમાં કરવામાં આવી હોવાને કારણે તેઓ ત્યાંની જેલમાં હતા. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની જનતા મોરચાની સરકાર હતી અને ગુજરાત વિધાનસભામાં જનસંઘના 18 ધારાસભ્યો હતા, માત્ર આટલા ધારાસભ્યના સહારે રાજ્યસભામાં જવાનું શકય ન્હોતુ, પરંતુ સયુંક્ત સરકારે લાલકુષ્ણ અડવાણીને ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં મોકલાનું નક્કી કર્યું હતું, અડવાણી ત્યારે બેગ્લોંરની જેલમાં હતા, જે ને કારણે તેમણે ઉમેદવારી પત્ર ભરવા ગુજરાત વિધાનસભામાં આવવું પડે તેમ હતું એટલે બેંગ્લોર પોલીસ તેમને જાપ્તા સાથે વિધાનસભામાં લઈ આવી હતી.

આમ 1976માં તેઓ પહેલી વખત સંસદ સભ્ય બન્યા અને 1977માં મોરારજી દેસાઈની સરકાર બની તેમાં પ્રસારણ મંત્રી પણ થયા હતા. અડવાણી મંત્રી થયા એટલે જનસંઘને બહુ હાશકારો એટલા માટે થયો હતો કે લાલકૃષ્ણ અડવાણી મંત્રી થયા પહેલા અમદાવાદ આવતા ત્યારે તેમને ઉતારો ક્યાં આપવો તે પ્રશ્ન હતો, ત્યારે જનસંઘ પાસે પૈસા પણ ન્હોતા અને કોઈ ઉધ્યોગપતિ જનસંઘને મદદ કરવા પણ તૈયાર ન્હોતા, એટલે લાલકૃષ્ણ અડવાણી અમદાવાદ આવે ત્યારે ખાડિયાના જનસંઘ કાર્યાલયમાં જ ઉતરતા હતા, એકદમ સામાન્ય કાર્યકરની જેમ રહેતા હતા. તેમના જમવાની વ્યવસ્થા પણ કાર્યાલયમાં કામ કરતા કાર્યકરની ટીફીનમાં થઈ જતી હતી. આમ વર્ષો સુધી અડવાણી ખાડિયાના કાર્યલયમાં રહ્યા હતા, માત્ર અડવાણી જ નહીં દેશના ટોચના નેતાઓમાં સુબ્રમણ્ય સ્વામી સહિતના નેતાઓનું ગુજરાતમાં આશ્રય સ્થાન ખાડીયાની ઓફિસ હતી.

અડવાણી મંત્રી થયા તેના કારણે હવે તેઓ અમદાવાદ આવે ત્યારે સરકીટ હાઉસમાં વ્યવસ્થા થવા લાગી હતી, જનસંઘ પાસે આખા ગુજરાતમાં એક ફિયાટ  GTL 8622 નંબરની કાર હતી. આ કાર પણ જનસંઘે જનસંઘના જ નેતા ગાભાજી ઠાકોર પાસેથી સેકન્ડ હેન્ડમાં લીધી હતી, ખુદ અડવાણી અને બાજપાઈ પણ અમદાવાદ આવે ત્યારે આ જુની ફિયાટમાં ફરતા હતા. અડવાણી અમદાવાદ આવે ત્યારે ઘણી વખત કાંકરિયા સંઘ કાર્યાલય જતા હતા. જ્યાં તેમણે એક યુવાનને કામ કરતા જોયો તેનું નામ નરેન્દ્ર મોદી હતું. મોદી ત્યારે પ્રચારકની ભૂમિકામાં હતા. તેમને જનસંઘની રાજકીય પ્રવૃત્તી સાથે કોઈ નીસ્બત ન્હોતી. 1980માં જનસંઘમાંથી ભાજપનો જન્મ થયો, જનસંઘના પાયાના કાર્યકર શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, વસંત ગજેન્દ્ર ગડકર અને નાથાલાલ ઝઘડા પોતાની સમજ અને શકિત પ્રમાણે ભાજપને તાકાતવર કરવાનો પ્રયત્ન કરતા હતા.

આ વખતે ભાજપને કોઈ યુવાન ને નવા વિચારવાળી વ્યકિતની જરૂર હતી અને 1986માં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘને નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન મંત્રી તરીકે મોકલવાનો નિર્ણય કર્યો હતો. આમ નરેન્દ્ર મોદી હવ ગુજરાતના સક્રિય રાજકારણનો હિસ્સો બન્યા હતા, પરંતુ જે સંગઠન મંત્રી હોય તે હોદ્દાની રૂએ રાષ્ટ્રીય કારોબારીમાં આમંત્રીત તરીકે જઈ શકતા હતા, પણ નરેન્દ્ર મોદીના આગમન પછી પણ રાષ્ટ્રીય કારોબારીમાં નાથાલાલ ઝઘડાનું નામ ચાલતુ હતું, પોતાનું નામ રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ થાય માટે મોદી શંકરસિંહ વાઘેલાને ભલામણ કરતા કે તેઓ લાલકૃષ્ણ અડવાણી સાથે વાત કરે કારણ ત્યારે અડવાણી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા, આખરે અડવાણીએ મોદીને કારોબારીમાં સામેલ કર્યા હતા. આમ દેશના રાજકારણનો હિસ્સો નરેન્દ્ર મોદી થયા તેનું શ્રેય અડવાણીને જાય છે.

જો કે લાલકૃષ્ણ અડવાણીની ઉંમરને કારણે તે હવે સંસદનો હિસ્સો ના બને તે પ્રશ્ન જુદો છે પણ તેમને લોકસભાની ટિકિટ આપવી નહીં કે તે ભાજપનો આંતરિક મામલો છે, પણ જનસંઘથી ભાજપની સફરનો સ્ટાર પ્લેયર રાજકારણમાંથી વિદાય થતો હોય ત્યારે તેની વિદાય પણ જાજરમાન અને માન-મરતબાવાળી હોવી જોઈએ.