​​પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હજી થોડા મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાની નરેન્દ્ર મોદી જુથ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી, તેના થોડા સમય પહેલા જ મેં પ્રવિણ તોગડિયા સંબંધી લખેલા એક લેખમાં પ્રવિણ તોગડિયાનું રાજકીય પ્રકરણ પુરૂ થયું તે મતલબનો લેખ લખ્યો હતો, ત્યાર બાદ સંજોગોને આધીન મારે ડૉ. પ્રવિણ તોગડિયાને મળવાનું થયું, અમે ત્રીસ વર્ષથી એકબીજાના પરિચીત રહ્યા છીએ. ડૉ. તોગડિયાએ કાયમ પ્રમાણે નરેન્દ્ર કયાં કેવી રીતે ગરબડ કરી રહ્યા છે તેની ચર્ચા શરૂ કરી, અલબત આ ચર્ચા મિત્રાચારીમાં હોવાને કારણે તે અંગે મારે કંઈ ખાસ લખવાનું ન્હોતું. હું તેમને ભાજપ અને ખાસ કરી નરેન્દ્ર મોદી હિન્દુત્વના મુદ્દાથી ભટકી ગયા વગેરે વગેરે વાતો ચાલી રહી હતી. આમ તો આ બધા મુદ્દા હું તોગડિયાના મોંઢે અગાઉ પણ અનેક વખત સાંભળી ચુકયો હતો. ચર્ચા પુરી કરી અમે છુટા પડી રહ્યા હતા ત્યારે તોગડિયાએ મને કહ્યું તમે મારૂ રાજકીય પ્રકરણ પુરૂ થઈ ગયું તેવું લખ્યું પણ તેવું કઈ થવાનું નથી અને તમે ઈચ્છો છો તે પ્રમાણે હું નરેન્દ્ર મોદી સામે લડવાનો નથી.

હવે મારે અને નરેન્દ્ર મોદીને કોઈ જમીનના સાત-બારના ઉતારામાં ઝઘડો ન્હોતો અને થવાનો પણ નથી, પણ મારી પાસે ભાજપમાંથી નરેન્દ્ર મોદી અંગે જે કઈ વાતો આવી રહી ત્યારે માત્ર હું એટલું જ કહેતો કે જો તમને લાગે છે કે નરેન્દ્ર મોદી કઈ ખોટું કરે છે તો તમારે પક્ષના ફોરમમાં અને યોગ્ય લાગે તેવા  મંચ ઉપર બોલવું જોઈએ, પણ હમણાં તમામ હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ જ્યારે પોતાનો પક્ષ મુકી શકે તેમ હતા ત્યારે બોલ્યા નહીં. જેમાં કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા સહિત એકસો કરતા વધારે નેતાઓ એવા છે કે જેઓ એક જમાનામાં નરેન્દ્ર મોદીને ઉઠ કહે તો ઉઠવુ પડે તેવી સ્થિતિ હતી, પણ આ બધા સત્તામાં રહેવા અથવા સત્તાની નજીક રહેવા જ્યારે તેઓ કઈ કહી શકે તેવી સ્થિતિમાં હતા ત્યારે પાર્ટીમાં બોલ્યા નહીં કે નરેન્દ્ર મોદીની આ કે ફલાણી વાત યોગ્ય નથી.

નરેન્દ્ર મોદીને પોતાના વિરોધીઓની પાક્કી સમજ અને પરખ છે, પોતાની સાથે રહેલા કોણ ભવિષ્યમાં જોખમી થઈ શકે, કોણ નડી શકે, કોણ સવાલ પુછી શકે તે તમામને વખત આવે એક પછી એકને ખૂણામાં ધકેલતા ગયા. જ્યારે પહેલો નેતા ખૂણામાં ગયો ત્યારે બીજા નેતાને લાગ્યું કે મારે શું કામ નરેન્દ્ર મોદી સાથે બગાડવું પડે એટલે તે શાંત રહ્યો આમ જેઓ શાંત રહ્યા તેઓ પણ પોતાના સમયમાં હાંસિયામાં આવી ગયા, જ્યારે હાંસિયામાં આવી ગયેલાની સંખ્યા વધી ગઈ ત્યારે તેમણે હાંસિયામાંથી બુમાબુમ કરી કે નરેન્દ્ર મોદી ખોટું કરે છે. જો કે જ્યારે તેઓ ફરિયાદ કરવા લાગ્યા ત્યારે તેઓ ભાજપની વ્યવસ્થાનો ભાગ રહ્યા ન્હોતા. નરેન્દ્ર મોદીએ જેમને રાજકીય રીતે પુરા કરી નાખ્યા હતા તેઓ હવે મોદીના અસ્તીત્વ ઉપર સવાલ ઊભા કરી રહ્યા હતા.

હવે નરેન્દ્ર મોદી દ્વારા જેઓ પિડીત છે તેઓ નરેન્દ્ર મોદીએ કેવો અન્યાય કર્યો, અમે ભાજપ માટે અમારી જીંદગી ખર્ચી નાખી અને અમને શું મળ્યુ તેવો સવાલ કરી રહ્યા છે. ક્યારેક જેમને હું વ્યકિગત ઓળખુ છું તેમની મને દયા પણ આવે છે, પણ લાંબો વિચાર કર્યા પછી લાગે કે જેમને હું ઓળખુ છું તેવા નેતાઓ આદરને પાત્ર છે કારણ ખરા અર્થમાં તેમણે સમાજ અને રાજ્ય માટે ઘણું કર્યું છે. તેઓ પ્રમાણિક અને મહેનતુ હતા, પણ બીજી જ ક્ષણે લાગે છે કે નરેન્દ્ર મોદીએ તેમને અન્યાય કર્યો તેના કારણે તેમના પ્રત્યે આદર હોવા છતાં તેઓ દયાને લાયક નથી તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો લાલકૃષ્ણ અડવાણી છે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્ય અને દેશના રાજકારણનો હિસ્સો ન્હોતા અડવાણીએ નરેન્દ્ર મોદીની આંગળી પકડી અને રાજકારણની સીડીના પગથીયા ચઢાવ્યા, પણ ક્રમશઃ મોદી પોતાના કાવાદાવા રમવા લાગ્યા અને ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી ગયા.

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા તે જ વર્ષે ગુજરાતમાં કોમી તોફાન થયા, ભાજપ પોતાની બીનસાંપ્રદાઈક છબી ઊભી કરવાનો પ્રયાસ કરી રહી હતી તેની ઉપર પાણી ફરી વળ્યું, ખુદ વડાપ્રધાન બાજપાઈ અમદાવાદ આવ્યા તેમણે પોતાની આંખે અમદાવાદ જોયું, બાજપાઈએ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદેથી હટાલી દેવાનો નિર્ણય કર્યો. ગુજરાતમાં 2002માં જે થયું તે માત્ર ભાજપ માટે જ નહીં પણ માનવતા માટે પણ શમજનક ઘટના હતી. નરેન્દ્ર મોદીનું જવું નિશ્ચીત હતું, પણ પોતાના સ્વાર્થ ખાતર અડવાણી અને મુરલી મનોહર બાજપાઈ પાસે પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદી પોતાના ઉપયોગમાં કોણ આવી શકે તે સારી રીતે જાણતા હતા. તેમણે બાજપાઈને સમજાવવા માટે અડવાણી અન જોશીનો ઉપયોગ કરી લીધો.

આ વખતે અડવાણી અને જોશીએ ગુજરાતમાં ખોટું થયું છે તેવું માનતા અટલબિહારી બાજપાઈને ટેકો આપવાને બદલે તેઓ ખોટો નિર્ણય કરી રહ્યા છે તેવું સમજાવી નરેન્દ્ર મોદી બચાવી લીધા હતા, પણ નરેન્દ્ર મોદી જાણતા હતા કે વડાપ્રધાન થવાની પોતાની ઈચ્છાને કોઈ આડે આવે તેમ છે તો તે અડવાણી અને જોશી છે. મોદીએ પોતાના સમય પ્રમાણે તેમને પણ પુરા નાખ્યા. હવે મોદી વિરોધીઓ અને અડવાણી સમર્થકોને એવું લાગે કે મોદી પોતાના સિનિયરો સાથે કેવો વ્યવહાર કર્યો, પણ ખરેખર કર્મના સિધ્ધાંત પ્રમાણે ઝેર વાવશો તો ઝેર મળશે તે સિધ્ધાંત બરાબર લાગુ પડે છે.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં