મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: પોતાની સરકાર સંવેદનશીલ અને ભ્રષ્ટાચાર નહીં કરવા દેવાને મામલે સક્રિય છે તેવો દાવો કરતી ગુજરાતની રૂપાણી સરકાર માટે નીચા જોણું થાય તેવી ઘટના કચ્છમાં બની છે. પશ્ચિમ કચ્છમાં આવેલા નખત્રાણા પાસે દસ દિવસ પહેલા જ બનવવામાં આવેલો સવા કરોડની કિંમતનો રોડ તૂટી ગયો છે. જેને જોઈને અહીંના લોકો આશ્ચર્યચકિત થઈ જવાની સાથે માર્ગ અને મકાન વિભાગની નિષ્ઠા સામે શંકાની નજરે જોઈ રહ્યા છે.

તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી નખત્રાણા અને દેવપર (યક્ષ) વચ્ચે એક માર્ગ બનવવામાં આવ્યો હતો. 1.21 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો રોડ નખત્રાણાના દેવપર (યક્ષ) થી સુખસાણ માર્ગે બે જગ્યા થી તૂટેલો જોવા મળતા ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા છે.


 

 

 

 

 

માત્ર 10 દિવસની અંદર માર્ગ તૂટતા આ રસ્તાના કામને લઈને ઉઠ્યા સવાલો ઉઠી રહ્યા છે. ખરેખર મામલો શુ છે તે જાણવા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) નખત્રાણાની કચેરીનાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર એમ.એ.ટોપીવાલાએ કહ્યું કે, રસ્તાની ક્ષમતા આઠ ટનની છે. પરંતુ તેની ઉપર પવનચક્કીનાં પાર્ટ્સ વહન કરતા ભારે વાહનો પસાર થવાને લીધે આ હાલત થઈ છે. તેમણે આ અંગે તેમનાં ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પ્રાંત કચેરી અને પોલીસનું પણ ધ્યાન દોર્યું છે. જેથી ભારે અને મંજૂરી વિનાના વાહનોને અટકાવી શકાય તેમ નાયબ ઈજનેર ટોપીવાલાએ વધુમાં જણાવ્યું હતું.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બન્યો હતો રોડ

કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જંગી બહુમતીથી જીતેલા અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી આ રોડ બનાવવામાં આવેલો છે. તેથી તેમનું પણ આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. વિપક્ષ હતા ત્યારે જાડેજાએ પવનચક્કીની કંપનીઓ સામે મોરચો માંડ્યો હતો. જાડેજા હવે સત્તાપક્ષમાં છે ત્યારે તેઓ શુ કરે છે તેની ઉપર પશ્ચિમ કચ્છનાં લોકો મીટ માંડી બેઠા છે.