મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપની હાલત તેમના અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરોને લીધે કોંગ્રેસ જેવી જ છે. કચ્છનો એવો કોઈ તાલુકો નથી જયાં ભાજપને પોતાના લોકોથી જ ભય હોય. પાટીદારોની સંખ્યા જયાં વધુ છે તેવા નખત્રણા તાલુકા પંચાયતની બેઠકોમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી વિથોણ તાલુકા પંચાયતની બેઠક છે. જયાં પહેલાથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા સ્થાનિક પાટીદાર નેતાની ટીકીટ કાપીને સંગઠનમાં મજબૂત સ્થાન ધરાવતા નખત્રાણામાં રહેતા એક પાટીદાર નેતાને ટીકીટ આપવામાં આવી છે. જેને લીધે વિથોણ અને આસપાસનાં ગામોમાં ઉકળતા ચરું જેવી સ્થિતી છે.

ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલા વિથોણ ગામનાં દિનેશ રૂડાણી(પટેલ)ને ભાજપ તરફથી નખત્રાણા તાલુકા પંચાયતની વિથોણ બેઠક માટે ટીકીટનું અભયવચન આપવામાં આવ્યું હોવાનું ખુદ ભાજપનાં સૂત્રોએ દાવો કર્યો છે. પરંતુ અન્ય જગ્યાની જેમ આ બેઠક ઉપર નખત્રાણામાં રહેતા પાટીદાર નેતા જયસુખ પટેલને ટીકીટ આપવામાં  આવી હતી. જયસુખ પટેલ કચ્છ ચૂંટણી ઇન્ચાર્જ ઉપરાંત તેમની પાસે ભુજ ભાજપ સંગઠનનો ચાર્જ પણ છે. તેઓ જો કદાચ ચૂંટણી જીતે તો નખત્રાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ પણ બની શકે છે. પરંતુ સ્થાનિક કક્ષાએ દિનેશ પટેલને અવગણી તેમને ટીકીટ આપવા પાછળનું ભાજપનું શુ ગણિત છે તે અહીં લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ બેઠક ભાજપ માટે હોટ ટોપિક બની ગઈ છે.


 

 

 

 

 

અસંતોષ ઠારવા માટે રાયપુરથી સરપંચને દોડાવ્યા

સ્થાનિકને ટીકીટ ન આપવામાં આવતા ભાજપ માટે જયસુખ પટેલ અઘરા બની જાય તેમ છે. આથી સ્થાનિક કક્ષાએ ઉભા થયેલા આ રોષને ઠારવા માટે ભાજપ મોવડી મંડળે વિથોણ ગ્રામ પંચાયતના સરપંચ બચુભાઇ પટેલને છેક છત્તીસગઢનાં રાયપુર પાછા બોલાવવા પડ્યા છે. બંને પાટીદાર નેતાને સમજાવી ભાજપને નુકશાન ન થાય તે માટે હાલ તો આ સરપંચ હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી બાજુ અસંતુષ્ટ એવા દિનેશ પટેલને ભાજપ મોવડી મંડળ તરફથી પ્રેશર આવવાને કારણે ન ગમતું હોવા છતાં જયસુખ પટેલ સાથે પ્રચારમાં ફરવું પડી રહ્યું છે.

કચ્છ ભાજપે 38 'વિભીષણ'ને હાંકી કાઢ્યા

કચ્છ ભાજપમાં ટીકીટ ફાળવણી બાદ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. કેટલાક પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે તો કયાંક અપક્ષ દાવેદારી કરીને  ભાજપને ભરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવામાં ભાજપે આવા બળવાખોર 38 નેતા-કાર્યકરોને ઓળખીને સસ્પેન્ડ કરી દીધા છે. જે પાર્ટી થકી મુન્દ્રમાં સારું એવું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે તેવા મુન્દ્રનાં સરપંચ ધર્મેન્દ્ર જેસરને પત્ની સહિત હાંકી કાઢવામાં આવ્યા છે. તેવી રીતે પશ્ચિમ કચ્છમાં મોટું માથું માનવામાં આવતા મેશોજી સોઢાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે કચ્છ ભાજપનો આ શિસ્તનો કોરડો અસંતુષ્ટોને ભારે પડે છે કે પક્ષને.