જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): પાકિસ્તાન સાથેની બોર્ડરવાળા વિસ્તારોમાં સતર્કતા વધારવા માટે ચાર સરહદી જિલ્લાને સાંકળતી પોલીસની બોર્ડર રેન્જ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે નકલી નોટો સહિત હથિયારો, માદક પદાર્થ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ જેવી એન્ટી નેશનલ એક્ટિવિટી ઉપર કાબુ મેળવવામાં આવશે. લોકલ લોકોને સાથે રાખીને કચ્છ સહિતનાં ચાર જિલ્લાનાં સરહદી વિસ્તારોમાં બોર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (IG) 'અખંડ ભારત પોલીસ મિત્ર અભિયાન' હાથ ધરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

'અખંડ ભારત પોલીસ મિત્ર અભિયાન' હેઠળ સ્થાનિક લોકોને, ખાસ કરીને યુવાનોને તાલીમથી માંડીને માર્ગદર્શન આપવામાં આવશે. દર મહિને જે તે જિલ્લાનાં એસપી દવારા આ સમગ્ર કાર્યવાહીનું મોનીટરીંગ પણ કરવામાં આવશે. બોર્ડર સિક્યોરિટી ઉપરાંત ઇન્ટરનલ સિક્યોરિટી મજબૂત કરવાનાં આશયથી બોર્ડર રેન્જનાં આઈજી જે.આર.મોથલીયાએ સંબંધિત પોલીસ અધિકારીઓને રાત્રી રોકાણ કરવાની પણ સૂચના આપી હોવાનું સાયબર ક્રાઇમના ઇન્સ્પેક્ટર ભાવિન સુથાર દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતીમાં જણાવાયું હતું.  આ પ્રકારનાં પોલીસનાં એક્શનથી બોર્ડર એરિયામાં ચાલતી દેશ વિરોધી પ્રવૃત્તિ ઉપર બાજ નજર રાખી શકાશે. ચીન અને પાકિસ્તાન સાથેનાં તનાવપૂર્ણ સંબંધો વચ્ચે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલું આ અભિયાન સૂચક માનવામાં આવી રહ્યું છે.


 

 

 

 

 

BSFનાં ડીજી પણ કચ્છ આવ્યા

ચીન સાથેનાં તંગ સંબંધ ઉપરાંત પાકિસ્તાન પણ બોર્ડર ઉપર કાંકરીચાળો કરવાની હરકતો કરી રહ્યું છે તેવામાં કચ્છ સીમાએ પણ તાજેતરમાં ઇન્ડિયન આર્મીથી માંડીને અર્ધ લશ્કરી દળોનાં ઉચ્ચ અધિકારી સીમા સુરક્ષાની સમીક્ષા કરવા આવી ચુક્યા છે. આ કડીના ભાગરૂપે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના કચ્છ આવેલા છે. બે દિવસની તેમની કચ્છની આ વિઝીટ દરમિયાન ગુજરાત BSFનાં વડા એવા આઈજી જી.એસ.મલિક પણ તેમની સાથે આવ્યા છે. આ બંને સિનિયર મોસ્ટ ઓફિસર્સ દવારા ક્રિક ઉપરાંત રણ સીમાની સમીક્ષા કરવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનામાં સીમા સુરક્ષા દળના ડીજી રેન્કનાં ઓફિસરની આ બીજી કચ્છ મુલાકાત છે. BSFનાં ડીજી પહેલા આર્મીનાં મેજર જનરલ રેન્કનાં ઓફિસર પણ કચ્છ બોર્ડરની વિઝીટ લઈ ચુક્યા છે.