મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : ભચાઉ પાસે આવેલા લોધેશ્વર પાસે મંગળવારે સવારે નર્મદા કેનાલમાં બે સંતાન સાથે પિતા ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. દસેક વર્ષની દીકરીને તરસ લાવતા તે નર્મદા કેનાલમાં ઉતરી હતી ત્યારે તેનો પગ લપસી ગયો હતો. ત્યારબાદ ડૂબતી બહેનને બચાવવા જતા ભાઈ અને તે પછી પિતાએ પણ કેનાલમાં ઝંપલાવતા આ ગોઝારો બનાવ બન્યો હતો. છ કલાક સુધી પાણીમાં તલાશી અભિયાન કર્યા બાદ એક જ પરિવારનાં ત્રણ ત્રણ સભ્યોની લાશ મળી આવતા વાગડ પંથકમાં અરેરાટી સર્જાઈ હતી.

મંગળવારે સવારે નવેક વાગ્યાનાં અરસામાં આ બનવા બન્યો તે પહેલા વોંધ ગામનાં 45 વર્ષના માનસંગ હીરા કોળી તેમના બે સંતાન શાંતિ અને બળદેવ સાથે વાડી વિસ્તારમાં ખેતીનું કામ કરવા આવ્યા હતા. તે દરમિયાન દસેક વર્ષની દીકરી શાંતિને તરસ લાગી હતી. આથી તે પાણી પીવા માટે નર્મદાની કેનાલમાં ઉતરી હતી. કેનાલમાં પાણી પીવા જતા અચાનક શાંતિ કેનાલમાં લપસી ગઈ હતી. બહેન શાંતિને કેનાલમાં પડતી જોઈને ભાઈ બળદેવે પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. અને તે પણ ડૂબવા લાગ્યો હતો. દીકરા દીકરીને પાણીમાં ગરકાવ થતા જોઈને પિતાએ પણ જીવની પરવા કર્યા વિના કેનાલમાં કૂદકો મારી દીધો હતો. પરંતુ પાણી ઊંડું કારણે ધીમે ધીમે ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. 

ઘટની જાણ થતા વાડીમાં કામ કરતા આસપાસનાં લોકો કેનાલ પાસે દોડી આવ્યા હતા. અને તરત ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. કેનાલમાં છ કલાકની શોધખોળ બાદ પિતાની સાથે સાથે બે સંતાનની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ કેનાલનાં સ્થળે દોડી આવ્યો હતો.