જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : જેલમાં એન્ટી કરપશન બ્યુરો (ACB)ની વાત માત્રથી લોકોમાં જ નહીં પરંતુ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ સમગ્ર ટ્રેપ પાછળ કયા પરીબળો-કારણો જવાબદાર છે તેનું ઇન્વેસ્ટિગેશન કરતા કેટલીક રોચક વાતો બહાર આવી છે. જેમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, આ ટ્રેપ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ એક ભૂતપૂર્વ ધારાસભ્યએ કરાવી છે. જી, હા, જયંતિ ભાનુશાળી મર્ડર કેસનાં આરોપી એવા કચ્છની અબડાસા બેઠકના એક્સ એમએલએ છબીલ પટેલ પાસેથી જેલનાં અધિકારીઓએ લાખો રૂપિયાની માંગણી કરતા મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. જેમાં નવાઈની વાત એ છે કે, મિડલ મેન તરીકે ઓઇલ ચોરીનો એક આરોપી હતો.


 

 

 

 

 

એસીબી અને અન્ય સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં નલિયા સામુહિક દુષ્કર્મ અને જયંતિ ભાનુશાળી હત્યા કાંડના આરોપીઓને રાખવામાં આવેલા છે. જે જેલ સત્તાવાળા માટે સોનાની મરઘી સમાન છે. કેટલાક આરોપી તેમના મોજશોખ અને સવલતો માટે છુટા હાથે રૂપિયા આપતા હતા. પરંતુ જયારે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પાસે જેલ અધિક્ષક મનુ જાડેજા અને જેલર મહેબૂબ ચૌહાણે રૂપિયાની માંગણી કરીને તેમને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મામલો એસીબી સુધી પહોંચ્યો હતો. જયંતિ ડુમરા સહિત અને ગાંધીધામનાં ભાજપનાં નેતાઓ અન્ય આરોપીઓ જેલનાં આરોપીઓને મોં માંગી રકમ આપતા હતા. એટલે જેલ અધિક્ષક મનુ જાડેજા અને જેલર મહેબૂબ ચૌહાણની હિંમત વધી ગઈ હતી. એટલે તેમણે છબીલ પટેલને દબાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ પટેલે તેમને તાબે થવાને બદલે પોતાના દીકરા અને અન્ય લોકોને સાથે રાખીને આ મામલે એસીબીમા ફરિયાદ કરી હતી. વાત પૂર્વ ધારાસભ્ય અને જેલની હતી એટલે એસીબી પણ સક્રિય થઈ હતી. અને છેવટે છબીલ પટેલના ફેમિલી મેમ્બરનાં સ્વાંગમાં જેલમાં પ્રવેશીને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા હતા. અને સમગ્ર મામલો આ રીતે બહાર આવ્યો હતો.

ઓઇલ ચોરીનો આરોપી 18 હજાર લઈ ગયો


 

 

 

 

 

જેલનાં ભષ્ટ અધિકારીઓએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પાસેથી રૂપિયા પડાવવા માટે મિડલ મેન તરીકે બીજું કોઈ નહીં પરંતુ ઓઇલ ચોરીના એક કુખ્યાત આરોપીને રાખ્યો હતો. ડિલ એક લાખ પચાસ હજારમાં નક્કી થઈ હતી. જેમાંથી 18 હજાર ઓઇલ ચોરીનો આરોપી લેવાનો હતો. જે ટ્રેપ દરમિયાન લઈ પણ ગયો. અને છેવટે એસીસીબી દ્વારા 1.32 લાખની ટ્રેપ રજીસ્ટર્ડ કરવામાં આવી હતી.

અધિક્ષક મનુના ઘરેથી મળ્યા લાખ રૂપિયા

ટ્રેપમાં ઝડપાયેલા મનુ જાડેજાના ભુજનાં ઘરે એસીબીની ટીમ દ્વારા ટ્રેપ બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં રોકડા રૂપિયા એક લાખ અને બે હજાર સાતસો મળ્યા હતા. લાખ રૂપિયાથી પણ વધુની રકમ કયાંથી આવી તે તપાસનો વિષય હોવાથી એસીબી દ્વારા ખાસ કોર્ટમાં બંને આરોપીની સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. બીજું બાજુ 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થનારા જેલર મહેબૂબ ચૌહાણ ટ્રેપમાં આવી જતા તેની નિવૃત્તિની ઉપર પણ કલંક લાગ્યું હતું.