મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. રાજકીય પક્ષો પોત પોતાની રીતે મતદારોને આકર્ષવાના પેંતરા વાપરી રહ્યા છે. આ એક જ સમય એવો છે જ્યાં નેતાઓને જનતાની કદર હોય તેવું જોવા મળતું હોય છે. ભાજપ અને કોંગ્રેસે દરેક બેઠકો પર પોત પોતાના ઉમેદવારોની સક્ષમતા પુરવાર કરવા માટે વિવિધ પ્રચાર શરૂ કર્યા છે. નેતાઓના પક્ષ પલ્ટાને પગલે ફરી ચૂંટણી ખર્ચ પણ થવા જઈ રહ્યો છે. આજે અબડાસાની બેઠક પર અપક્ષ ઉમેદરવાના પ્રચાર માટે શંકરસિંહ વાઘેલા આવ્યા હતા.

બાપુ પોતાના ધારદાર નિવેદનોને કારણે જાણિતા છે. તેમણે ભાજપને લુખ્ખી પાર્ટી કહી હતી. શંકરસિંહ વાઘેલાએ અહીં પેટા ચૂંટણી સમયે નલિયામાં સભા સંબોધન કર્યું હતું બાદમાં ભુજ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલી આપી હતી અને જુની યાદ પણ વાગોળી હતી. દરમિયાન તેમના પર વિવિધ પક્ષોની બી ટીમ તરીકેના થતાં આક્ષેપોનું ખંડન કરતાં તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, હું કોઈ પાર્ટીનો એજન્ટ કે દલાલ નથી. હું ભાજપ અને કોંગ્રેસને ફાયદો થાય તે માટે કામ નથી કરતો, પ્રજા ભાજપ અને કોંગ્રેસથી પરેશાન થઈ ગઈ છે. જેથી હું અપક્ષોના સમર્થનમાં આવ્યો છું.