પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં ઉભી થલેયી પુરની  સ્થિતિમાં ગુજરાત પોલીસ સહિત એનડીઆરએફ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા લોકોને બચાવવા માટે અવીસ્મરણીય કામગીરી કરી છે. આવી જ એક બહાદુરી કચ્છના સામખીયાણી રેલવે સ્ટેશન પાસે પાણીમાં ફસાયેલા નવ  મજુરોને બચાવવા માટે રેલવે પ્રોટેકશન ફોર્સના કોન્સટેબલ શિવચરણે બતાડી સાડા ત્રણ કલાક સુધી પાણીમાં તે તરતો રહ્યો અને નવ મજુરોને તે કિનારે લઈ આવ્યો હતો. આ ઘટનાની જાણ છતાં કચ્છ પુર્વના સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તેમણે પોલીસ કોન્સટેબલ શિવચરણની પીઠ થાબડી આ બાબત અંગે રેલવે વિભાગનું ધ્યાન દોર્યું હતું.

મહેસાણા રેલવે સ્ટેશન ઉપર રેલવે પ્રોટેકશન ફોર્સમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા મુળ રાજસ્થાનના શિવચરણની નોકરી મહેસાણા રેલવે સ્ટેશનથી કચ્છ જતી ટ્રેનમાં  પેટ્રોલીંગ કરવાની હતી શનિવારે તે પોતાની ફરજ ઉપર હતો ત્યારે સામખીયાણી રેલવે સ્ટેશન ઉપર પહોંચેલી ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી કારણ સામખીયાણી પાસેનું તળાવ ફાટા આખા વિસ્તારમાં પાણી ફરી વળ્યુ હતું, સામખીયાણી રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશન એકદમ નજીકના અંતરે આવેલા છે, રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળતા સામખીયાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો.

ટ્રેનને રોકી દેવામાં આવતા કોન્સટેબલ શિવચરણ  ટ્રેનની બહાર આવી આગળની સુચનાની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેની નજર એકસો મીટર દુર ઝાડ તરફ ગઈ તેણે જોયુ તો ચારે તરફ પાણી ફરી વળ્યુ હતું અને પાણીનો પ્રવાહ પણ ખાસ્સો હતો તેમાં એક ઝાડ ઉપર કેટલાંક માણસો ચઢી ગયા હતા અને કોઈ મદદ આવે તેની રાહ જોતા હતા, એક તરફ ધસમસતો પાણીનો પ્રવાહ હતો બીજી તરફ આકાશ પણ પાણી વરસાવી રહ્યુ હતું, આમ તો શિવચરણની નોકરી ટ્રેન પુરતી સિમિત હતી પણ તેની નજર સામે નવ માણસો જીવ બચાવવાની લડાઈ લડી રહ્યા હતા, શિવચરણ ત્યાં હાજર સામખીયાણી પોલીસને વિનંતી કરી કે જો દોરડાની વ્યવસ્થા થાય તો તે ત્યાં સુધી પહોંચી શકે તેમ છે.

થોડીવારમાં સામખીયાણી પોલીસે દોરડાની વ્યવસ્થા કરી પણ પાણી લગભગ વીસ ફુટની ઉંચાઈ ઉપર હતું કારણ વૃક્ષની બાજુમાં ઉભી  રહેલી ટ્ર આખી ડુબી ગઈ હતી અને પ્રવાહ પણ ખાસ્સો હતો, સામખીયાણી પોલીસ કોન્સટેબલ શિવચરણને જોખમ નહીં લેવાની સલાહ આપી હતી પણ શિવચરણે કહ્યુ હું પાણી ઉતરી ત્યારે તમે મારો વિડીયો લેજો અને પાછો આવુ નહીં તો મારા પરિવારને મોકલી આપજો અને કહેજો લોકોને બચાવવા જતા શિવચરણ શહિદ થયો છે. પોલીસની ના છતાં શિવચરણ દોરડા સાથે પાણીમાં કુદયો અને પાણીના પ્રવાહમાં તે જયા માણસો હતા તે વૃક્ષ નજીક પહોચી ગયો હતો. વૃક્ષ ઉપર ચઢી ગયેલા તમામ રેલવેમાં કામ કરતા મજુરો હતા જેમાં એક સ્ત્રી પણ હતી.

પાણીનો પ્રવાહ કરી વૃક્ષ સુધી પહોંચેલા શિવચરણને ખ્યાલ આવ્યો કે દોરડાના સહારે તે મજુરોને બહાર કાઢી શકે તેમ નથી, એટલે તેણે એક એક વ્યકિતને બાવડામાંથી પકડી તરવાની શરૂઆત કરી હતી આમ એક વ્યકિતને બહાર કાઢવા માટે શિવરચરણને એકસો મીટર બહાર આવી ફરી એકસો મીટર અંદર જવુ પડતુ હતું આમ એકલા શિવચરણ સાડા ત્રણ કલાક સુધી એકલા તરી તમામને બહાર કાઢયા હતા. આ બનાવ અંગે કચ્છ પુર્વના એસપી પરિક્ષીતા ગુર્જરે જણાવ્યુ કે ખરેખર આરપીએફના કોન્સટેબલ શિવચરણને બહાદુરી દાખવી કામ કર્યુુ છે આ અંગે મેં તેનું તા 15મી ઓગષ્ટના રોજ જાહેર સન્માન કરવાનો નિર્ણય કર્યો છે અને કલેકટરને પણ આ બનાવની જાણ કરવામાં આવી છે, શિવચરણની બહાદુરીને કારણે નવ વ્યકિતના જીવ બચ્યા છે તેના કારણે રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા સન્માનીત થાય તેવી દરખાસ્ત કચ્છ પોલીસ દ્વારા રેલવેને મોકલી આપવામાં આવશે.