મેરાન્યૂઝ નેટવર્ક, ભુજ: કચ્છ રાજ પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું તા.28-5ના અવસાન થતાં પરિવારના મોભી તરીકે હનવંતસિંહની તિલક વિધિ પરંપરા મુજબ મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગના હસ્તે કરાઇ હતી. પરંપરા મુજબ રાજ પરિવારના ગાદીપતિના નિધન બાદ તેમના સીધી લીટીના વારસદારોને ગાદી પર બેસાડવામાં આવે છે, જે પરંપરા ભારતમાં આજે પણ યથાવત છે. કચ્છના અંતિમ મહારાવ મદનસિંહનું તા.21-6-1991ના નિધન થતાં તેમના જયેષ્ઠ પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રાગમલજીને રાજ પરિવારની ગાદી પર બેસાડવામાં આવ્યા હતા અને તે મુજબ તેઓ કચ્છ રાજ પરિવારના મોભી બન્યા હતા. પ્રાગમલજીનું તા.28-5ના અવસાન થતાં પરંપરાને જાળવી રાખી મહારાવ મદનસિંહના નાના પુત્ર હનવંતસિંહની કચ્છ રાજ પરિવારના મોભી તરીકે તિલક વિધિનો કાર્યક્રમ રવિવારે શહેરના શરદબાગ ખાતે રાખવામાં આવ્યો હતો.

રાજ પરંપરાથી રક્ત તિલક વિધિ મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગના હસ્તે કરાતી આવી છે ત્યારે આ પરંપરાને આગળ ધપાવતાં હનવંતસિંહની રાજ પરિવારના મોભી તરીકેની રક્ત તિલક વિધિ ધરમશી માતંગના હસ્તે કરાઇ હતી. ત્યારબાદ માતાના મઢ જાગીરના મહંત રાજા બાવાએે હનવંતસિંહને રાજ પરિવારના મોભી તરીકેની પાઘડી પહેરાવી હતી. શાસ્ત્રી કૃપાલ મારાજે પૂજનવિધિ સંપન્ન કરાવી હતી. ત્યારબાદ મોતી જડીત તલવાર હનવંતસિંહને અર્પણ કરાઇ હતી. કોરોનાના પગલે સાદગીથી તિલક વિધિ સંપન્ન કરાઇ હોવાનું હનવંતસિંહ પરિવાર દ્વારા જણાવાયું હતું.

આ પ્રસંગે રાજ પરિવારના રોહિણીદેવી, પ્રતાપસિંહ, શાલિની, અનિરૂધ્ધસિંહ, મેઘદીપસિંહ, ત્રિશુલિની, રઘુરાજસિંહ, માધવીબા તેમજ ક્ષત્રિય અગ્રણી નારાણજી કલુભા જાડેજા, ખેંગારજી વેલુભા જાડેજા, ભરતસિંહ વી. જાડેજા, વિક્રમસિંહ જોરૂભા જાડેજા, કેરા જાગીરના વિજયસિંહ હકુમતસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાણજીભા જાડેજા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, પ્રવીણસિંહ રૂપસંગજી વાઢેર તેમજ દેવરાજ ગઢવી, રામ ગઢવી, મોહન શાહ, મહેશ અંજારિયા, પબુભાઇ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.