મેરાન્યૂઝ નેટવર્ક.ભુજ: કચ્છમાં સોમવારે બપોરે ભુજ પાસે આવેલા માનકુવા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ૧૧ લોકોના મોત નિપજ્યા હતા. જયારે સાત ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણ વાહનો વચ્ચેની ટકકરમાં ઓવરટેક કરીને આગળ જઇ રહેલી ટ્રકે સામે આવી રહેલા એક બાઈક અને છકડાને જોરદાર ટક્કર મારી હતી. જેને કારણે પાંચ વ્યક્તિએ તો ઘટના સ્થળે જ તોડી લીધો હતો જયારે છ વ્યક્તિને સારવાર દરમિયાન તથા હોસ્પિટલમાં લઇ જતી વેળાએ જીવ ગુમાવ્યો હતો. માતાનાં મઢ દર્શન કરીને ભુજ આવી રહેલા એક જ પરિવારનાં વધુ લોકો મોતને ભેટતા હાહાકાર મચી ગયો હતો.

ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ભુજ તાલુકાના માનકુવા ગામ પાસે ડાકડાઈ નજીક પુરપાટ  દોડતી ટ્રકે ઓવરટેક કરતા પહેલા સામેથી રાઈટ સાઈડમાં આવી રહેલા ત્રણ સવારીવાળા બાઇકને હડફેટે લીધી હતી, ત્યાર બાદ બેકાબૂ બનેલા આ ટ્રકે છકડો રિક્ષાને હડફેટે લીધી હતી. આ છકડો રિક્ષામાં ૧૩ પ્રવાસીઓ હતા. જેને કારણે પાંચ વ્યક્તિનાં સ્થળ ઉપર મોત થયુ હતુ. ઘાયલ લોકોને હોસ્પીટલમાં લઇ જતી વેળાએ તથા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ છ વ્યક્તિ મોતને ભેટતા અકસ્માતમાં મરણનો આંક ૧૧ સુધી પહોંચતા હાહાકાર મચી ગયો હતો.

મૃતકોમાં ત્રણ બાળકો, ૫ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.

એક સાથે બબ્બે વાહનોને મોતની ટક્કર મારનાર ટ્રકને ભુજથી આગળ આરટીઓએ પકડી લીધી છે. દરમ્યાન, અકસ્માતના બનાવના સ્થળે અન્ય વાહનચાલકો અકસ્માત ગ્રસ્તોને મદદરુપ બન્યા હતા. મૃતકો તેમ જ ઘાયલોને ભુજની જીકે અદાણી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અત્યારે ઇજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. ગમખ્વાર માર્ગ અકસ્માતે સમગ્ર કચ્છમાં અરેરાટી સર્જી છે. માનકુવા પોલીસની સાથે પશ્ચિમ કચ્છ પોલીસનો અન્ય સ્ટાફ પણ અકસ્માતગ્રસ્તોની મદદે દોડી ગયો હતો. અકસ્માત બાદ રસ્તા ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો.