મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: ગુજરાતી બેકગ્રાઉન્ડ ઉપર તૈયાર થઈ રહેલી અભિનેતા રણવીરસિંહની હિન્દી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'નાં શૂટિંગને લીધે શનિવારે કચ્છનાં સુરાજબારી ટોલનાકે ચારેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. મૂળ કચ્છનાં એવા ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર યશરાજ બેનર હેઠળ ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત તથા સ્ત્રી શસક્તિકરણની થીમવાળી ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું શૂટિંગ હાલ પૂર્વ કચ્છમાં આવેલા જિલ્લાના પ્રવેશદ્વાર સમા સુરાજબારી ટોલનાકે ચાલી રહ્યું છે. શનિવારે અભિનેતા બોમન ઈરાનીનાં કેટલાક દ્રશ્યો શૂટ કરવાના હતા ત્યારે બપોરે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

શુક્રવારે જયારે અચાનક સુરાજબારી પાસે કાર તથા અન્ય વાહનોની વિચિત્ર હરકતને કારણે લોકો અચંબિત થઈ ગયા હતા. બાદમાં ખબર પડી જે અભિનેતા રણવીરસિંહ તથા શાલિની પાંડે તથા બોમન ઈરાની સહિતના બોલીવુડના કલાકારો દ્વારા 'જયેશભાઇ જોરદાર' ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. રણવીરસિંહ આવ્યો હોવાની ખબર પડતા તેના ચાહકો ઉપરાંત શૂટિંગ જોવાની લાલચે લોકો ટોળે વળ્યા હતા. શનિવારે પણ જયારે શૂટિંગ કરવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

અમદાવાદથી કચ્છ તરફ આવતા હાઇવે ઉપર સુરાજબારી ટોલનાકે ફિલ્મનું શૂટિંગ કરવાનું હોવાથી રોડનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે સુરાજબારી ટોલનાકે થી શિકારપુર ચોકડી સુધી ચારેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાંચેક દિવસનાં શિડ્યુલડ સાથે ખાનગી સિક્યોરિટી વ્યવસ્થાને તૈનાત કરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને પગલે વર્ષોથી બોલીવુડની ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. શાહરુખ ખાન ઉપરાંત અહીં દેવાનંદ, અમિતાભ બચ્ચન, સલમાનખાન, અભય દેઓલ વગેરે જેવા ફિલ્મી સિતારાઓ અહીં આવી ચુક્યા છે. દેશ વિદેશમાં ડંકો વગાડનાર ગુજરાતી ફિલ્મ હેલ્લારોની ભૂમિકા તથા શૂટિંગ પણ કચ્છમાં થયું હતું.