મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: છેલ્લા કેટલાય સમયથી કચ્છમાં ઉપરા ઉપરી જુગારની સફળ રેડ કરનાર પોલીસની બોર્ડર રેન્જ દ્વારા પાટણ જિલ્લામાં પણ સપાટો બોલાવવામાં આવ્યો હતો. રેન્જનાં આર.આર.સેલની ભુજની ટીમે પાટણ પોલીસ મથકના વિસ્તારમાંથી તીન પત્તીનો જુગાર રમતા છ વ્યક્તિને ઝડપી તેમની પાસેથી સવા લાખથી પણ વધુની રોકડ રકમ કબજે કરીને ગેમ્બલિંગનો ક્વોલિટી કેસ કર્યો હતો.

જુગાર અને દારૂના કેસની ડ્રાઈવ ચાલતી હોય તેમ છેલ્લા કેટલાક દિવસની બોર્ડર રેન્જ હેઠળના પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ગણનાપાત્ર કામગીરી થઈ રહી છે. ત્યારે બોર્ડર રેન્જનાં ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી)જે.આર.મોથલીયાનાં નેતૃત્વ હેઠળ કામ કરી રહેલા રેપીડ રેસ્ક્યુ(આર.આર) સેલની ટીમે સોમવારે રાતે રેન્જનાં તાબા હેઠળ આવતા પાટણમાં પણ કાર્યવાહી કરી હતી. ભુજની આર.આર.સેલની ટીમનાં સબ ઇન્સ્પેક્ટર જેમ.એમ.જાડેજા પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી કે, અઘાર ગામના પરામાં આવેલ રૂપસિંહ ઓધારસિંહ સોલંકીના ખેતરમાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમવાની સગવડતા પુરી પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.


 

 

 

 

 

આથી તેમણે ઇન્સ્પેક્ટર ભાવિન સુથાર તેમજ સબ ઇન્સ્પેક્ટર એન.વી.રહેવરની સૂચના પ્રમાણે તેમના સ્ટાફનાં ASI નરેન્દ્ર યાદવ અને વનરાજસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોન્સ્ટેબલ ખોડુભા ચુડાસમા  અકબરભાઇ શેખ વગેરેની ટીમ સાથે દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન (૧) ફૈસલ મહંમદયુસુફ સોદાગર, (રહે.અકબરી લોજ, રખતાવાડ, પાટણ) (૨) સુરેશજી અમૃતજી ઠાકોર (રહે.શ્રમજીવી સોસાયટી, રીલાયન્સ પેટ્રોલ પંપ સામે, સીધ્ધપુર ચાર રસ્તા, પાટણ) (૩) મંગાજી જગુજી ઠાકોર (રહે.રામનગર રોડ, પાટણ) (૪) ટીનાજી ઉફે વિક્રમજી બચુજી સોલંકી-ઠાકોર (રહે.અઘાર, માઢપાટી, તા.સરસ્વતી, જિલ્લો.પાટણ) (૫) દિગીશ રમેશચંદ્ર ભટ્ટ (રહે.સી-૧૦, શિવાલય એપાટમેન્ટ, ઘોડાસર, અમદાવાદ) તથા (૬) તારાચંદ શંકરલાલ શ્રીમાળી (રહે.રાજપુર, તા.ડીસા, જી.બનાસકાંઠાવાળા)ને  રોકડા રૂપિયા ૧,૨૯,૦૦૦ સાથે મોબાઇલ ફોન નંગ-૦૭ કિ.રૂા.૨૯,૫૦૦ તથા વાહનો નંગ-૦૨ કિ. રૂા.૪,૨૦,૦૦૦ એમ કુલ મળીને રૂા.૫,૭૮,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી ઝડપી લીધા હતા. તથા અન્ય આરોપીઓ સામે  જુગારધારા-૧૨ મુજબનો ગુન્હો પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો.