મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કચ્છમાં અબડાસાની પેટા ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે તેવામાં એવી ઘટનાઓ બની રહી છે, જેને કારણે કહેવાતી રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડી રહ્યું છે. આવી જ એક ઘટના ભુજમાં બની છે. જેમાં મૂળ કોંગ્રેસનું ગોત્ર ધરાવતા ભાજપનો એક કાર્યકર ઓઇલ ચોરીમાં ઝડપાયો છે. જાહેરમાં ભાજપને ભાંડતા શંકરસિંહ વાઘેલા તાજેતરમાં કચ્છમાં જે ભાજપનાં કાર્યકારને ઘરે મહેમાનગતિ માણી આવ્યા તે શખ્સ સામે ભુજ પોલીસે જપ્ત કરેલા ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવા અંગેનો ગુન્હો દાખલ કર્યો છે. ઓઇલ ચોરીમાં જેનું નામ ખુલ્યું છે તે ભાજપનો આ કાર્યકર કચ્છ યુનિવર્સીટીનો સેનેટ મેમ્બર પણ છે. ત્યારે આ ઘટનાને પગલે કહેવાતી શિસ્તબદ્ધ અને રાષ્ટ્રવાદી પાર્ટીનાં સાચા નેતા અને કાર્યકરો શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

કચ્છનાં ભુજ શહેરની 'બી' ડિવિઝન પોલીસ દવારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો પ્રમાણે, તેમની ટીમનાં ASI નિરુભા ઝાલા પેટ્રોલિંગમાં હતા ત્યારે ભુજ-માધાપર હાઇવે ઉપર પોલીસે જે ટેન્કર સીલ કર્યું હતું તેમાંથી બેઝ ઓઈલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.


 

 

 

 

પ્લાસ્ટિકની પાઇપ તથા મોટર લગાવીને પોલીસે સીલ કરેલા ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરી રહેલા બે શખ્સને પકડીને પૂછપરછ કરવામાં આવતા તેમણે કહ્યું કે, માધાપરમાં રહેતા અમારા શેઠ શ્રવણસિંહ વાઘેલા, હબાયનાં વિરમ ભીમજી કેરાશિયા અને દેવરાજ લખમણ કેરાશિયાનાં કહેવાથી તેઓ ઓઇલ વેચી રહ્યા છે. જે ટેન્કરમાંથી આ વ્યક્તિઓ ઓઇલ વેચી રહ્યા હતા તેને પશ્ચિમ કચ્છ પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા જપ્ત કરીને સીલ કરવામાં આવ્યું હતું. પોલીસે મુદ્દામાલ સાથે પકડાયેલા શખ્સો સહિત શ્રવણ સામે પણ ફરિયાદ દાખલ કરતા અબડાસામાં ભાજપનો પ્રચાર કરી રહેલા નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેનો ફાંકો હતો

મૂળ કોંગ્રેસમાંથી વટલાઈને ભાજપમાં આવેલા શ્રવણને તેના ભાજપમાં રહેલા સગા તથા પોલીસ અધિકારી સાથેના સંબંધનો જબરજસ્ત ફાંકો હતો. જેને કારણે બેફામ અને જાહેરમાં આ પ્રકારની ઓઇલ ચોરીની પ્રવૃત્તિ કરતો હતો. શંકરસિંહ વાઘેલા સાથે અંગત સંબંધની વાતો ભુજ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ બાપલાલ જાડેજાનો જમાઈ હોવાને કારણે તેને કોઈની બીક ન હતી. પરંતુ પોલીસની કડક કાર્યવાહીને કારણે તેની સામે ફરિયાદ દાખલ થતા અબડાસમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જ કોંગ્રેસને ભાજપને આડે હાથ લેવાનો મોકો મળી ગયો હતો.