મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: સામાન્ય રીતે કરવાનાં કામોને બદલે જયારે પોલીસ જરા હટકે કામગીરી કરે ત્યારે તરત લોકોનું ધ્યાન જતું હોય છે. પશ્ચિમ કચ્છ પોલીસનાં અધિકારીઓએ પણ એક કામ એવું કર્યું જે સામાન્ય રીતે સાંસદો કરતા હોય છે. જી હા, સંસદ સભ્ય જેમ કોઈ ગામ દત્તક લઈને તેનો વિકાસ કરવાનું કામ કરે છે તે રીતે પશ્ચિમ કચ્છ પોલીસનાં નખત્રાણા પોલીસ મથક દવારા પણ એક ગામ દત્તક લેવામાં આવ્યું છે. જેમાં પોલીસ અહીં વ્યસન મુક્તિની મુહીમ ચલાવશે.

પશ્ચિમ કચ્છ પોલીસનાં એસપી સૌરભ સિંઘ દ્વારા તેમના પોલીસ બેડામાં આવતા વિસ્તારોમાં વ્યસન મુક્તિની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કાર્યવાહી અસરકારક રહે તે માટે કોઈ એક ગામ કે વિસ્તારને સતત મોનીટરીંગ કરવાનાં આશયથી ગામ દત્તક લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં આવેલા જિયાપર ગામને દત્તક લઈને વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.


 

 

 

 

 જિયાપર ગામે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ, નખત્રાણા વિભાગનાં ડેપ્યુટી એસપી વી.એન.યાદવ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.ભરવાડ દ્વારા ગામ દત્તક લેવાની પ્રક્રિયા સાથે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્પેક્ટર ભરવાડે જણાવ્યું હતું કે, નખત્રાણાના વિભાગીય પોલીસ અધિકારી વી એન યાદવ ની સૂચના મુજબ નખત્રાણા તાલુકાના ગામોને વ્યસન મુક્ત કરવાનાં આશયથી દતક લેવાના છે. જિયાપરને વ્યસન મુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા તેને દતક લેવામાં આવ્યું છે. જેમાં પોલીસ દવારા સતત દેખરેખ રાખવા મા આવશે અને તમામ ચહલ પહલ ઉપર પોલીસ ચાંપતી નજર પણ રાખવામાં આવશે. ગામને વ્યસન મુક્ત કરવા માટે કાયદો અને વ્યવસ્થા પણ સતર્ક કરવા મા આવશે. જેને પરિણામે ગુન્હાખોરીનો ગ્રાફ પણ ઘટશે. સાથે સાથે યુવા વર્ગને સાચી દિશા પણ  પ્રાપ્ત થશે.

 

આ અભિયાન ને જોઈ અન્ય ગામો પણ સ્વેચ્છાએ વ્યસન મુક્ત ગામ બને એ ઇચ્છનીય છે અને લોક સહયોગથી પશ્ચિમ કચ્છ પોલીસ અંતર્ગત આવતા તમામ ગામ આ અભિયાનમા સહયોગી બને એવો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.ગામને દત્તક લેવા માટે જિયાપર ગ્રામ્યજનો તેમજ પંચાયત દવારા પૂરતો સહયોગ કરવામાં આવ્યો હતો.