મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: સમગ્ર દેશ અત્યારે કોરોનાનાં સકંજામાં છે અને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેનો અમલ કરાવતી પોલીસનાં કેટલાક ઉમદા કાર્યો પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસની વાત કરીએ તો લોકડાઉનનાં કડકાઈ ભર્યા અમલની સાથે સાથે ગરીબો અને એકલા રહેતા લોકો માટે ફૂડ પેકેટ આપવાની હૃદયસ્પર્શી કામગીરીની હકીકત બહાર આવી છે. ખાવડા અને નખત્રાણાની આસપાસનાં વિસ્તારોમાં આજે મંગળવારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પાંચસોથી વધુ જરૂરિયાતમંદ લોકોને પોલીસની વિવિધ ટીમ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.

લોકડાઉનનાં કડક અમલ વચ્ચે ગરીબ અને નિરાધાર લોકો ભૂખ્યા ન રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસે  સ્વયંસેવી સંસ્થાની મદદથી આ કામ કર્યું હતું. લોકડાઉનમાં જયારે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે ત્યારે સમાજનો એવો તબકો જેમનું કોઈ જ નથી એવા લોકો માટે પોલીસે આ ઉમદા કામ હાથ ધર્યું હતું. આગામી દિવસોમાં કચ્છમાં એવા ચાર હજારથી વધુ લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેમને ફૂડ પેકેટ આપવામાં આવનારા છે.

લોકડાઉનની સ્થિતિ વચ્ચે સતત લોકોને જાગૃત કરવા માટે પોલીસ અધિકારીઓનું લોકેશન લેવામાં આવી રહ્યું છે. પોલીસનાં પગલા અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત વ્યક્તિની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા થર્મલ ગનની માંગણી કરવામાં આવી છે. જે રોડ ઉપર ચેકીંગ કરીને તરત જ  વ્યક્તિને ઓળખી લેશે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસને ફાળવવામાં આવેલી SRPની કંપનીના માણસોને ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને જયાં વધુ લોકો ભીડમાં જોવા મળે છે તેવા કેરા, બળદીયા,નખત્રાણા, માધાપર વગેરે જેવા ગામોમાં પોલીસને કડકાઇથી લોકડાઉનનો અમલ કરવાની સુચના આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

પોલીસ બિરદાવે પણ છે
સરકારી તંત્રની સાથે સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ મુશ્કેલીની ઘડીમાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. કડક છાપ ધરાવતી પોલીસ ન માત્ર સંસાથોને મદદ કરે છે પરંતુ તેમના આવા ઉમદા કામને બિરદાવે પણ છે. ભુજમાં આવેલા હ્યુમન હેલ્પ સેન્ટર ઓફ કચ્છ ફોર મેડિકલ એન્ડ એજ્યુકેશન અને મુસાફર જમાતખાના દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને આશરો આપવામાં આવી રહ્યો છે. સંસ્થાના આ ઉમદા કાર્ય બદલ બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ પત્ર લખીને એ.વાય.અકબાનીને અભિનંદન આપ્યા હતા.