મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ: મુન્દ્રા પોલીસ દ્વારા પકડવામાં આવેલા યુવાનનું કસ્ટડીમાં જ મોત નિપજતા ત્રણ પોલીસ જવાન સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકાનાં સમાઘોઘા ગામનાં યુવાનનું મુન્દ્રા પોલીસનાં લોકઅપમાં થર્ડ ડીગ્રી કહી શકાય તેવી કાર્યવાહીને પગલે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

પોલીસનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ઘરફોડ ચીરીનાં એક મામલામાં મુન્દ્રા તાલુકાનાં સમાઘોઘા ગામનાં અરજણ ખેરાજ ગઢવી નામનાં યુવાનને પોલીસે પકડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસ કસ્ટડી દરમિયાન ગુપ્તાંગમાં પેટ્રોલના કપડાંથી પરેશાન કરવામાં આવ્યો હતો. તેમજ શોક પણ આપવામાં આવ્યો હતો. જેને પગલે તેનું મોત થયું હોવાનું આક્ષેપ તેના ભાઈ દેવરાજ ગઢવી દ્વારા કરવામાં આવતા મુન્દ્રા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ શક્તિ ગોહિલ, અશોક કન્નર અને જયદેવ ઝાલા નામના શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ગઢવી યુવાનનું મોત થતા કચ્છનાં સમગ્ર ગઢવી સમાજમાં પોલીસ પ્રત્યે રોષ ફાટી નીકળ્યો ગતો. જેને પગલે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ આ મામલામાં કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ચારણ સમાજનાં યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત થવાને પગલે ભારે ચકચાર અને આક્રોશ છે. તેવામાં કચ્છનાં માંડવી ક્ષેત્રનાં ધારાસભ્ય ધ્વારા આજે અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી. જેમાં તેમણે આ મામલે રાજ્ય કક્ષાનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય ધ્વારા આ રીતે જાહેરાત આપવાને પગલે તેમની ઉપર ચારણ સમાજનું કેટલું પ્રેસર આવ્યું હશે તે સમજી શકાય તેવી વાત છે