મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ : ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક આખુ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. એક તરફ જયાં કચ્છની પાંચ નગર પાલિકા અને જિલ્લા પંચાયત તેમજ દસ તાલુકા પંચાયતમાં મતદાનની ટકાવારી 55 થી 59 ટકા સુધી રહી હતી. ત્યાં ભુજ તાલુકાનાં એક આખા ગામે મત ન આપવાનો નિર્ણય કરતા છેલ્લી ઘડીએ તંત્ર અને નેતાઓ દોડતા થઈ ગયા હતા.

ભુજ તાલુકાનાં દેશલપર ગામની એક સરકારી જમીન ટ્રસ્ટને આપી દેવાને મામલે ગ્રામજનોનો રોષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યો હતો. જયાં રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન આ ગામમાંથી એક પણ વોટ પડ્યો ન હતો. ગામ આખાને જયાંથી પાણી મળે છે તેવી જમીન તંત્ર દ્વારા એક ટ્રસ્ટને આપી દેવાને મુદ્દે ગ્રામજનો લાંબા સમયથી કચ્છનાં તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી ચુક્યા છે. તેમ છતા કોઈ નિર્ણય ન આવતા છેવટે ગામનાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. જેને પગલે આજે દિવસ દરમિયાન ત્રણ મતદાન મથકમાં કાગડા ઉડ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.


 

 

 

 

 

દરમિયાન આજે થયેલા મતદાનમાં કચ્છની નગર પાલિકામાં સરેરાશ 50.82 ટકા વોટ પડ્યા હતા. જેમાં સૌથી વધુ મતદાન નવી જાહેર થયેલી મુન્દ્રા બારોઇ પાલિકામાં 70.08 જેટલું જંગી મતદાન થયું હતું. જિલ્લા મથક ભુજની પાલિકામાં 49.41 ટકા, માંડવીમાં 63.35, અંજારમાં 54.60 અને ગાંધીધામમાં 44.61 ટકા જેટલું વોટિંગ થયું હતું.

જિલ્લા પંચાયત માટેની 40 બેઠક માટે 63.24 ટકા સરેરાશ મત પડ્યા હતા. જયારે કચ્છની 10 તાલુકા પંચાયતમાં એવરેજ 63.37 વોટિંગ થયું હતું. જેમાં સૌથી વધુ લખપત તાલુકાની પંચાયત માટે 78.10 અને સૌથી ઓછું ગાંધીધામ તાલુકા પંચાયતમાં 57.10 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

MP આવ્યા, MLA ફરકયા પણ નહીં

ભુજ તાલુકાનાં દેશલપર ગામનાં લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય કરતા કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા શનિવારે રાતે જ ગામમાં પહોંચી ગયા હતા. અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અલબત્ત જેમના ક્ષેત્રમાં આ ગામ આવે છે તેવા ભુજ વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા આ મામલે કોઈજ સક્રિયતા ન દાખવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. દેશલપર ગામનાં સરપંચ મનીષાબેન ભગતે આ અંગે કહ્યું કે, લાંબા સમયથી અમે રજુઆત કરી રહ્યા છીએ છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે અમે લોકોએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. ધારાસભ્ય નીમાબેનનાં અભિગમથી ગામ લોકો નારાજ હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજ બાજુ વહીવટી તંત્રનાં વડા એવા કલેક્ટર પણ આ મામલે સાવ નિષ્ક્રિય રહ્યા હોવાનો દાવો ગ્રામજનોએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છનાં મહિલા કલેક્ટર પ્રવીણા ડી.કે. ચૂંટણી તો ઠીક સામાન્ય બાબતે પણ મીડિયાથી માંડીને સામાન્ય લોકો પ્રત્યે અળગા રહેતા હોય તેવી બૂમ લાંબા સમયથી પડી છે. મોટી કંપનીઓનાં અધિકારીઓ સાથે સતત વ્યસ્ત રહેતા કલેક્ટરે જો સમયસર દેશલપર ગામની સમસ્યા ઉપર ફોક્સ કર્યું હોત તો આ સમસ્યા ન આવી હોત તેવું સૂત્રોએ જણાવ્યું હતું.


 

 

 

 

 

મતદાન પહેલા જ 'આપ'નો ઉમેદવાર વટલાઈ ગયો

સુરતમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) દવારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેવામાં પંચાયતોમાં ખાસ કરીને નગર પાલિકામાં 'આપ'નાં દેખાવ અંગે લોકોમાં શંકા જોવા મળી હતી. ભુજ નગર પાલિકામાં આમ આદમી પાર્ટીનાં વોર્ડ નંબર પાંચનાં ઉમેદવાર વિનોદ ઠક્કરે મતદાન પહેલા જ ભાજપમાં વટલાઈ ગયા હતા. સ્થાનિક અખબારમાં પોતે ભાજપનાં રંગે રંગાઈ ગયા હોવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટી માટે ભુજમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતી સર્જાય હતી.