મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ આપણે ત્યાં સામાન્યતઃ કોઈ એડ્રેસ પુછવા આવે તો પણ ઘરના મોભી પુરુષનું નામ લેતા હોય છે અથવા પુરુષના નામે ઘર ઓળખાતું હોય છે, પણ જો તમને ખબર પડે કે ગુજરાતમાં આવું પણ એક ગામ છે જ્યાં દીકરીના નામે તેનું ઘર અને શેરી ઓળખાય છે તો કેવી ખુશી થાય છે. કારણ દીકરીને આપણે પ્રેમ તો કરીએ છીએ પણ જ્યારે તેમને તેનો હક્ક મળે ત્યારે આપણને આવો જ અનુભવ થાય છે. આવું જ એક ગામ ગુજરાતના કચ્છમાં આવેલા માંડવી તાલુકાના મસ્કા ગામમાં થાય છે. અહીં ગામમાં દીકરીઓને પ્રોત્સાહીત કરવા ઘણો સરાહનીય પ્રયત્ન કરાઈ રહ્યો છે.
Advertisement
 
 
 
 
 
કચ્છના માંડવી તાલુકામાં આવેલા મસ્કા ગામે બેટી બચાવો, બેટી ભણાવોના લગભગ દરેક ઘર પાસે લોગો જોવા મળે છે જ્યાં તેની નીચે દીકરીનું નામ લખાય છે. આપણે ત્યાં લગભગ નેમ પ્લેટ લગાવાય છે તે જ રીતે અહીં આ પ્રમાણે લોગો લગાવાય છે. અહીં જે દીકરી સારુ ભણે તેના નામે ઘર, રસ્તા અને શેરીનું નામ રાખવામાં આવે છે. જેથી દીકરી પણ પ્રોત્સાહીત થાય છે. શેરીમાં જે સૌથી વધુ ભણી હોય તે દીકરીના નામે શેરીને ઓળખવામાં આવે છે. એક રીતે કહી શકાય કે શેરીની ઓળખ મેળવવા હરીફાઈ થાય અને દીકરીઓ પોતાને ભણવામાં કોઈ સારા કામમાં આગળ વધારવાનો જુસ્સો મેળવે છે.
અહીં કચ્છમાં પહેલી વખત બાલિકા ઘર અને બારલિકા પંચાયત બની છે જેમાં વિકાસના કામ, સરકારની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. વિધવા, નિરાધાર, બીમારોને લગતી સહાત બાલિકા પંચાયતના માધ્યમથી પુરી પાડવામાં આવે છે. દીકરીઓને શારીરિક સ્વસ્થ બનાવવા કરાટે ક્લાસ, આત્મરક્ષણ તાલિમ, મહિલાઓ માટે ડ્રાઈવિંગ સ્કૂલ અને લાયસન્સનું પણ આયોજન કરાય છે. જેથી દીકરીઓને સશક્ત અને સ્વનિર્ભર બનાવી શકાય. આત્મ નિર્ભર યોજના અંતર્ગત અહીં સીવણ અને બ્યૂટી પાર્લર ક્લાસ પણ કરાવાય છે. આ ગામે જે પ્રયત્નો દીકરીઓને આગળ લાવવા કર્યા છે તેમના તમામ પ્રયત્નો સફળ રહે અને દીકરીઓ આગળ વધે તેવી મેરાન્યૂઝની હંમેશ પ્રાથના રહેશે.