મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: મુન્દ્રાનાં કસ્ટોડીયલ પ્રકરણમાં ગયા શનિવારે બીજુ મોત થતા કચ્છનાં ગઢવી-ચારણ સમાજ જ નહીં પરંતુ તમામ તબકાનાં લોકોમાં પોલીસનાં દમન સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આ રોષ સજ્જડ બંધનાં સ્વરૂપે સોમવારે જોવા મળ્યો હતો. લોકોનાં શાંતિપૂર્ણ બંધ અબે પોલીસનાં ધીરજ યુક્ત બંદોબસ્તને લીધે આજનો દિવસ શાંતિપૂર્ણ રીતે અજંપાભરી પરિસ્થિતિમાં પસાર થયો હતો.

મુન્દ્રા તાલુકાનાં સમાઘોઘા ગામનાં યુવાનનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા પછી માત્ર ગઢવી સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને પગલે સોમવારે કચ્છ ગઢવી-ચારણ સમાજ દ્વારા માંડવી-મુન્દ્રમાં બંધ પાળીને વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને તમામ ધર્મ અને સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું. જેને લઈને ન માત્ર મુન્દ્રા તાલુકામાં, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. બીજી બાજુ પોલીસ પણ લોકોનાં આ રોષનો લાભ કોઈ અસામાજિક તત્વો ન લઈ જાય તે માટે સોમવાર સવારથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં આવી ગઈ હતી. અને સાંજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા કચ્છનાં લોકોની સાથે સાથે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.


 

 

 

 

 

દરમિયાન 22 વર્ષના હરજૂગ ગઢવીનાં મોત પછી ઉભી થયેલી સ્થિતમાં બંને પક્ષે શાંતિપૂર્ણ રીતે ચર્ચા વિચારણા કર્યા પછી મૃતદેહ લેવાનું સ્વીકાર્યું હતું. જેને કારણે જે અજંપાભરી સ્થિત હતી તેમાં રાહત મળી હતી.

શરૂઆતથી જ વિવાદાસ્પદ એવા સમગ્ર મામલામાં બેદરકારી દાખવવા બદલ મુન્દ્રા પોલીસ સ્ટેશનનાં તત્કાલીન ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કર્યા પછી GRDનાં એક જવાનની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જયારે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા અને અશોક કનાડને શરૂઆતમાં FIRમાં આરોપી તરીકે દર્શાવ્યા બાદ કપિલ દેસાઈ ગફુરજી ઠાકોર અને સમાઘોઘા ગામનાં ભૂતપૂર્વ સરપંચ વિક્રમ જાડેજા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. જોકે જયારથી આ બનાવ બહાર આવ્યો ત્યારથી આ આરોપીઓ ફરાર થઈ ગયા છે. જેને લીધે કચ્છનાં લોકોમાં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.