મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ: થોડા દિવસો પહેલા જયારે સુરતમાં શિક્ષકોને સ્મશાનમાં કોવિડ અંગેની ડ્યુટી આપવામાં આવી ત્યારે ભારે હંગામો થયો હતો. અને ત્યારબાદ ભારે વિવાદ પછી ભાંગરો વટાઇ ગયાનું ભાન થતા સુરતનાં તંત્રએ તેને સુધારી લીધું હતું. આવું જ કઈંક કચ્છમાં પણ થયું છે. કચ્છનાં દસ પૈકી માત્ર ગાંધીધામ તાલુકામાં શિક્ષકોને ખાનગી કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ પ્રમાણે ડ્યુટી સોંપવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. સવારે છથી રાતનાં નવ વાગ્યા સુધી, બે શિફ્ટમાં 75 શિક્ષકોએ 15 જેટલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવવાની રહેશે.

ગાંધીધામ તાલુકા પંચાયત દ્વારા ત્રીજી મેના રોજ કરવામાં આવેલા આ કાર્યાલય આદેશમાં અંજાર પ્રાંતમાં કોવિડના કેસ વધી ગયા હોવાનું જણાવીને 75 શિક્ષકને ખાનગી હોસ્પિટલમાં ફરજ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પાંચ દિવસનાં રોટેશનમાં ફરજ કરવાની વાત કરવામાં આવેલી છે. 75 શિક્ષકો ઉપર 'નજર' રાખવાની જવાબદારી સીઆરસી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે


 

 

 

 

 

આ અંગે કચ્છનાં ડીડીઓ ભવ્ય વર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે તેઓ આ પ્રકારનાં હુકમથી અજાણ છે અને ઓર્ડરની કોપી જોવા માંગી હતી. ત્યારબાદ વારંવાર વર્માનો સંપર્ક કરતા તેઓ સતત નો રીપ્લાય થયા હતા. બીજી તરફ ગાંધીધામતાલુકાનાં શિક્ષણ અધિકારી કૃપાલી વાગડીયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, પ્રાંત તરફથી મળેલી સૂચના મુજબ ઓર્ડર કરવામાં આવ્યો છે. દર વખતે જયારે કોરોનાના કેસ વધે ત્યારે અમે આ પ્રમાણે ઓર્ડર કરતા હોઈએ છીએ. જેમાં શિક્ષકોને હોસ્પિટલમાંથી માહિતી મેળવી પ્રાંતમાં મોકલવાની રહે છે.

75 શિક્ષકોને ખાનગી હોસ્પિટલમાં જોતરી દેવા પાછળ જેમનું ભેજું કામ કરી ગયું તેવા અંજારના પ્રાંત અધિકારી વિમલ જોષી પહેલા તો વાત કરવાનું ટાળતા હોય તેમ કોલ રિસીવ કર્યા ન હતા. સતત કોલ કરવાને પગલે તેમણે વાત કરતા જણાવ્યું કે, તમામ વિભાગના લોકોની મદદ લેવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધે છે કે ઘટે તે અંગે તેઓ હાલ કાંઈ ન કહી શકે તેમ ઉમેર્યું હતું.

સાચું કોણ, સરકાર કે તંત્ર..?

અલગ અલગ નિવેદન અને સંકલનનાં અભાવે રાજ્ય સરકારની કોર્ટમાં તેમજ જાહેરમાં કિરકિરી થઈ રહી છે ત્યારે કચ્છનાં ગાંધીધામ તાલુકમાં પણ કઈંક આવું જ થયું છે. ડીડીઓ રોજ ટ્વીટર ઉપર અને સરકાર અખબારોમાં એવી જાહેરાત કરે છે કે, કોરોના કેસ ઘટી રહ્યા છે. તેવામાં ગાંધીધામ તાલુકા પંચાયતનાં હુકમમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા વધતા આ ઓર્ડર કરવામાં આવ્યો છે. અંજારના પ્રાંત અધિકારી પણ આંકડાઓની માહિતી અંગે વાતને ફેરવીને વાત કરતા હોય તેવું તેમની સાથેની વાતચીતમાં જણાયું હતું.


 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.