મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ: લાંબા સમયથી કચ્છમાં, ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બે નંબરનાં ધંધા હપ્તો આપીને ચાલી રહ્યા છે ત્યારે આશ્ચર્યજનક રીતે પશ્ચિમ કચ્છ પોલીસની હદમાંથી જુગાર ક્લબ ઝડપાઇ છે. ગુજરાત સરકારનાં એક રાજ્ય કક્ષાના મંત્રીની મીઠી નજર હેઠળ ચાલતી જુગાર ક્લબ ઉપર રાજ્યનાં ડીજીપીની સ્કોડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાનાં ગૃહમંત્રી કચ્છની મુલાકાતે હતા તેવા સમયે જ ડીજીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડા સહિત કચ્છનાં રાજકારણમાં પણ જુગારનો આ ક્વોલિટી કેસ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ રેડમાં 17 જુગારીને 11 લાખથી વધુની રોકડ રકમ ઉપરાંત મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા.

DGPની સીધી દેખરેખ હેઠળ કામ કરતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રવિવારે પૂર્વ અને પશ્ચિમ પોલીસ બેડાની સીમમાં આવતા ચુબડક ગામની સીમમાં આ રેડ કરવામાં આવી હતી. સુત્રોનું માનીએ તો, સ્થાનિક પોલીસની તેમજ એક મંત્રીની મીઠી નજર હેઠળ આ જુગારની ક્લબ ચાલતી હતી. ડિજીના સેલ દ્વારા જયારે આ રેડ કરવામાં આવી ત્યારે રાજ્યના ગૃહમંત્રી કચ્છમાં જ હતા. સેલ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 17 જુગારી પકડાયા હતા. પોલીસે સત્તાવાર 11 લાખની રોકડ રકમ અને મુદ્દામાલ કબજે કર્યો છે. જુગાર રમતા પકડાયેલા મોટાભાગના ખેલીઓ અંજારના ધારાસભ્ય તથા મંત્રી વાસણ આહીરના ગામ રતનાલનાં છે.

Advertisement


 

 

 

 

 

ક્લબની સીમાને મામલે વિવાદ સર્જાયો

પશ્ચિમ કચ્છનાં એસપી દ્વારા તમામ પ્રકારનાં બે નંબરી ધંધાઓ સામે લાલ આંખ કરવામાં આવેલી છે ત્યારે મંત્રીની મીઠી નજર હેઠળ આ જુગાર ક્લબને જાણી જોઈને બે પોલીસ બેડા, પૂર્વ અને પશ્ચિમની હદમાં એવી રીતે સેટ કરવામાં આવી હતી કે, જયારે પણ કાર્યવાહી થાય ત્યારે સીમા વિવાદનો લાભ લઇ શકાય. અને બન્યું પણ એવું જ. લાંબા વિવાદ પછી જુગારની ક્લબ પશ્ચિમ કચ્છ પોલીસનાં પધ્ધર પોલીસ મથકની હદમાં આવે છે તેવું નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રોનું માનીએ તો જુગાર ક્લબને રેન્જ કક્ષાએ કેટલાક ભ્રષ્ટ કર્મચારી તથા સ્થાનિક પોલીસનાં એક બદલી થયેલા પરંતુ છુટ્ટા ન થયેલા એક પોલીસ કર્મચારી ઉપરાંત એક સબ ઇન્સ્પેક્ટર દ્વારા રક્ષણ મળતું હતું. અલબત્ત આ વાતને સત્તાવાર સમર્થન મળતું નથી.