મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કરોડો રૂપિયાનું પોસ્ટનું કૌભાંડ આચરનાર સચિન ઠક્કરને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે. સવારે ભુજ પોલીસ સ્ટેશનમાંથી સચિન ફરાર થઈ જતા પશ્ચિમ કચ્છ જિલ્લા સહિતની તમામ પોલીસ હરકતમાં આવી ગયી હતી. અને ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)એ તેને ભુજમાંથી જ દબોચી લીધો હતો.

ભુજનાં 'એ' ડિવિઝન પોલિસ મથકમાંથી સચિન શનિવારે સવારે નવ વાગે ભાગી ગયો હતો. સાફ સફાઈ દરમિયાન પોલીસની નજર ચૂકવીને સચિન ભાગી જવાની વાતથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ભુજમાં પણ સચિનના ભાગી જવાના સમાચારથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.


 

 

 

 

 

હાઈપ્રોફાઈલ આર્થિક ગુન્હાનો આરોપી પોલીસ મથકમાંથી ભાગી જવાની ઘટનાને એસપી સૌરભસિંગએ ગંભીરતાથી લઈને તમામને એલર્ટ કરી દીધા હતા. તમામ પોલીસ મથક, એલસીબી અને એસઓજી ઉપરાંત તમામ બ્રાન્ચના કર્મચારીઓને સચીનનો પત્તો મેળવવા એક્ટિવ કરી દેવાયા હતા. તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં સબ ઇન્સ્પેક્ટર સિદ્ધરાજસિંહ રાણાની ટીમને બાતમી મળી કે, સચિન ઘનશ્યામનગરમાં સંતાયો છે. સચિન ત્યાં પોસ્ટ વિભાગનાં એક કર્મચારીને ઘરે છુપાયો હતો. પોલીસે તરત જ તેને ઝડપી લઈને ફરી પાછો લોકઅપમાં ધકેલી દીધો હતો. આ અંગે એસપી સૌરભસિંગએ કહ્યું કે, સચિન ખૂંખાર કે ટિપિકલ અપરાધી ન હતો. એટલે અમને એટલી તો ખબર હતી જ કે તે ભુજમાં જ કયાંક છુપાયો છે. એટલે અમારી પોલીસે આ દિશામાં સક્રિય થઈ હતી. જેને પરિણામે તે પકડાય ગયો હતો.