જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): પોલીસ અને આરોપીઓ સાથેની સાંઠગાંઠને લઈને પશ્ચિમ કચ્છ પોલીસના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ સામે અવારનવાર આક્ષેપ થઈ ચૂક્યા છે. દરમિયાન એક કુખ્યાત ચીટરની ધરપકડની માહિતી અને તેનો ફોટો પ્રસિદ્ધ કરવાની ઘટનામાં વિવાદ સર્જાયો છે. જેમાં ન્યૂઝ રિલેટેડ એક વોટ્સએપમાંથી ચાર સિનિયર પત્રકારોને પોલીસે દબાણ કરીને રિમૂવ કરાયા હોવાની વાતે વિવાદ થયો છે. લાખો રૂપિયાનું ચિટિંગ કરનાર આરોપી અંગેની પ્રેસનોટ તથા તેના ફોટો ન મુકવા અંગે આ પત્રકારોએ વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી હતી અને ત્યારબાદ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. છેવટે વોટ્સએપ ગ્રુપના એડમીન તરીકે એક પત્રકાર ઉપર પોલીસ અધિકારીઓએ દબાણ કરીને ચાર પત્રકારને રિમૂવ કરાવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

અબ્દુલ કાસમ બજાણીયા નામનાં કુખ્યાત ચીટરની ધરપકડ થયાના કલાકો સુધી તેની વિગતો 'પ્રેસ રિલીઝ' નામના ગ્રુપમાં ન મુકવામાં આવતા પત્રકારોએ આ અંગે પોસ્ટ કરી માહિતી માગવાનું શરૂ કર્યું હતું. આ વોટ્સએપ ગ્રુપમાં બોર્ડર રેંજના આઈજી, કચ્છ કલેક્ટર ઉપરાંત કચ્છમાં ફરજ બજાવતા અન્ય આઈએએસ અને આઇપીએસ ઓફિસર્સ તેમજ પત્રકારો છે. જેને પગલે પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંધે આ ઘટનાને ગંભીરતાથી લઈને સાંજ સુધીમાં ચીટર બજાણીયાની ધરપકડ અંગેની પ્રેસનોટ તેમજ ફોટો ઉપલબ્ધ કરાવ્યો હતો. જોકે તે સમય દરમિયાન કેટલાક પત્રકારો દ્વારા ચીટરની વિગતો ન આપવા અંગે પોલીસની ભૂમિકાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં પત્રકાર અને પોલીસ અધિકારીઓની આ ચેટિંગને કડક અને પ્રમાણિક આઇપીએસ અધિકારીની છાપ ધરાવતા ભુજ એસપી સૌરભસિંઘે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને તેમના સ્ટાફને જેમ બને એમ ઝડપી માહિતી મીડિયાને મળે તે માટે તાકીદ કરી હતી.

છેતરપિંડીના કેસમાં એસપીની સક્રીયતાને પગલે આ મામલામાં 'પલળેલા' કેટલાક પોલીસ અધિકારીઓને રેલો આવતા તેમણે 'પ્રેસ રીલીઝ' ગ્રુપ ચલાવતા કચ્છનાં રાપર ખાતે રહેતા પત્રકાર મુકેશ રાજગોરને દબાણ કર્યું હતું. જેને વશ થઈને સિનિયર જર્નલિસ્ટ તુષાર માહેશ્વરી, નાદિરભાઈ અંદાની, રાજુભાઇ ઠક્કર અને કરણ ઠક્કરને વોટ્સએપ ગ્રુપમાંથી એડમીન મુકેશ રાજગોરે રિમૂવ કરી દીધા હતા. સૂત્રોનું માનીએ તો મુકેશ રાજગોરે આ મામલે પોલીસનું બહુ પ્રેસર હોવાનું અન્ય પત્રકારોની વાતચીતમાં કબુલ્યું હતું.

પોલીસ દ્વારા આરોપીઓને બચાવવા તથા રૂપિયાની લાલચમાં લોકોને દબાવવામાં આવતા હોવાના કિસ્સાઓ તો અવારનવાર બહાર આવતા હોય છે. પરંતુ એક ચીટર આરોપીના ન્યૂઝ અંગે પત્રકારોને આ રીતે ન્યૂઝ ગ્રુપમાંથી દબાણ કરીને રિમૂવ કરવામાં આવ્યા હોય તેવી કદાચ કચ્છની આ પ્રથમ ઘટના હશે.

Advertisement


 

 

 

 

 

ભુજનાં DySP જયેશ પંચાલની ભૂમિકાને લઈને ઉભો થયેલો વિવાદ

એક કથિત આક્ષેપ પ્રમાણે ભૂતકાળમાં છેતરપિંડીના ત્રણ કેસમાં પોલીસ ચોપડે ચઢેલા ચીટર બજાણીયા અને ભુજનાં ડેપ્યુટી એસપી જયેશ એન. પંચાલના કનેક્શનને લઈને પણ ખાસ્સો એવો વિવાદ થયેલો છે જેમાં આક્ષેપ એવો હતો કે, રાજકોટના એક યુવા વેપારીને છેતરવાના કેસમાં પોલીસ ફરિયાદ થયાના સાતેક મહિના પછી બજાણીયાને કોર્ટે દ્વારા આગોતરા જામીન મળ્યા હતા અને તે વખતે મહિનાઓ સુધી બજાણીયાને ન પકડવા પાછળ ડીવાયએસપી જે. એન. પંચાલની ભૂમિકા હોવાનો આક્ષેપ થયેલો. આ વખતે પણ બજાણીયાની ધરપકડ અંગેના ન્યૂઝ દબાવવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે પંચાલ હજુ પણ ભુજનાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગાંધીનગર ગૃહ વિભાગનાં સૂત્રોનું માનીએ તો, નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલ સામે તપાસ કરવા માટે ભુજ હેડ ક્વાર્ટરનાં ડીવાયએસપી બી. એમ. દેસાઈને તપાસ પણ સોંપવવામાં આવી હતી. જેમાં તત્કાલીન ડીજી શિવાનંદ ઝાએ પણ રેન્જ આઈજીની ભલામણ ગ્રાહ્ય રાખીને તેને સરકાર સમક્ષ મૂકી હતી. જેમાં ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનાં હુકમ થયા હતા.

ભુજમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી કરવા દરમિયાન જે. એન. પંચાલને ડીવાયએસપીનું પ્રમોશન આવ્યું હતું અને તેમને કચ્છમાં જ ભુજ ડિવિઝનના ડીવાયએસપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. પાંચેક વર્ષથી કચ્છ ભુજમાં ફરજ બજાવતા હોવાને કારણે ડીવાયએસપી જે. એન. પંચાલને હેરાન કરવા માટે પણ આવા આક્ષેપો થયા હોવાની શક્યતાને પગલે 'મેરાન્યૂઝ' દ્વારા તેમની ઉપર થયેલા ઉપરોક્ત તમામ કથિત આક્ષેપો અંગે પૂછવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક જયેશ પંચાલે બજાણીયાના કનેક્શનથી માંડીને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી તપાસ અંગેનો સાફ ઇન્કાર કર્યો હતો. તેમણે તમામ બાબતોને અયોગ્ય અને પાયાવિહોણી ગણાવી ફગાવી હતી.

Advertisement