મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ કચ્છમાં સામાન્ય રીતે પવનચક્કીની કંપનીઓ માટે એવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે કે, કંપનીઓ નિયમોનો ભંગ કરીને કામ કરી રહી છે. પરંતુ હકીકત જુદી છે. આવો જ એક કિસ્સામાં પોલીસ ફરિયાદ થઈ છે. જેમાં નખત્રાણા તાલુકાના મોરગર ગામનાં એક ખેડૂત તથા તેના પિતા, ભાઈ અને દીકરા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ખેડૂતે અડધા કરોડ જેટલી માતબર રકમ લીધા પછી પણ પવનચક્કીની કંપનીને તેના ખેતર ઉપરથી વીજ વાયર પસાર કરવાની ના પાડી દીધી છે અને કામ કરવા આવેલા કર્મચારીઓને ધાક ધમકી આપતા સમગ્ર મામલો પોલીસનાં ચોપડે ચઢ્યો છે.

નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે, મોરગર ગામનાં ખેડૂત અમૃતલાલ કાનજીભાઈ પટેલ ઉર્ફે એ.કે.પટેલે તા. ૦૭/૦૨/૨૦૨૦નાં રોજ પવનચક્કીની કંપની સાથે તેના બે સર્વે નંબર ઉપરથી પસાર થવા અંગે અડધા કરોડ એટલે કે 47 લાખ જેટલી માતબર રકમ ચેકથી મેળવીને આ અંગેનો એગ્રીમેન્ટ કર્યો હતો. ત્યારબાદ કોરોનાને કારણે લોકડાઉન આવી જતા પવનચક્કીની કંપની ત્યાં ખેતર ઉપરથી વાયર પસાર કરવાનું કામ કરી શકી ન હતી. થોડા દિવસ પહેલા જ્યારે કંપનીનાં કર્મચારીઓ અને મજૂર ત્યાં કામ કરવા ગયા ત્યારે એ.કે.પટેલ અને તેના પિતા કાનજી મનજી પટેલ, ભાઈ પ્રવિણ કાનજી પટેલ તથા દિકરા સચિન પટેલે તેમને કામ કરતા અટકાવીને વધુ રૂપિયાની માંગણી કરી હતી.

એક વખત એગ્રીમેન્ટ કર્યા પછી અને તે વખતનો વળતર અંગેનો સૌથી ઊંચો ભાવ આપ્યો હોવાથી કંપનીએ એ.કે.પટેલ અને તેના પરિવારજનોને વળતર માટેની વધુ રકમ આપવાનો સાફ ઇનકાર કરી દેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કંપનીના માણસોને જાનથી મારી નાખવાની ધમકી આપી ખેતર ઉપરથી પસાર થતા વાયર નાખતા અટકાવ્યા હતા. આ અંગે કંપનીએ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે નખત્રાણા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવતા તેમની સામે સાત વર્ષ સુધીની સજા થાય તેવી આઈપીસીની વિવિધ કલમો 406, 506 (2), 294 (ખ) અને 114 મુજબ એફઆઈઆર કરવામાં આવી છે. 

વૃદ્ધ બાપને ટાવર ઉપર ચઢાવ્યો

અડધા કરોડ જેટલી માતબર રકમ વળતર સ્વરૂપે મળી હોવા છતાં વધુ રૂપિયા ખંખેરવાની લાલચમાં એ.કે.પટેલ નામનાં આ ખેડૂતે તમામ મર્યાદાઓ વટાવી હતી. જેમાં એક તબક્કે તો તેણે તેનાં વયોવૃદ્ધ બાપને ઉશ્કેરીને વીજ ટાવર ઉપર ચઢાવી દીધો હતો. વૃદ્ધ પિતા કાનજી મનજી પટેલે પહેલા પોતાના પાસે રહેલી છરી બતાવી પોલીસ અને કંપનીનાં સ્ટાફને ધમકી આપી કે તેઓ આત્મહત્યા કરી લેશે. પરંતુ તેમની આ ધમકી કામ ન કરતા તેઓ ટાવર ઉપર ચઢી ગયા હતા. જેને કારણે પોલીસ પણ ટેન્શનમાં આવી ગઇ હતી. આવું તેમણે સતત બે દિવસ સુધી કર્યું હતું. સમજાવટ પછી પણ વાત ન માનતા આખરે કંપનીને પોલીસ ફરિયાદ કરવાની નોબત આવી હતી.

ખંડણી જેવા આવા અનેક બનાવ, ફરિયાદ માત્ર એક

નિયત સમયમાં વીજલાઈન નાખવાની મજબૂરી હોવાને કારણે કચ્છમાં કામ કરી રહેલી પવનચક્કીની કંપનીઓ જમીનનાં બજારભાવથી પણ ત્રણથી ચાર ઘણાની રકમ માત્ર વળતર સ્વરૂપે ચૂકવી રહી છે. જેમાં કયાંકને કયાંક સામાજિક, રાજકીય કે સ્થાનિક લુખ્ખા તત્વોનું દબાણ કામ કરતું હોય છે. જયાં એકવાર વળતર સ્વરૂપે રકમ આપી દેવામાં આવી હોય ત્યાં પણ કાયદા દ્વારા મળેલી જોગવાની ધમકી આપીને બેથી ત્રણ વખત લાખો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ વાત વહીવટીતંત્ર તથા પોલીસની ધ્યાનમાં હોવા છતાં મોટાભાગનાં કિસ્સામાં મુકપ્રેક્ષક બની રહેવાને કારણે ન છૂટકે કંપનીઓ દ્વારા ખંડણી કહી શકાય તે રીતે કાયદેસર ચેકથી રકમ ચૂકવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આવી સ્થિતમાં મોરગરનો આ કિસ્સો તો પાશેરમાં પૂણી સમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે.