મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : મુન્દ્રાનાં કસ્ટોડીયલ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ પોલીસ કર્મચારીને પશ્ચિમ કચ્છનાં એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. સાથે સમગ્ર મામલામાં બેદરકારી દાખવવા બદલ મુન્દ્રા પોલીસ સ્ટેશનનાં તત્કાલીન ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે રાતે એસપી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત એક જૂનો વિડિઓ પણ વાયરલ થયો હતો. જેમાં દારૂની પાર્ટી કરી રહેલા મુન્દ્રા પોલીસ મથકનાં જ બે પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક જ પોલીસ સ્ટેશન છ કર્મચારીને એસ સાથે સસ્પેન્ડ કરવામાં આવતા કચ્છનાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામનાં યુવાનને લોકઅપમાં ટોર્ચર કરતા તેનું મૃત્યુ થયું હતું.  કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં હત્યાનો જેમની ઉપર ગુન્હો નોંધવામાં આવ્યો છે તેવા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા અને અશોક કનાડને પશ્ચિમ કચ્છનાં પોલીસ અધિક્ષક સૌરભસિંગે સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં એક જવાબદાર અધિકારી તરીકે બેદરકારી દાખવનાર પીઆઇ જે.એ.પઢીયાર ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પઢીયારને આ મામલો બહાર આવતા ભુજમાં જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર (JIC) ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. હત્યા કેસનાં ત્રણેય પોલીસ કર્મચારી હજુ પણ ગાયબ છે. ત્યારે પોલીસે તેમને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમ બનાવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ. 

એક વર્ષ જૂની પાર્ટીનો વિડિઓ મોંઘો પડ્યો

કસ્ટોડીયલ કેસ અંગે સોશિયલ મીડિયામાં અવનવી વાતો અને ફોટા તેમજ વિડિઓ વાયરલ થઈ રહ્યા છે. તેવામાં એક વિડિઓ એવો પણ વાયરલ થયો હતો, જેમાં કસ્ટોડીયલ કેસનાં આરોપીઓ સાથે મુન્દ્રા પોલીસનાં જ બે જવાન દારૂનો ગ્લાસ પકડી પાર્ટી માણતા જોવા મળ્યા હતા. એસપી સૌરભસિંગે આ ઘટનાને પણ બહુ ગંભીરતાથી લીધી હતી. અને તપાસ બાદ બે કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ગોહિલને પણ એસપી સિંગે તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખ્યા હતા.