મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : મુન્દ્રાનાં કસ્ટોડીયલ પ્રકરણમાં શનિવારે બીજુ મોત થયું છે. કિડની સહિત મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ જવાને લીધે સમાઘોઘા ગામનાં યુવાનનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસનાં ત્રાસને કારણે બબ્બે યુવાનનું મોત થવાને કારણે માત્ર ગઢવી સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને પગલે સોમવારે કચ્છ ગઢવી-ચારણ સમાજ દ્વારા માંડવી-મુન્દ્રમાં બંધ પાળીને વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજબાજુ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી સહિતનાં આરોપીઓ 19મી જાન્યુઆરીથી ફરાર થઈ ગયા છે. અને હજુ સુધી પોલીસ તેમને પકડી શકી નથી. જેને કારણે પોલીસની કામગીરી પણ શંકાનાં દાયરામાં આવી ગઈ છે.

મુન્દ્રાનાં કસ્ટોડીયલ પ્રકરણમાં 19મી જાન્યુઆરીએ અરજણ ગઢવી નામનાં યુવાનનું મોત થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે અરજણ ગઢવી ઉપરાંત 22 વર્ષના હરજૂગ ગઢવી અને શામરા ગઢવીને ચોરીનાં કેસમાં પકડીને પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખ્યા હતા. અને અમાનુષી વર્તન કરીને બેફામ માર્યા હતા. જેને કારણે ત્રણેય ગઢવી યુવાનની હાલત ખરાબ થઈ ગઈ હતી. જેમાં અરજણ ગઢવીના મોત પછી બે યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જેમાં હરજૂગ ગઢવીનું બંને કિડની ફેલ થઈ જવા ઉપરાંત મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ જવાને કારણે મોત થતા ફરી એકવાર કચ્છનાં મુન્દ્રા તાલુકામાં ગઢવી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે આરોપી પોલીસવાળા હજુ સુધી પકડાયા નથી. જેને કારણે કચ્છ ગઢવી-ચારણ મહાસભાના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ જયાં સુધી કસૂરવાર આરોપી પોલીસ કર્મચારી ન પકડાય ત્યાં સુધી અમદાવાદ મૃત્યુ પામેલા હરજુગ ગઢવીની લાશ લેવાનો ઇનકાર કર્યો છે. અને સાથે સાથે ધારાસભ્યો અબે સાંસદ દ્વારા આ મામલે હજુ સુધી સેવવાવામાં આવેલી ચુપ્પી અંગે નારાજગી વ્યક્ત કરીને આવતીકાલે સોમવારે મુન્દ્રા બંધ રહેશે તેવું પણ જણાવ્યું હતું.


 

 

 

 

 

શરૂઆતથી જ વિવાદાસ્પદ એવા સમગ્ર મામલામાં બેદરકારી દાખવવા બદલ મુન્દ્રા પોલીસ સ્ટેશનનાં તત્કાલીન ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કર્યા પછી GRDનાં એક જવાનની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જયારે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા અને અશોક કનાડને શરૂઆતમાં FIRમાં આરોપી તરીકે દર્શાવ્યા બાદ કપિલ દેસાઈ ગફુરજી ઠાકોર અને સમાઘોઘા ગામનાં ભૂતપૂર્વ સરપંચ વિક્રમ જાડેજા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. જોકે જયારથી આ બનાવ બહાર આવ્યો ત્યારથી આ આરોપીઓ ફરાર થઈ ગયા છે.

મામલો ચોરીનો નહીં પણ જમીન પ્રકરણનો

પોલીસે સમગ્ર મામલામાં શરૂઆતથી એવી દલીલ કરી છે કે, સમાઘોઘા ગામનાં જે ત્રણ યુવાનને પકડવામાં આવ્યા હતા તેઓ ઘરફોડ ચોરીમાં સામેલ હતા. પરંતુ જયારે સમાઘોઘા ગામનાં પૂર્વ સરપંચ વિક્રમ જાડેજાનું નામ આ કેસમાં બહાર આવ્યું ત્યારે ખબર પડી કે મામલો ચોરીનો નહીં પરંતુ કિંમતી જમીન પ્રકરણનો છે. જેમાં વિક્રમના ઇશારે મુન્દ્રા પોલીસે ગઢવી યુવાનોની સોપારી લીધી હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. અરજણ ગઢવીને પોલીસે આઠ દિવસ ગોંધી રાખ્યો હતો. જયારે શનિવારે મૃત્યુ પામનાર હરજુગ ગઢવી નામનાં યુવાનને તો પોલીસે વીસ-વીસ દિવસ સુધી ત્રાસ આપ્યો હતો. જેને લીધે તેની બંને કિડની પણ ફેલ થઈ ગઈ હતી. 


 

 

 

 

 

પોલીસ કર્મીઓ પકડાતા નથી કે જામીન લઈ આવે તેની રાહ જોવાય છે..?

શરૂઆતથી પોલીસ સમગ્ર કેસમાં શંકાસ્પદ રીતે કામ કરી રહી હોય તેવું એટલા માટે લાગે છે કે, છ આરોપી હજુ પકડાયા નથી. જેમાં પાંચ પોલીસ કર્મચારી છે. પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંગની છાપ કડક અને પ્રામાણિક આઇપીએસ ઓફિસરની છે. એટલે જ જયારે આ બનાવ બન્યો તે દિવસે સાંજ સુધી તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા તેવું ખુદ પોલીસ સૂત્રો દાવો કરી રહ્યા છે. ત્યારબાદ એસપી સિંગ સતત આ કેસનું ડેઇલી નિયમિત મોનીટરીંગ કરી રહ્યા છે. પરંતુ આખરે તો કામગીરી તેમનાં સ્ટાફને કરવાની છે. એટલે સ્વાભાવિક છે કે આરોપીઓ હજુ પકડાતા નથી. બીજીબાજુ સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે, ફરાર પોલીસ કર્મચારીઓ આગોતરા જામીન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને કેટલાક ફૂટેલા પોલીસ અધિકારી અને કર્મચારી તેમને આ માટે સપોર્ટ કરી રહ્યા છે. જેને લીધે તેઓ હજુ પોલીસનાં પંજાથી દૂર છે. જોકે એસપી સૌરભસિંગએ આ અંગે ઇનકાર કરીને ઉમેર્યું હતું કે, ઘટના બહુ ગંભીર છે એટલે આગોતરા જામીન મળવા મુશ્કેલ છે. તેઓ પર્સનલી કેસને જોઈ રહ્યા છે અને લોકોને પોલીસ તપાસ ઉપર ભરોસો રાખવવાની અપીલ પણ કરી છે. મુન્દ્રા બંધ વખતે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે તેમ અંતમાં તેમણે જણાવ્યું હતું.