મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : મુંબઈથી કચ્છનાં લોકો મોટી સંખ્યામાં માદરે વતન આવી રહ્યા હતા ત્યારે ઓરેન્જ ઝોનમાં આવેલા કચ્છમાં કોરોનાનાં પોઝીટીવ કેસ વધશે તેવી ભીતિ સેવવામાં આવી હતી. જે હવે સાચી પડવા તરફ જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મુંબઈથી આવેલી માલેતુજાર મેડિકલ સ્ટુડન્ટ યુવતી બાદ મુંબઇ કનેક્ટેડ વધુ એક એક પોઝીટીવ કેસ કચ્છમાં બહાર આવ્યો છે. મુંબઈથી 27 લોકો સાથે મુસાફરી કરીને કચ્છનાં અંજાર તાલુકાનાં બુઢારમોરા ગામના યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

કચ્છનાં ડીડીઓ પ્રભવ જોશીનાં જણાવ્યા પ્રમાણે, મુંબઈથી આવેલા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. તેની સાથે સંપર્કમાં આવેલા 20થી25 લોકોને ટ્રેસ કરીને કોરોનટાઈ કરવામાં આવ્યા હોવાનું ડીડીઓ જોશીએ વધુમાં જણાવ્યું હતું. કચ્છ અને મુંબઇનો નાતો બહુ ગાઢ છે અને અનેક કચ્છીઓ મુંબઇ સાથે કનેક્ટેડ હોવાને કારણે કચ્છમાં કોરોના કેસ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેવામાં મુંબઇ કનેક્ટેડ ત્રણ કેસને પગલી આ દહેશત સાચી પડી રહી હોય તેવું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાના આ લેટેસ્ટ પોઝીટીવ કેસને પગલે કચ્છમાં કુલ આંકડો આઠનો થયો છે.