મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: નવરાત્રીમાં ગરબા અને પૂજા ઉપરાંત નાની દીકરીઓની પૂજા કરી તેમને શૈક્ષણિક કિટ, શુકન અને સુકન્યા યોજનાની ભેટ આપવાનું કામ કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ નવરાત્રી દરમિયાન ૧૮ જેટલા સ્થળો એ જઈને નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં દીકરીઓની પૂજા કરે છે અને ભેટ આપે છે.

ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, “નવરાત્રી દરમિયાન સતત નવ દિવસ સુધી કચ્છ-મોરબી લોકસભા વિસ્તારમાં આવતા ૧૮ સ્થળો પર નવરાત્રીની માતાજીની પૂજા ઉપરાંત  ૧૧૦૦ જેટલી બાળકીઓનું પૂજન હું કરી રહ્યો છું અને સ્થાનિક લોકો પણ સાથે જોડાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી વધાઓ, બેટી બચાઓ, બેટી પઢાઓના સંકલ્પને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકીઓનું પૂજન કરૂ છું જેથી દીકરીઓ સ્કૂલે જાય અને સુકન્યા યોજનામાં તેમનું ભવિષ્ય પણ વધુ મજબુત બને.”

સાંસદ દ્વારા કચ્છ-મોરબી  જીલ્લાના લોકસભા મત વિસ્તારના ૧૨ જેટલા તાલુકાઓમાં રોજ બે ગામમાં જઈ નવરાત્રીના પૂજન સાથે નાની બાળકીઓને ખુરશીમાં બેસાડી, સાંસદ જાતે નીચે બેસીને ધાર્મિક વિધિની રીતે પૂજન કરે છે અને પૂજન કર્યા પછી તેમને શૈક્ષણિક કીટ, ૫૦ રૂપિયા શુકન અને સુકન્યા યોજનાનો લાભ આપવામાં આવે છે.

સુકન્યા યોજનામાં ૧૦ વર્ષ સુધીની દીકરીઓના બેંક એકાઉન્ટ ખોલવાના હોય છે જેમાં તેના વાલી દ્વારા જે કઈ રકમ ૧૪ વર્ષ સુધી જમા કરાવવામાં આવે તે રકમ ૨૧ વર્ષની વયે સરકાર તેને ૩ ઘણી પાછી આપશે અને ૧૮ વર્ષની વયે જો દીકરી ધારે તો તેની ૫૦ ટકા રકમ પણ ઉપાડી શકે.  આ માટે ૧૧૦૦ જેટલી છોકરીઓના સુકન્યા યોજનાના એકાઉન્ટ નવરાત્રીની પૂજન સમયે જ તેના ફોર્મ ભરવામાં આવે છે અને તે ભેગા કરી તેના એકાઉન્ટ ખોલીને દીકરીઓના માતા પિતાને તે આપવામાં આવશે.