મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મહેસાણાના ચૂંટણી અધિકારી ખૂટતી વિગતોનું ફોર્મ સ્વીકારી લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેવામાં કચ્છમાં પણ એક 'ગેસ' કેડરનાં કલાસ વન ઓફિસર સામે કઈંક આ પ્રકારનાં આક્ષેપ થયા છે. તેમની સામે પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભૂલ અને ક્ષતિવાળું ફોર્મ લેવા બદલ આક્ષેપ થયા છે. આ ડેપ્યુટી કલેક્ટર વિરુદ્ધ રાજ્યનાં ચૂંટણી પંચ સહિત એસીબીમાં પણ ફરિયાદ થવાને પગલે કચ્છનાં વહીવટી તંત્ર સામે શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે.

જેમની સામે અધૂરી અને ક્ષતિવાળી વિગતોનું ફોમ સ્વીકાર કરવા બદલ આક્ષેપ થયા છે તેવા કચ્છનાં અબડાસા પ્રાંતનાં ડેપ્યુટી કલેક્ટરે પણ કઈંક આવા જ માપદંડને આધારે વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન બે અપક્ષના ફોમ રદ્દ કર્યા હતા. જેને લીધે આ વિવાદ ઉભો થયો છે. વિધાનસભાની  પેટા ચૂંટણી દરમિયાન મામલે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પંચમાં બેવડા માપદંડો રાખતા ગેસ કેડરનાં ઓફિસર પ્રવિણસિંહ જૈતાવત સામે ફરિયાદ પણ કરી હતી. 

કોંગ્રેસનાં નેતા ડોક્ટર રમેશ ગરવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અને ફરિયાદ મુજબ, કોંગ્રેસનાં જિલ્લા પંચાયતની મોથાળા બેઠકના ઉમેદવાર માવજી મહેશ્વરીએ તેમનાં ફોમમાં વિગતો અધૂરી રાખી એટલું જ નહીં પરંતુ, એક પોલીસ કેસ અંગેની માહિતી પણ છુપાવી હતી. તેમ છતાં ચૂંટણી અધિકારીની રૂએ ડેપ્યુટી કલેક્ટર જૈતાવતે મહેશ્વરીનું ફોર્મ માન્ય રાખ્યું હતું. આમ બેવડા માપદંડની સાથે સાથે કાયદાકીય પ્રક્રિયા ન અનુસરનાર અબડાસા પ્રાંતનાં ડેપ્યુટી કલેક્ટર સામે ડોક્ટર ગરવાએ એસીબીના ડાયરેક્ટર સમક્ષ લાંચ રૂશ્વત સંબંધી તપાસની પણ માંગણી કરી છે. જેને કારણે રાજકીય પાર્ટીઓ ઉપરાંત કચ્છનાં વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. 


 

 

 

 

 

ઉમેદવારી ફોર્મમાં આ માહિતી છુપાવી હતી

જિલ્લા પંચાયતની મોથાળા બેઠકના ઉમેદવાર માવજી મહેશ્વરીએ તેમની સામેની પોલીસ ફરિયાદ અંગેની વિગત છુપાવી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૮/૧૨/૨૦૧૦નાં રોજ નોંધાયેલી FIRમાં આરોપી તરીકે માવજી મહેશ્વરીનું નામ છે. તેમણે આ વિગત ફોર્મમાં દર્શાવી ન હતી. માત્ર એટલું જ નહીં પરંતુ, વિગત ભરવાના કેટલાક ખાના તેમણે ભર્યા વિના છોડી દીધા હતા. ઝવેરાત સામે આશ્રિતનું નામ પણ ખાલી રાખવા સહિતની નિયમ પ્રમાણેની માહિતી-વિગતો પણ છોડી દીધી હતી. મજાની વાત એ છે કે, આવી ભૂલ બદલ આ જ અધિકારીએ ચાર મહિના પહેલા જ યોજાયેલી ચૂંટણીમાં બે મહિલા અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ્દ કરી દીધા હતા. જેને કારણે તેમની ઉપર હવે આક્ષેપ થઈ રહ્યા છે. 

એક જ પ્રકારની એક ભૂલમાં ફોર્મ રદ્દ થાય તો નવ ભૂલમાં શુ થયું..?

ડોક્ટર ગરવાના આક્ષેપ પ્રમાણે ડેપ્યુટી કલેક્ટર પ્રવિણસિંહ દલપતસિંહ જૈતાવતે, વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન એક ખાનું ખાલી રાખવા બદલ આરતીબેન ગૌસ્વામીનું ફોર્મ રદ્દ કરી દીધું હતું. ચાર મહિના પછી આ જ અધિકારી માવજી મહેશ્વરીનાં ફોર્મમાં નવ-નવ જગ્યા ખાલી હોવા છતાં ફોર્મ ગ્રાહ્ય રાખે છે. આમ એક જ પ્રક્રિયામાં બે અલગ અલગ માપદંડને કારણે ડેપ્યુટી કલેક્ટરની નીતિ ઉપર શંકા જાય તે સ્વાભાવિક છે. આ અંગે જયારે નાયબ કલેક્ટર જૈતાવતનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી ભારતીય જન પ્રતિનિધિત્વ ધારા- 1951 પ્રમાણે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાત પંચાયતી ધારા - 1994 પ્રમાણે કરવામાં આવે છે. એટલે બંનેના નિયમોમાં ફેરફાર હોય છે. નાની નાની કલેરિકલ લેવલની ભૂલો ઉપર વધુ ધ્યાન આપવાને બદલે વધુમાં વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તેવી અમારી પ્રાથમિકતા હોય છે.


 

 

 

 

 

ગુનાહિત માહિતી છુપાવા બદલ કાર્યવાહી થશે

ચૂંટણી ફોર્મ સાથે આપવાના સોગંધનામાં જો ગુન્હાહિત માહિતી એટલે કે એફ આઈઆર સંબંધી વિગતો છુપાવવામાં આવી હશે તો તેમની સામે ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ ડેપ્યુટી કલેક્ટર પ્રવિણસિંહ જૈતાવતે કહ્યું હતું. જો કે સુત્રોનું માનીએ તો આ અંગે તારીખ 18મી ફેબ્રુઆરીનાં રોજ તંત્ર સમક્ષ આરતીબેન ગૌસ્વામી દવારા ફરિયાદ કરવામાં આવી ચૂકી છે. કદાચ આ ફરિયાદ ભુજથી અબડાસા સુધી નહીં પહોંચી હોય એટલે તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી.

ભાજપે ફરિયાદનું નાટક કરેલું..?

માવજી મહેશ્વરીની ઉમેદવારી પછી ખુદ ભાજપનાં લોકોએ પણ આ અંગે ફરિયાદ કરી હતી. તેમ છતા કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ ચૂંટણી બાદ હવે કોંગ્રેસની ટીકીટ ઉપરથી ચૂંટણી હારી ગયેલા માવજી મહેશ્વરીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે ત્યારે ડોક્ટર ગરવાએ ભાજપની એ રજુઆત 'નાટક' હોવાનું જણાવ્યું હતું. કચ્છ ભાજપનાં એક મોટા નેતાનાં ખનિજના કામના પાર્ટનર માવજી મહેશ્વરીની મદદથી ભાજપ કોંગ્રેસ બહુમતિવાળી તાલુકા પંચાયત અંકે કરવા જઈ રહ્યાની ચર્ચાને તેમની ભાજપની એન્ટ્રીથી વધુ વેગ મળ્યો છે.