મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ : પોલીસનાં અતિરેકને કારણે પશ્ચિમ કચ્છનાં ગઢસીસા પંથકનાં ગ્રામજનોએ બાંયો ચઢાવી છે. રાજ્યકક્ષાનાં મંત્રી વાસણ આહીરના માનીતા પોલિસ ઇન્સ્પેક્ટર સામે પંદરથી વધુ ગામનાં લોકોએ મોરચો માંડતા પોલીસ બેડા સહિત કચ્છનાં રાજકારણમાં પણ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય લોકોને નાની નાની વાતમાં પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે આ પોલીસ અધિકારીથી કંટાળીને અનેક લોકો એકઠા થયા હતા. અને ઉચ્ચ કક્ષાએ આ મામલે રજુઆત કરવાની યોજના પણ પણ બનાવી છે. મંત્રી આહીરની ભલામણને કારણે ઇન્સ્પેક્ટર રમેશ ડી. ગોજીયા લાંબા સમયથી ગઢસીસા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે.

સામાન્ય લોકોને પરેશાન કરી મુક્તી કાયદાની અમલવારીનાં અતિરેકથી ત્રસ્ત થઈને લોકો પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ગોજીયા સામે મોરચો માંડ્યો છે. નાની નાની વાતમાં સામાન્ય લોકોને દંડતા અને કાયદાનાં અમલના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ઇન્સ્પેક્ટર ગોજીયા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંગાજી નામના સ્થળે તાજેતરમાં ગઢસીસા પંથકનાં પંદરથી વધુ ગામનાં લોકો એકઠા થયા હતા. જેમાં પીઆઇ રમેશ ગોજીયાની સામે બળાપો કાઢવામાં આવ્યો હતો. પંથકના રાજપર, વિરાણી, ફિલોણ, લુડવા, દરશડી, મમાયમોરા, દુજાપર, વડવા કાંયા, રત્નાપર, મઉ, મકડા, વરઝડી, દેવપર ગઢ, ગોડાલખ વગેરે ગામનાં અનેક લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં ઇન્સ્પેક્ટર ગોજીયાના કડવા દંડનીય અનુભવની ટીકા કરવામાં આવી હતી. દુજાપરના નારણભાઇ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ગઢસીસા પંથકના જિલ્લા પંચાયતનાં સભ્ય કેશવજીભાઈ રોશિયા, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણી, ચંદુભાઈ વાડિયા, મકડાના સરપંચ બળવંતસિંહ જાડેજા, પરમજીતસિંહ જાડેજા, પરષોત્તમભાઈ વાસાણી, મમાયમોરાનાં સરપંચ વિનિદભાઈ જબુઆણી, વેપારી મંડળના પ્રમુખ કાંતિભાઈ રંગાણી, ચેતનભાઈ કોટક, લાલજીભાઈ મહેશ્વરી વગેરે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તાત્કાલિક અસરથી પીઆઇ ગોજીયાની ટ્રાન્સફર કરવાની માંગ દોહરાવી હતી. 


 

 

 

 

 

આવો ત્રાસ, ગામડામાં 'નો-પાર્કિંગ'ની પહોંચ ફાડે છે

સામાન્ય રીતે પોલીસ અધિકારી સામે લોકો મોરચો માંડે ત્યારે શાસક પક્ષના લોકોનો ટેકો હોતો નથી. પરંતુ મંત્રી વાસણ આહીરના ખાસ માનવામાં આવતા પીઆઇ આર.ડી.ગોજીયા સામે કોંગ્રેસ-ભાજપથી માંડીને તમામ સમાજ, ધર્મ અને વેપારી મંડળો ઉપરાંત ગ્રામ પંચાયતોએ પણ વિરોધ કર્યો છે. નાની નાની વાતમાં દંડ ફટકારતા ઇન્સ્પેક્ટર ગોજીયાએ ગામડામાં 'નો-પાર્કિંગ'ની પહોંચ ફાડવાની વાતે ઉપસ્થિત લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીએ જતા લોકોને પણ દંડવામાં આવતા સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે.

...તો કરો વાસણભાઇને ફોન

મંત્રી વાસણ આહીરના ખાસ માનવામાં આવતા ઇન્સ્પેક્ટર રમેશ ગોજીયાનાં ત્રાસથી લોકો એટલા કંટાળી ગયા છે કે, ચાલુ સભામાં જ લોકોએ મંત્રી આહીરને ફોન કરવાનું નક્કી કર્યું હતું. જો કે ત્યારબાદ પહેલી એપ્રિલે આઈજી તેમજ એસપી સમક્ષ રજૂઆત કરવાનું નક્કી થયું હતું. જો આગામી દિવસોમાં પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી નહીં થાય તો આઠમી એપ્રિલે ગઢસીસા પંથકમાં બંધ પાળીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને પગલે હવે પીઆઇ ગોજીયાની વિદાય નક્કી માનવામાં આવી રહી છે.


 

 

 

 

 

IPS જેવો ઠાઠ, એસપીને ગમે ત્યારે મળાય, PIને મળવાનો સમય નક્કી

રાજકીય પ્રભાવને કારણે ઇન્સ્પેક્ટર ગોજીયા સામે અનેક રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ વિરોધ સભામાં થયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાં ગોજીયાનો ઠાઠ એક IPSને પણ શરમાવે તેવો છે. પશ્ચિમ કચ્છનાં એસપીને મળવું હોય તો સામાન્ય માણસ ગમે ત્યારે જઈ શકે પરંતુ ગઢસીસા પોલીસ મથકના અધિકારી ગોજીયાને મળવાનો સમય નક્કી કરીને આ અંગેનું બોર્ડ મારવામાં આવેલું છે. જેમાં સવારે 11થી બપોરના એક તથા સાંજે ચારથી રાતનાં આઠ વાગ્યા દરમિયાન જ પીઆઇ સામાન્ય લોકોને મળશે તેવો દુરાગ્રહ રાખવામાં આવતો હતો. મંત્રીનાં ખાસ હોવાને કારણે આ ઇન્સ્પેક્ટરથી તેના સિનિયર પણ આંખ આડા કાન કરતા હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે.

સમગ્ર મામલે તપાસ થશે : DGP આશિષ ભાટીયા

ગઢસીસા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર રમેશ ડી. ગોજીયા સામે લોકોનાં આક્ષેપની હજુ સુધી તેમની સુધી વાત આવી નથી તેમ ગુજરાતનાં પોલીસ વડા એવા ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. લોકો દ્વારા બંધ અને પોલીસ સ્ટેશન ઘેરાવની વાતથી ડીજીપી ભાટિયા ગંભીર થઈ ગયા હતા અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.